ચાલાક ચીનનું ધૂંધળું ભાવિ

સી. બી. પટેલ Tuesday 23rd May 2017 15:10 EDT
 
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, છેલ્લા ૩૮ વર્ષમાં હાંસલ કરેલી આર્થિક ઉન્નતિના પરિણામે ચીને અકલ્પ્ય નાણાંભંડોળ લશ્કરી દળો માટે ફાળવ્યું છે. આફ્રિકા તેમજ અડોશપડશોના નાના દેશો ઉપર વર્ચસ જમાવવા ‘મબલખ’ નાણાં વહેંચ્યા છે. ચીનની આ આગેકૂચને ઐતિહાસિક સંદર્ભમાં અદભૂત ઘટના ગણી શકાય. એક સમયનું ગરીબ-કંગાળ ચીન આજે નાણાંના જોરે દુનિયાને પોતાની આંગળીના ઇશારે નચાવી રહ્યું છે એમ કહીએ તો પણ લગારેય અતિશ્યોક્તિ નથી. વિદેશી ચલણથી તેની તિજોરી તરબતર છે. અને અમેરિકાના સરકારી બોન્ડમાં પણ લગભગ ૪૦ જેવો જંગી હિસ્સો તેના નામે છે. યુરોપ, સાઉથ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા તેમજ એશિયાના કેટલાય દેશોમાં ચીનનું અઢળક મૂડીરોકાણ છે. ચીનના અર્થતંત્રને (મંદીની) છીંક આવે તો પણ આ દેશોના અર્થતંત્રના પાયા ધ્રુજી જાય તેવી આર્થિક સદ્ધરતા ચીને હાંસલ કરી છે. આર્થિક વિકાસ સાથે જ વ્યક્તિ, પરિવાર, કંપની કે દેશની પહોંચ વધતી હોય છે, પ્રભાવ વિસ્તરતો હોય છે અને સાથે સાથે જ મહત્ત્વકાંક્ષામાં પણ ઉમેરો થતો હોય છે. આ બધાના પરિણામે અહમ્ અને સત્તાનો કેફ ન ઉમેરાય તો જ નવાઇ! જાણીતા કવ્વાલ સાબરી બ્રધર્સની બહુ જ જાણીતી કવ્વાલી ‘ચઢતા સૂરજ ધીરે ધીરે ઢલતા હૈ ઢલ જાયેગા...’ જેવો જ તાલ ચીન માટે જોવા મળી રહ્યો છે.
ચીનને પણ ખ્યાલ આવી ગયો છે કે આવતા ચાલીસેક વર્ષમાં અમુક રીતે તેની આગેકૂચમાં અનેકવિધ ઉપાધિ, અડચણો, વિઘ્નો આવી શકે છે, અને રાજદ્વારી ક્ષિતિજે આના સંકેતો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. પચાસેક વર્ષ પૂર્વે જ્હોન ગન્ટર નામના એક અમેરિકી વિદ્વાને કેટલાક સામ્રાજ્ય અને તેની સંસ્કૃતિની વિકાસકારી અને વિનાશકારી ઘટનાઓના આધારે ગ્રંથ લખ્યા હતા. Rise & Fall of Roman Empire (રાઇઝ એન્ડ ફોલ ઓફ રોમન એમ્પાયર), આ જ પ્રમાણે તેમણે ગ્રીસ તેમજ અન્ય સામ્રાજ્યો અને સંસ્કૃતિઓને કેન્દ્રમાં રાખીને ગ્રંથો લખ્યા છે.
ઊગતો સૂરજ અચૂક આથમવાનો જ એ સકળ સૃષ્ટિનો નિયમ છે. જે સમાજ કે રાષ્ટ્રમાં કાયદાનું શાસન હોય, સમાનતા હોય, માનવતા હોય, લોકશાહી હોય અને સાથે સાથે જ અન્ય સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સાધવાની, સમન્વય સાધવાની ઝંખના કે તૈયારી હોય તો અને તેવા જ દેશની પ્રગતિ, સંસ્કૃતિ વધુ દૈદિપ્યમાન અને દીર્ઘજીવી બનતી હોય છે. ચીનમાં આમાંથી ભાગ્યે જ કોઇ ગુણ જોવા મળે છે.
