બાર્સિલોનાઃ સ્પેનના બાર્સિલોનાનાં ભરચક એવન્યુમાં આતંકી દ્વારા ટોળા પર બેફામ કાર ચલાવીને ૧૪ના મોત નિપજાવ્યા હતા અને ૧૦૦થી વધુને ઘાયલ કર્યા હતા. આ ઘટનામાં ૧૮મીએ રાત્રિ દરમિયાન પોલીસે પાંચ શંકાસ્પદ આતંકીને ઠાર કર્યા હતા અને ચારની ધરપકડ કરી હતી. આ દરમિયાન કેમ્બ્રિલમાં પણ આવો જ બીજો હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી આઈએસે સ્વીકારી હતી. આ હુમલાનો ભોગ બનેલામાં વિવિધ ૩૪ દેશોના નાગરિકો હતા.
પોલીસે જણાવ્યા મુજબ બંને હુમલામાં કાર દ્વારા રાહદારીઓને કચડી નાંખવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તાજેતરમાં યુરોપમાં થયેલા હુમલાઓમાં વાહનને હથિયાર બનાવવાનું પ્રમાણ વધ્યું છે.
સ્પેનના ટેરરીઝમ એન્ડ ઇન્સર્જન્સી સેન્ટરના વડાએ જણાવ્યું હતું કે આ વખતનો હુમલો જોતાં સ્પેનમાં વધુ સંગઠિત આતંકી જૂથ હોવાના સંકેત મળ્યા છે. વિશ્વના નેતાઓ હિંસાને વખોડી રહ્યા છે ત્યારે આઇ.એસ.ની પ્રવકતા એજન્સી અમાકે જણાવ્યું હતું કે, આઇ.એસ.ના સૈનિકોએ બાર્સિલોનામાં હુમલો કર્યો હતો.
૧૯મીએ પોલીસે વધુ એક શંકાસ્પદ આરોપીની ઉત્તર કેરાલોનિયાના રિપોલમાંથી ધરપકડ કરી હતી. પકડાયેલા ૩ આતંકી પણ રિપોલમાંથી ઝડપાયા હતા. તે પૈકી એક ડ્રીસ ઓકેબીરના ભાઇને પોલીસ શોધી રહી હતી. તે મોરોક્કન નાગરિક હતો. કેરાલોનિયામાં આ શખ્સો વિસ્ફોટક સામગ્રીમાંથી બોંબ બનાવી રહ્યા હતા.
ભારતીય-બ્રિટીશ અભિનેત્રી ફ્રીઝરમાં સંતાઈ
ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા દરમિયાન ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી લૈલા રોઝ તેની ૧૦ વર્ષની પુત્રી સાથે હોટલના રૂમનાં ફ્રીઝરમાં સંતાઈ ગઈ હતી. આ અંગેની માહિતી લૈલાએ ટ્વિટર ઉપર આપી હતી. ભારતીય માતા અને બ્રિટિશ પિતાની સંતાન લૈલા બ્રિટનમાં ટેલિવિઝનની લોકપ્રિય અભિનેત્રી ગણાય છે.

