આઈપીએલ-૧૦માં ગુજરાતના ક્રિકેટરોનું યાદગાર પર્ફોર્મન્સ

Thursday 25th May 2017 06:31 EDT
 
 

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦માં ગુજરાત રાજ્યના ખેલાડીઓએ યાદગાર પર્ફોર્મન્સ સાથે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત દેશભરના ક્રિકેટ વિવેચકો અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સનું પણ ધ્યાન ખેંચ્યું છે. આઇપીએલ-૧૦માં મુંબઈ ઈન્ડિયન્સની ડ્રીમ રનમાં ગુજરાતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, ઓપનર પાર્થિવ પટેલ અને વડોદરાના કૃણાલ પંડયા તથા હાર્દિક પંડયાનો દેખાવ અત્યંત પ્રભાવશાળી રહ્યો છે. પૂણે સુપરજાયન્ટ્સની સફળતામાં સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ઉનડકટ આઇપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં બીજા સ્થાને છે.
આ ઉપરાંત કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા ગુજરાતના અક્ષર પટેલનો તેમજ ગુજરાત લાયન્સ તરફથી રવિન્દ્ર જાડેજાનો દેખાવ પણ નોંધપાત્ર રહ્યો છે. વડોદરાના ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ તેમજ મુનાફ પટેલને ખાસ તક મળી શકી નહોતી. આ જ પ્રમાણે અગાઉની આઇપીએલની સિઝનમાં નોંધપાત્ર દેખાવ કરનારા વડોદરાના ઓલરાઉન્ડર દિપક હૂડાને પણ ખાસ એક્સપોઝર મળ્યુ નહોતું.
કૃણાલ પંડયા: વડોદરાના ઓલરાઉન્ડર કૃણાલ પંડયાએ ગત સિઝનમાં ધમાકેદાર એન્ટ્રી બાદ આ સિઝનમાં ટ્વેન્ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ તરીકેનો પ્રભાવ પાડયો હતો. તેની બેટીંગ વિશેષ અસરકારક રહી હતી. તેણે ૧૩ મેચની ૧૧ ઈનિંગમાં ૨૪૩ રન ફટકાર્યા હતા, જેમાં કોલકતા સામે ક્વોલિફાયર-ટુની નોટઆઉટ ૪૫ રનની ઈનિંગ મુખ્ય હતી. તેણે આઇપીએલની ફાઇનલમાં ૪૭ રનની આક્રમક ઈનિંગ રમી હતી અને તે મેન ઓફ ધ મેચ બન્યો હતો.
જયદેવ ઉનડકટ: સૌરાષ્ટ્રના પોરબંદરના વતની ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે આઇપીએલની આ સિઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવામાં ટોચના બે સ્થાનમાં પ્રવેશ મેળવ્યો છે. તેણે ઓવરઓલ ૧૨ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી. પૂણે તરફથી રમતો જયદેવ છઠ્ઠી મેના રોજ હૈદરાબાદ સામે માત્ર ૩૦ રનમાં પાંચ વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. તેણે પહેલી મેના રોજ
ગુજરાત લાયન્સ સામે રમાયેલી મેચમાં ૩૯ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
જસપ્રીત બુમરાહ: ટ્વેન્ટી-૨૦ના રેન્કિંગમાં એક સમયે ટોચનો ક્રમ મેળવી ચૂકેલા ગુજરાતના આ મીડિયમ પેસરે ચાલુ સિઝનની ૧૬ મેચમાં ૨૦ વિકેટ ઝડપી હતી. ખાસ કરીને ગુજરાત લાયન્સ સામેની મેચમાં બુમરાહે સુપર ઓવરમાં મેજિકલ પર્ફોમન્સ સાથે ટીમને યાદગાર વિજય અપાવ્યો હતો. આ સિઝનનો તેનો શ્રેષ્ઠ દેખાવ ક્વોલિફાયર-ટુમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે માત્ર ૭ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
પાર્થિવ પટેલ: ગુજરાતને રણજી ચેમ્પિયન બનાવનારા પાર્થિવ પટેલે મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર તરીકે જબરજસ્ત પર્ફોમન્સ આપ્યું છે. પાર્થિવે ૧૬ મેચમાં ૨૪.૬૮ની સરેરાશથી ૩૯૫ રન ફટકાર્યા હતા, જેમાં તેની બે અડધી સદીઓ પણ સામેલ હતી. પાર્થિવે વિકેટની પાછળ છ કેચ ઝડપ્યા હતા અને બે સ્ટમ્પિંગ પણ કર્યા હતા. તેણે ૨૯મી એપ્રિલે રાજકોટમાં ગુજરાત સામેની મેચમાં સિઝનનો હાઈએસ્ટ સ્કોર કરતાં ૪૪ બોલમાં ૭૦ રન ફટકાર્યા હતા. આ પછી ક્વોલિફાયર-ટુમાં પૂણે સામે સ્ટાર્સના ધબડકા વચ્ચે તેણે ૪૦ બોલમાં લડાયક ૫૨ રન નોંધાવ્યા હતા.
હાર્દિક પંડયા: વડોદરાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પણ મુંબઈની જીતમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. હાર્દિકે ચાલુ સિઝનની ૧૭ મેચની ૧૬ ઈનિંગમાં ૨૫૦ રન નોંધાવ્યા છે. તેણે છઠ્ઠી એપ્રિલે પૂણે સામેની મેચમાં આઠમા ક્રમે બેટીંગ કરતાં ૧૫ બોલમાં અણનમ ૩૫ રન ઝૂડયા હતા, જે તેનો સિઝનનો બેસ્ટ સ્કોર હતો. તેણે છ વિકેટ અને ૧૨ કેચ પણ ઝડપ્યા હતા.
અક્ષર પટેલ: અમદાવાદના ઓલરાઉન્ડર અક્ષર પટેલે કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો. અક્ષરે ચાલુ સિઝનની ૧૩ ઈનિંગમાં કુલ ૨૨૭ રન ફટકાર્યા હતા. તેણે ૧૫ એપ્રિલે દિલ્હી સામેની મેચમાં સિઝનની શ્રેષ્ઠ બેટીંગ કરતાં સાતમા ક્રમે ઉતરીને માત્ર ૨૯ બોલમાં ઝમકદાર ૪૪ રન ફટકારીને ક્રિકેટચાહકોની પ્રશંસા મેળવી હતી. પાંચમી મેના રોજ બેંગ્લોર સામેની મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરતાં અક્ષરે ૧૭ બોલમાં અણનમ ૩૮ રન ફટકાર્યા બાદ ૧૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.


comments powered by Disqus