ચીન અત્યારે બે બાબતમાં મોખરે ગણી શકાય. એક તો આર્થિક ઉન્નતિ, અને બીજું લશ્કરી તાકાત. જોકે આની સાથે કેટલાક ભયસ્થાનો પણ જોડાયેલ છે. તલવારના જોરે જીવનાર કે જીતનાર અંતે એ જ તલવારનો ભોગ બને છે તેવું ઇતિહાસ પોકારી પોકારીને કહે છે.

લોકશાહી વિ. સરમુખત્યારશાહી

ચીનમાં સરમુખત્યારશાહી શાસનપ્રણાલી છે એટલું જ નહીં, પણ મુઠ્ઠીભર વ્યક્તિઓની (૩૦૦ જેટલા કહેવાતા અગ્રણીઓની) એકહથ્થુ સત્તા છે. પરિણામે લોકશાહી દેશોની વિકાસયાત્રામાં જે અવરોધો જોવા મળે છે, પ્લાનિંગ-પરમિશનમાં વાંધાવચકા જોવા મળે છે, અર્થતંત્રના પાસાં સરખાં કરવામાં મુશ્કેલી જોવા મળે છે કે શોષિતોને વધુ રાહત મળે તેવા પગલાંઓ લેવાતા હોય છે તેવા કોઇ કરતાં કોઇ પરિમાણ સામ્યવાદી આયોજનમાં જોવા મળતા નથી. સામ્યવાદી શાસનપ્રણાલીમાં અંકુશ એકહથ્થુ હોય છે, સત્તાનો પ્રવાહ ઉપરથી નીચેની તરફ - શાસકથી પ્રજા તરફ - વહેતો હોય છે. આવી શાસનપ્રણાલીમાં જનમતનું, લોકલાગણીનું કોઇ વિશેષ સ્થાન હોતું નથી. જ્યારે લોકશાહીમાં સત્તાનો પ્રવાહ નીચેથી ઉપરની તરફ - પ્રજાથી શાસક તરફ - વહેતો હોય છે. અહીં જનમત, લોકલાગણીને વિશેષ પ્રાધાન્ય મળતું હોય છે.
ચીન પોતે જાણે છે કે તે ભલે વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ આની સાથે સાથે જ તે કરજના બોજ તળે દટાઇ રહ્યું છે. દેશમાં શાસનની તિજોરી સદ્ધર છે, પણ દેશ દેવાદાર છે. દુનિયાભરમાં અર્થતંત્રનો અભ્યાસ કરતી વેળા જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ - કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)ના પ્રમાણમાં દેશ પર કેટલું આર્થિક દેવું છે તે બાબતને મહત્ત્વનો માપદંડ ગણવામાં આવે છે. ગણતરીનું આ સમીકરણ માંડતા ૧૨૦થી ૧૪૦નો આંક આવે તો તે વાજબી ગણાય છે. સાદી ભાષામાં કહીએ તો આટલો આંક ધરાવતા દેશનું અર્થતંત્ર નાણાંકીય કરજનો બોજ ઉઠાવવા સક્ષમ હોવાનું મનાય છે. આ માપદંડ અનુસાર અમેરિકા અને બ્રિટન આવું મજબૂત અર્થતંત્ર ધરાવે છે તેમ કહી શકાય. પરંતુ જો ચીનની જીડીપી અને તેના માથે રહેલા દેવાના બોજનું સમીકરણ માંડવામાં આવે તો આંકડો ૨૬૦ ઉપર પહોંચે છે, જે તેના અર્થતંત્ર પર (ક્ષમતા કરતાં) વધુ પડતો બોજ હોવાનું સૂચવે છે. સરમુખત્યાર સરકાર કેટલાંક અસાધારણ પગલાં લઈ શકે, લે છે. પરિણામ ધોતિયું ફાડીને રૂમાલ બની શકે?
