યુકે મારા માટે સ્પેશ્યલ છેઃ કોમેડિયન જેમી જનુમાલા

મિતુલ પનિકર Thursday 24th August 2017 06:02 EDT
 
 

વિખ્યાત કોમેડિયન એક્ટર જ્હોની લિવરની ૨૯ વર્ષીય દીકરી જેમી જનુમાલા પણ પિતાની જેમ જ જાણીતી કોમેડિયન છે. પિતાની જેમ જ જેમી પણ ફિલ્મોમાં કોમેડિયન તરીકે દર્શકોને પેટ પકડીને હસાવી જાણે છે. તે સ્ટેન્ડ અપ કોમેડિયન તરીકે દેશવિદેશમાં સ્ટેજ શોઝ પણ કરી રહી છે. ‘કોમેડી દંગલ’ અને ‘કોમેડી સર્કસ કે મહાબલિ’માં ટીવીના પરદે દેખાયેલી જેમીએ ‘ગુજરાત સમાચાર’ સાથે વાતચીત કરી ત્યારે તેના અવાજમાંથી આત્મવિશ્વાસ, નિખાલસતા અને ઉત્સાહ છલકાતાં હતાં.
જેમીએ ગુજરાત સમાચાર સાથે તેની કારકિર્દી, તેના પિતા જ્હોની લિવર અને તેના યુકે સાથેના કનેક્શન વિશે ઘણી વાતો કરી. તેની સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, તે સ્ત્રી હાસ્ય કલાકાર તરીકે પોતાની જાતને ઓળખાવા કરતાં માત્ર પોતાને કોમેડિયન તરીકે જ ઓળખાવવાનું પસંદ કરશે. તે કહે છે કે, આ કળા માટે તે સ્ત્રી કે પુરુષ જેવા ફેક્ટરને પ્રાધાન્ય આપવા કરતાં ટેલેન્ટ અને મહેનતને મહત્ત્વ આપવામાં માને છે.
જેમીને પૂછવામાં આવ્યું કે તું જ્હોની લિવરની પુત્રી છે ત્યારે ઇન્ડસ્ટ્રીનો તારી સાથે વ્યવહાર કેવો હોય છે? તો જવાબમાં તે કહે છે કે, હું રીતસર પ્રેશરમાં હોઉં છું. હું જ્હોની લિવરની દીકરી છું એટલે લોકોને મારી પાસેથી ઘણી ઊંચી કક્ષાના હ્યુમરની અપેક્ષા હોય છે. મારા પિતાનો પ્રશંસક અને ચાહકવર્ગ બહોળો હોવાથી દર્શકોને જિજ્ઞાસા હોય છે કે મારું પર્ફોર્મન્સ કેવું હશે? હું તેમને સંતોષકારક પર્ફોર્મન્સ આપીશ કે નહીં? હું પણ જોકે મહેનત કરું છું કે લોકોને મારું પર્ફોર્મન્સ ગમે. તેઓ મને પસંદ કરે. હું હંમેશાં ઈચ્છું છું કે લોકો મને મારા પર્ફોર્મન્સ માટે પસંદ કરે એટલા માટે નહીં કે હું જ્હોની લિવરની દીકરી છું. હું એ પ્રયત્નમાં રહું છું કે મારા કામથી ઇન્ડસ્ટ્રીમાં હું મારી અલગ ઓળખ ઊભી કરી શકું.
શ્યામ પાઠક, દિલીપ જોષી અને અંકલ જિમ્મી મોઝિસ સાથે યુકેના લેસ્ટર અને લંડનમાં આયોજિત શો વિશે જેમી કહે છે કે, મારા અંકલ જિમ્મી મોઝિસ મારા ગુરુ છે. તેઓ મને શીખવે છે કે ક્યાં કઈ રીતે પર્ફોર્મ કરવું. કઈ રીતે મારે સારું એક્ટ આપવું તેની પહેલેથી હું તૈયારી કરું છું. એ દરેકનું શ્રેય હું મારા અંકલ જિમ્મીને આપું છું. તેઓ મને ઘણું શીખવે છે. હું ખૂબ જ ખુશ છું કે મારા અને અંકલ યુકેમાં સાથે પર્ફોર્મ કરી રહ્યા છીએ. અમે ‘કોમેડી દંગલ’માં પણ સાથે જ છીએ.
જેમી યુકે સાથેના તેના કનેક્શન વિશે જણાવે છે કે, યુકે સાથે મારી સ્પેશ્યલ યાદો જોડાયેલી છે. હું ત્રણ વર્ષ અહીં રહી ચૂકી છું. હું અહીં ભણી અને મેં પ્રથમ નોકરી પણ યુકેમાં કરી હતી. માર્કેટિંગની એ જોબ કરતાં કરતાં જ મને અહેસાસ થયો હતો કે મારે નોકરી કરવી નથી. મારે કોમેડીમાં કરિયર બનાવવું છે. તે મારી જિંદગીનો મહત્ત્વનો સમય અને વળાંક હતો. મેં ત્યારે કોમેડીમાં કરિયર બનાવવાનો નિર્ણય લઈને ડ્રામામાં કામ કરવા સાથે સ્ટેજ પર્ફોર્મન્સ આપવાના શરૂ કર્યાં. થિએટર શોઝ કરવા લાગી. કોમેડી માટેની સ્ક્રિપ્ટ્સ લખવા લાગી. એ પછી મને સમજાયું કે મને ખરેખર એક્ટિંગમાં, કોમેડી એક્ટ્સ કરવામાં મજા આવે છે. મને માઈક પકડીને સ્ટેજ પર પર્ફોર્મ કરવું ગમે છે. મારો ફર્સ્ટ લાઈવ શો પણ લંડનમાં જ હતો. તેથી જ તો કહું છું કે યુકે મારા માટે સ્પેશ્યલ છે.


comments powered by Disqus