• મુઝફ્ફરનગરમાં ટ્રેન ખડી પડતાં ૨૩નાં મોત: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર નજીક ૧૯મીએ સાંજે પોણા છ વાગ્યે ગોઝારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. પુરીથી હરિદ્વાર જઈ રહેલી ઉત્કલ એક્સપ્રેસના ૧૪ ડબા પાટા પરથી ખડી પડતાં ૨૩ પ્રવાસીઓનાં મોત થયાં હતાં અને ૪૦૦થી વધુ પ્રવાસીઓનાં ઈજા પહોંચી હતી. મૃતકોની સંખ્યા વધશે એવી આશંકા વ્યક્ત કરાઈ રહી હતી. પ્રારંભિક અહેવાલ મુજબ ખતોલી સ્ટેશન નજીક પાટાનું સમારકામ ચાલી રહ્યું હતું. તેનાથી અજાણ ટ્રેનના ડ્રાઇવરે અચાનક ઇમરજન્સી બ્રેક મારતા ડબા ફંગોળાયા હતા. એ સમયે ટ્રેન ૧૧૦૫ કિમી. પ્રતિ કલાકની ઝડપે દોડી રહી હતી.
• રશિયાના હુમલામાં ISના ૨૦૦થી વધુ આતંકીનાં મોતઃ રશિયાએ સીરિયાના શહેર ડેર અલ-ઝોરમાં પ્રવેશ કરવા જઇ રહેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ૨૦૦થી વધુ આતંકીઓને ઉડાવી દીધા છે. આ આતંકી સંગઠન રાક્કા પ્રાંતમાંથી ખદેડી દેવાયા બાદ હવે ડેર અલ ઝોરની બાજુ તેની તાકાત વધારી રહ્યું છે. જોકે રશિયાના હુમલામાં તેની તાકાતને ઘણી અસર થઇ છે
• બાંગ્લાદેશનાં વડાં પ્રધાનની હત્યાના પ્રયાસ બદલ ૧૦ને ફાંસીઃ બાંગ્લાદેશના વડાં પ્રધાન શેખ હસીનાની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં સંડોવાયેલા ૨૫ આરોપીઓ પૈકી ૧૦ને બાંગ્લાદેશની અદાલતે ફાંસીની સજા કરી છે જ્યારે નવને જન્મટીપથઈ છે. જ્યારે ચારને નિર્દોષ છોડવામાં આવ્યા છે તો બે ભાગેડુ જાહેર થયેલા છે. આરોપીઓએ ૨૦૦૦માં ઉચ્ચ તીવ્રતાના વિસ્ફોટકોને નૈઋત્ય બાંગ્લાદેશના ગોપાલગંજના એક મેદાનમાં ગોઠવીને તેનો વિસ્ફોટ કરી શેખ હસીનાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગામ શેખ હસીનાનું વતન છે અને ત્યાં તેઓ સભાને સંબોધવાના હતા, પણ તેઓ તેનો વિસ્ફોટ કરે કે, સભા યોજાય તે પૂર્વે સત્તાવાળાઓએ વિસ્ફોટકો ઝડપી લેતા તે કાવતરાને અંજામ આપી શકાયો ન હતો.
• સાઉદી અરેબિયાએ કતારની સરહદ ખોલીઃ કતાર અને સાઉદી અરેબિયાએ એક બીજા પર આક્ષેપો કરી અને માહોલનું રાજકીયકરણ કરીને સરહદો બંધ કરી દીધી હતી, પરંતુ હવે હજના દિવસો નજીક હોવાથી કિંગડમે કતારના નાગરિકો હજ અદા કરી શકે એ માટે તમામ સરહદોને ખુલ્લી મૂકી હતી.
• મીરા-ભાયંદરમાં ૬૧ બેઠક સાથે ભાજપની એકહથ્થુ સત્તાઃ મીરા-ભાયંદર મહાપાલિકામાં ભાજપને એકહથ્થુ સત્તા મળી છે. કુલ ૯૫ સીટ ધરાવતી મહાપાલિકામાં બહુમતીનો આંકડો પાર કરતા ભાજપે ૬૧ સીટ પર વિક્રમજનક જીત મેળવી હતી. ભાજપની લહેરથી અન્ય પક્ષોના સૂપડા સાફ થઈ ગયા હતા. શિવસેનાને ૨૨ કોંગ્રેસને ૧૦ અને અન્ય અન્યોને ૨ સીટ પર સફળતા મળી હતી. મીરા-ભાઈંદર મહાપાલિકા ચૂંટણીમાં ફરીથી ભાજપ મોટા પક્ષ તરીકે ઉભર્યો છે. શિવસેનાને દ્વિતીય ક્રમ મેળવીને સંતોષ પામવો પડ્યો હતો. કોંગ્રેસ અને મનસેએ તો ચૂંટણીમાં ખાતુ પણ ખોલાવ્યું નથી.
• મમતા બેનરજીનો યુટર્નઃ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ ચોંકાવનારું નિવેદન કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામેના યુદ્ધને ભાજપના પ્રમુખ અમિત શાહ તરફ ફેરવ્યું હતું. આજ સુધી મોદી વિરોધી રેલીઓ યોજનાર બેનરજીએ જણાવ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીનું સમર્થન કરે પણ અમિત શાહનું નહીં. તેઓ વડા પ્રધાનને કોઈ પણ બાબત માટે દોષ દેતા નથી.
• વેનેઝુએલાની જેલમાં તોફાન, ૩૭નાં મોતઃ વેનેઝુએલાના દક્ષિણી રાજ્ય એમેઝોન્સમાં જેલમાં કલાકો સુધી ચાલેલી હિંસામાં ૩૭નાં મોત થયા હતા. ફરિયાદી ઓફિસે કહ્યું હતું કે, પ્યુબર્ટો અયાકુચો શહેરની જેલમાં ફાટી નીકળેલી હિંસામાં ૩૭ જણાની મોતની તપાસ કરાઈ છે.