આ સંજોગોમાં ચીનની હાલત ઊંટની પીઠ પરના તણખલા જેવી ગણાવી શકાય. ચીની અર્થતંત્રનું ઊંટ ક્યારે ધબ્બ કરતું બેસી જશે તે કંઇ કહેવાય નહીં. ચીનની હંમેશા એક જ નીતિ રહી છે - પહેલાં લાત, પછી વાત. આક્રમક્તા, અસહિષ્ણુતા અને દાદાગીરી. ચીન જે પ્રકારે તિબેટ, શિન્ઝ્યાંગ, મોંગોલિયા, વિયેતનામ મુદ્દે વર્તી રહ્યું છે તે દર્શાવે છે કે વહેલાં કે મોડાં તેને હાથનાં કર્યાં હૈયે ન વાગે તો જ નવાઇ.
શિન્ઝ્યાંગમાં આશરે ૯૦ ટકા વસ્તી મુસ્લિમોની છે. આ પ્રદેશને લાખો-કરોડો ચીનાઓનું સ્થળાંતર કરીને પણ કાયમ માટે દાબમાં રાખી શકવાનું અસંભવ છે. મોડા વહેલાં ત્યાં આંતરિક વિગ્રહ ફાટી નીકળે તેવું જોખમ છે. તિબેટમાં પણ કંઇક આવી જ સ્થિતિ પ્રવર્તે છે. તો મોંગોલિયાએ દલાઇ લામાને આમંત્રણ આપ્યું હોવાથી ચીન રોષે ભરાયું હતું. મોંગોલિયાએ અત્યારે તો સમાધાનકારી વલણ અપનાવતાં સફેદ ઝંડો ફરકાવ્યો છે,
પરંતુ તેનેય મનમાં ચીનની દાદાગીરી ખૂંચતી તો હશે જને?

પીડિત પડોશીઓ

વાચક મિત્રો, આપણે વીતેલા સપ્તાહે જોયું કે રશિયા ચીનના (વિશ્વાસઘાતી) વલણથી ચેતી ગયું છે. જોકે આમ છતાં રશિયાનો અણુશસ્ત્રોનો જથ્થો તેમજ તેની અન્ય પ્રકારે સજ્જતા જોતાં ચીન તેની સાથે દંગલમાં ઉતરે, અને જીતે તે અશક્ય છે. આમ મોંગોલિયા કે વિયેતનામ જેવા દેશોને સમય વીત્યે હડપ કરી જવાની સામ્યવાદી ડ્રેગનની ગમેતેવી ચાલ હોય તો પણ તે અમલી બની શકે તેમ નથી.
નોર્થ કોરિયાને ચીનનું બગલબચ્ચું ગણી શકાય. આખી દુનિયા ભલે વિરોધ કરી રહી હોય, પણ તેને ચીનનો સાથ મળી રહ્યો છે. ભૌગોલિક સ્થિતિ કે વસ્તીના પ્રમાણમાં ટચુકડું નોર્થ કોરિયા આજે એટલું માથાભારે થઇ ગયું છે કે મિસાઇલો અને અણુશક્તિના પ્રયોગો કરવાના મુદ્દે વાર્યું વળતું નથી. એક સમયે નોર્થ કોરિયા ચીનનો પડ્યો બોલ ઝીલતું હતું, આજે આ જ નોર્થ કોરિયા તેની કોઇ વાત કાને ધરવા તૈયાર નથી. ચીનની ચીમકી છતાં સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન તેની ખુરશીને તેમજ ખતરાજનક, ભયજનક આક્રમક નિતીરીતિને વળગી રહે છે.
ચીન નામના માતેલા સાંઢને તેના જ શીંગડા ભારે પડી રહ્યા છે. ચીને વૈશ્વિક સ્તરે અમેરિકાની સાર્વભૌમક્તાને પડકારવા નોર્થ કોરિયા નામના સાપને દૂધ પાઇને ઉછેર્યો તો ખરો, પણ હવે તે તેના અંકુશમાં નથી. જેમ મોગલ શાસનકાળમાં દીકરો બાપને મારીને કે તેને બંદી બનાવીને સત્તા ખૂંચવી લેતા ખચકાતો નહોતો કંઇક તેવું જ આજે નોર્થ કોરિયા કરી રહ્યું છે.

દૂઝણી ગાય હોંગકોંગ - વિફરે ત્યારે!

વિશ્વની આર્થિક ગતિવિધીઓની એક રાજધાની ગણાતા હોંગકોંગની રાજકીય સ્થિતિ પણ સમજવા જેવી છે. ૧૮૯૦ના અરસામાં ભારતમાંથી અફીણ વેંચવાના બ્રિટિશ સામ્રાજ્યના ઇજારાને કાયમી કરવાના ઇરાદે બ્રિટને મંચુ રાજાઓના શાસનકાળ દરમિયાન ચીન પર હુમલો કર્યો. બ્રિટને હોંગકોંગ પર કબજો જમાવ્યો. ત્યાર બાદ તેની આસપાસનો કેટલોક વિસ્તાર ચીન પાસેથી ૧૦૦ વર્ષના ભાડાપટ્ટે મેળવ્યો.
આ પછી બ્રિટિશ મૂડીવાદ, તેની સંચાલન સજ્જતા, વહીવટી કુશળતા અને સામ્રાજ્યવાદના સમન્વયથી હોંગકોંગે પૂરબહાર વિકાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ બાદ તો તે આર્થિક મોરચે ચીન કરતાં પણ ડગલું આગળ નીકળી ગયું હતું. ચીનને પણ તેનો ઘણો ફાયદો મળી રહ્યો હતો. જોકે હોંગકોંગની આ આર્થિક આગેકૂચના કારણે ૧૯૯૦ આસપાસ ચીનની દાઢ ડળકી. તેણે બ્રિટન સામે બાંયો ચઢાવી. બ્રિટન હોંગકોંગમાંથી ઉચાળા ભરી જાય તે માટે યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવવાનું શરૂ કર્યું.
ચીન ચાલાક હતું તો બ્રિટિશ શાસકો પણ મુત્સદ્દી તો ખરા જને?! માર્ગરેટ થેચરના શાસનકાળ દરમિયાન બ્રિટન અને ચીને સંધિ કરી. બ્રિટને ૧૯૯૭માં હોંગકોંગનો વહીવટ ચીનના હવાલે કર્યો. હોંગકોંગ સામ્યવાદી ચીન સાથે જોડાયું, પણ તેની શાસન પ્રણાલી યથાવત્ રહી. પરિણામે એક દેશમાં બે શાસન પદ્ધતિ જેવો તાલ સર્જાયો. ચીનમાં આર્થિક અંકુશો સાથેનું સામ્યવાદી શાસન હતું તો હોંગકોંગમાં લોકશાહી સાથે મુક્ત બજાર ધરાવતું અર્થતંત્ર. આના મૂળમાં હતા બન્ને દેશો વચ્ચે ૫૦ વર્ષ માટે થયેલા આંતરરાષ્ટ્રીય કરારો. કરાર અનુસાર આગામી ૨૦૪૭ સુધી આ સ્થિતિ યથાવત્ જાળવવાની છે. દ્વિપક્ષી કરારને ૨૦ વર્ષ થયા છે અને બીજા ૩૦ વર્ષ આ જ શાસન વ્યવસ્થા જળવાશે. જો ચીન છેલ્લે પાટલે ના બેસે તો.
વીતેલા દસકાઓમાં ચીન આર્થિક તગડું બન્યું છે તો હોંગકોંગ પણ લગભગ બરાબરીનો દાવ ખેલી શકે એમ છે. હા, બન્ને દેશો વચ્ચે વસ્તી કે લશ્કરી તાકાતના મુદ્દે સરખામણી થઇ શકે તેમ નથી. હોંગકોંગની વસ્તી ૬૦ લાખ છે તો ચીનની વસ્તી ૧૪૦ કરોડ. અને લશ્કરી તાકાત? વાત જ જવા દો, ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી... અલબત્ત, આ તો ભૌતિક સરખામણી થઇ. જો લોકોની માનસિક્તાની સરખામણી કરવામાં આવે તો હોંગકોંગની પ્રજા ચીનની (કચડાયેલી, દબાયેલી) પ્રજા કરતાં જોજનો આગળ છે. સમયના વહેવા સાથે હોંગકોંગમાં વધુ સ્વતંત્રતા, માનવ અધિકારોનું જતન અને લોકશાહી માટેની માગ પ્રબળ બની રહી છે. હોંગકોંગવાસીઓની આ લાગણી અને માગણી ચીનના પ્રજાજનોના કાને પણ પહોંચી જ હશે તે વાતે બેમત નથી. હોંગકોંગ આજે વિશ્વના નકશામાં એવું આગવું સ્થાન ધરાવે છે કે ચીન લશ્કરી પગલું ભરીને પણ તેને આસાનીથી - વિનાનુકસાન હડપ કરી શકે તેમ નથી. જો તે આવો પ્રયાસ કરે તો તેના આંતરરાષ્ટ્રીય વેપારવણજ તેમજ અન્ય સંબંધો પર વિપરિત અસર પડે તેમ છે.
આ ઓછું હોય તેમ ઘરઆંગણે પ્રજાજનો જેમ જેમ પગભર થઇ રહ્યા છે, વધુ શિક્ષિત બની રહ્યા છે અને પોતાના હક-અધિકારો માટે જાગ્રત બની રહ્યા છે તેમ તેમ ચીની શાસકોની ઊંઘ હરામ થઇ રહી છે. અધૂરામાં પૂરું, હોંગકોંગમાં વસતાં ચીની પ્રજાજનો પણ સ્વ-દેશીઓની માનસિક્તામાં ક્રાંતિની ચિનગારી ચાંપી રહ્યા છે.

પોતીકા હિતની પળોજણ

આ તો ચીનને ચિંતા કરાવતા હોંગકોંગ મુદ્દાની વાત થઇ. અન્ય મોરચે પણ ચીનની ચિંતા ઓછી નથી. આફ્રિકાની જ વાત કરીએ લો ને... ૧૯૬૦ની આસપાસ ચીને દારે-સલામથી ઝાંબિયાને જોડતી ટાન્ઝામ રેલવેલાઇનનું નિર્માણ કર્યું હતું. એન્જિનિયરિંગ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે બેનમૂન સિદ્ધિ સમાન આ પ્રોજેક્ટે આખી દુનિયાનું ધ્યાન આકર્ષ્યું હતું. પહેલી નજરે આફ્રિકા માટે ઉપયોગી જણાતા આ પ્રોજેક્ટમાં ખરેખર તો ચીનનો અંગત સ્વાર્થ સમાયેલો હતો. ચીનનો ઇરાદો કંઇક એવો હતો કે આવી રેલવેલાઇન હોય તો ભવિષ્યમાં ઝાંબિયાના વિપુલ ખાણખનિજ ભંડારને સ્વદેશ તાણી જવો સરળ બને. ઝાંબિયા તેના પેટાળમાં ધરબાયેલા તાંબાના ભંડાર માટે જગવિખ્યાત છે. ચીનનો ઉદ્દેશ મફતમાં મૂલ્યવાન ‘આયાત’નો જ નહોતો, ‘નિકાસ’નો પણ હતો. ચીન જે રેલવેલાઇન મારફતે ઝાંબિયાથી કોપરનો ભંડાર લાવવા માગતું હતું એ જ રેલવેલાઇન મારફતે પોતાના દેશમાં ઉત્પાદિત ચીજવસ્તુઓને સેન્ટ્રલ આફ્રિકામાં ઠાલવવા માગતું હતું.
ઝાંબિયા અને ટાન્ઝાનિયાને સમય વહ્યે સમજાયું કે ચીન તો આપણને બેવકૂફ બનાવી ગયું. રેલવેલાઇનનો ખર્ચો આપણી પાસે કરાવ્યો અને બેય હાથે લાભ તો તે ઉસરડી રહ્યું છે. તે જમાનામાં આ રેલવે લાઇન પ્રોજેક્ટ પાછળ એક બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. વાચક મિત્રો, તમે સમજી શકો છો કે આ રેલવેલાઇનથી ગરીબ આફ્રિકન દેશોના અર્થતંત્ર પર કેવો જબ્બર બોજ પડ્યો હશે?
આ જ પ્રમાણે નામિબિયા અને આફ્રિકાના અન્ય દેશોમાં પણ ચીને અબજો ડોલરનું મૂડીરોકાણ કર્યું છે અને હજારો ચીનાઓને ત્યાં કામે લગાડ્યા છે. સ્થાનિક પ્રજાજનોની રોજીરોટી છીનવી રહેલા આ લોકો સામે છાશવારે
આક્રોશ વ્યક્ત થઇ રહ્યો છે. ત્યાં ચીનાઓને મારવામાં આવે છે, પણ આનાથી ફાયદો શું? જબ ચીડિયા ચૂગ ગઇ ખેત...
ગયા સપ્તાહે બૈજિંગમાં ‘બેલ્ટ એન્ડ રોડ ફોરમ’ નામની એક શિખર પરિષદ મળી હતી. એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપના કેટલાક ટચુકડા એવા ૬૦ રાષ્ટ્રોના નેતાઓની આ બેઠકમાં ચીનના પ્રમુખ શી જિનપિંગે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગ્વાદર બંદર સુધી, યુરોપમાં છેક રોટરડામ સુધી તેમજ અન્ય સ્થળો માટેના રોડ અને રેલવે માર્ગો, બંદરો અને અનેકવિધ સુવિધાઓ માટે ચીન ૧૦૦ બિલિયન ડોલર કરતાં વધુ મૂડીરોકાણ કરશે. તેમજ આ બધા આયોજનો પૂરા કરવા સંપૂર્ણ માર્ગદર્શન પણ આપશે.

બળતું ઘર, કૃષ્ણાર્પણ

પશ્ચિમના નિષ્ણાંતો ચીનની મેલી મુરાદ સ્પષ્ટપણે સમજી શક્યા છે. એકહથ્થુ શાસનમાં ચીનની લગભગ બધી જ ઔદ્યોગિક અને આર્થિક કંપનીઓ સરકાર હસ્તક હોવાનું તેમણે નોંધ્યું છે. છેલ્લા વર્ષોમાં આ બધા કારખાનાઓ અને અન્ય ઉત્પાદન કેન્દ્રોમાં ઓવર કેપેસિટી ઉભી કરવામાં આવી હતી. અગાઉ ચીનનો વાર્ષિક વિકાસ દર ૧૦થી ૧૨ ટકા વચ્ચે રહેતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી તે સાત ટકાથી નીચે પહોંચ્યો છે. જ્યારે ભારત હવે વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી વિકાસ કરી રહ્યો છે.
ચીનની ઓવર કેપેસિટીના કારણે બંધ થયેલાં કારખાના વગેરેને કાર્યરત કરવા ચીન અન્ય દેશોમાં માર્ગ, બંદર કે રેલવે નેટવર્કનું નિર્માણ કરવા આતુર હોવાનું હવે સ્પષ્ટ થયું છે. આ બધા આયોજનનો મહત્તમ લાભ પણ ચીનને મળનાર છે. એ જોતાં ચીન આખી દુનિયાની આંખે પાટા બાંધવામાં નિષ્ફળ જઇ રહ્યું છે.
ગયા સપ્તાહે યોજાયેલી બૈજિંગ પરિષદમાં ગેરહાજર રહ્યો હોય તેવો ભારત એકમાત્ર મોટો દેશ હતો. ભારતના આ નિર્ણયે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. મોદી સરકારે આ લોલંલોલથી દૂર રહેવાનું ટાળ્યું તો ભારતના કેટલાક અખબારો દેકારો કરી રહ્યા છે. જોકે વાસ્તવિક્તા એ છે કે મોદી સરકાર વધુ વાજબી વલણ લઇ રહી છે. યુરોપના પણ કોઇ મોટા ગજાના નેતા બૈજિંગ પહોંચ્યા નહોતા.
પાકિસ્તાન અત્યારે ભલે ગ્વાદર બંદર પ્રોજેક્ટ માટે ચીનના ખોળે જઇ બેઠું હોય, કે તેના ખભે ચઢીને ભારત સામે ઘુરકરિયા કરતું હોય, પણ ચીન મિત્રતાના ઓઠા તળે અંગત સ્વાર્થ સાધી રહ્યું છે તે પાકિસ્તાની શાસકોને સમજાશે ત્યારે ઘણું મોડું થઇ ગયું હશે. આપ સહુને આ પ્રસંગો વાંચીને સમજાયું હશે કે ખંધું ચીન હંમેશા પેટમાં જઇને પગ પહોળા કરવાની નીતિરીતિ અપનાવતું રહ્યું છે.
ચીનનો ઇરાદો કહો કે બદઇરાદો - વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું સ્થાન મેળવવાનો છે. પરંતુ તેણે સમજી લેવાની જરૂર છે કે નજીકના ભવિષ્યમાં તો શું, લાંબા ગાળે પણ તેનું સપનું સાકાર થાય તેવી કોઇ શક્યતા અત્યારની નિતીરીતિ જોતાં દેખાતી નથી. તેણે એ પણ સમજી લેવાની જરૂર છે કે જો તે અન્ય દેશો સાથે માતેલા સાંઢની જેમ નિરંકુશ વ્યવહાર કરતું રહેશે તો અમેરિકા, રશિયા અને ભારત પોતીકા હિતોના જતન માટે એકબીજાની વધુ નજીક આવી શકે છે. અલબત્ત, આ પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે એમ કહીએ તો પણ તેમાં અતિશ્યોક્તિ નથી.

સોનાના પિંજરામાં પૂરાવાનું કોને ગમે?

એક જમાનામાં ચીન એવા ખ્યાલમાં રાચતું હતું કે ભૂખી પ્રજાને રોટી, કપડાં ઔર મકાન સિવાય બીજું શું જોઇએ? પરંતુ તે આવું વિચારતાં એ ભૂલી ગયું હતું કે રોટી, કપડાં ઔર મકાનની ઇચ્છા સંતોષાઇ ગયા પછી પણ માનવીની મહેચ્છાનો અંત આવતો નથી. તે હંમેશા પોતીકું, સ્વતંત્ર, સ્વમાનભર્યું અસ્તિત્વ ઝંખતો હોય છે. અને આવું માત્ર અને માત્ર લોકતંત્રમાં જ શક્ય બને છે, સરમુખત્યાર શાસન પ્રણાલીમાં નહીં. સરમુખત્યારશાહી થકી ચીનનો આર્થિક વિકાસ ભલે સંભવિત બન્યો હોય, પરંતુ પ્રજા પર કેટલો સમય દમનકારી શાસન કરી શકાય?
ચીનના કેટલાય વિસ્તારોમાં બૈજિંગની જોહુકમી પ્રવર્તે છે. આવા વિસ્તારોમાં ઉઠતા અસંતોષ કે આક્રોશના અવાજને લોખંડી હાથે કચડી નાંખવામાં ચીની શાસકો ભલે હમણાં કે અત્યાર સુધી સફળ રહેતા હોય, પરંતુ તેમણે સમજવું રહ્યું કે પ્રજામાં આક્રોશનો ચરુ ઉકળી રહ્યો છે. જનાક્રોશનો આ જ્વાળામુખી ફાટી નીકળશે ત્યારે તેમના માટે બચવાનું મુશ્કેલ થઇ પડવાનું છે.
આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાતો માને છે કે ચીનના ખાટલે મોટી ખોડ એ છે કે ત્યાં સામ્યવાદના ઓઠા તળે સરમુખત્યારશાહી પ્રવર્તે છે. શાસકોએ ક્યારેય ભૂલવું ન જોઇએ કે આજે નહીં તો કાલે, સરમુખત્યારશાહી શાસન પ્રણાલી હંમેશા વાઘની પીઠ પરની સવારી જેવી સાબિત થતી હોય છે. પાકિસ્તાનમાં જ જૂઓને... સરમુખત્યાર શાસકોની કેવી બૂરી વલે થઇ છે?!
ચીન અને ભારતના સંબંધોને પણ સાંપ્રત સંદર્ભમાં મૂલવવા જ રહ્યા. એક જમાનામાં ચીન અને ભારતની વિકાસ કૂચને સસલા અને કાચબાની હરીફાઇ સાથે સરખાવવામાં આવતી હતી. તે સમયે ભારતની નબળી આર્થિક હાલત દર્શાવવા માટે આ સરખામણી થતી હતી, આજે ચિત્ર ઉલ્ટું છે. આજે પણ સરખામણી તો થાય છે, પરંતુ વાર્તાનો સુખદ અંત યાદ કરીને. યાદ છે ને?! સસ્સાભાઇ અહંના ઘેનમાં સરી પડે છે ને કાચબાભાઇ ઠચુક ઠચુક ચાલે વિજયરેખાને આંબી જાય છે.
આર્થિક બાબતોના અભ્યાસુઓ માને છે કે ભારત આર્થિક ઉત્પાદનમાં ચીન કરતાં આગળી નીકળી ગયું છે અને આ સંકેત ઉજળા ભવિષ્યનો છે. તેમનું માનવું છે કે ભારતમાં મજબૂત લોકશાહી શાસન પ્રણાલી છે. જે મતદારો કોઇ પક્ષને દેશની શાસનધૂરા સોંપે છે તે જ મતદારો તેમની અપેક્ષાઓને સંતોષવામાં, સુશાસન આપવામાં ઊણા ઉતરતા શાસકોને ઘરે બેસાડી દેતાં પણ ખચકાતા નથી. (પછી ભલેને એકસો વર્ષ પુરાણા પક્ષને ઘરભેગો કરીને ત્રણ દસકા જૂનાં પક્ષને સત્તા સોંપવાની વાત હોય!) ભારતીય પ્રજાને આ મહાશક્તિ મળી છે લોકશાહી શાસન પ્રણાલી થકી. ભારતની વિકાસકૂચ ધીમી જરૂર હશે, પણ તે નક્કર છે. વિશ્વના આ સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં સત્તા ટકાવવા માટે શાસકોએ ક્યારેય - ચીનની જેમ - નિર્દોષોનું લોહી વહાવ્યું નથી. ચીનમાં માઓ ત્સે તુંગના શાસનકાળમાં લાખો નિર્દોષોને ઠાર મારવામાં આવ્યા હતા. માનવાધિકાર સંગઠનોના આંકડા અનુસાર ૧૭૦૦થી ૨૦૦૦ લોકોને જુદાં જુદાં આરોપસર ફાંસીના માંચડે પ્રતિવર્ષે લટકાવી દેવાયા છે કે ગોળીથી ઠાર મારવામાં આવ્યા છે. ભ્રષ્ટાચાર, ગુનાખોરી જેવાં સત્તાવાર કારણ ભલે ગમે તે જાહેર થયા હોય, પણ આમાંના મોટાભાગના લોકોએ સત્તા સામે અવાજ ઉઠાવવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવી હતી. એક બહુ જાણીતો ઉર્દુ શેર છેઃ
વહી મુદ્દઇ, વહી મુન્સીફ,
હમેં યકીં થા, હમારા કસૂર નીકલેગા.
(તે જ ફરિયાદી, તે જ ન્યાયાધીશ, અમને ખબર હતી કે અમારો જ દોષ નીકળશે.) ચીનમાં પણ કંઇક આવો જ માહોલ પ્રવર્તે છે.
જોકે સત્તાની ખુરશી ટકાવવા માટે પોતાના જ પ્રજાજનો પર સીતમ-અત્યાચાર ગુજારતાં ચીની શાસકો એ ભૂલી જાય છે તલવારના જોરે કે બંદૂકના નાળચે કાયમ માટે સત્તા ટકાવવી શક્ય નથી જ નથી.
ભારત ભલે કાચબાની ચાલે આગેકૂચ કરતું હોય, પરંતુ તેની પીઠ પર લોકશાહીની મજબૂત ઢાલ છે. આ મજબૂત ઢાલનું રક્ષણ કરે છે સહુને એકસમાન અધિકાર આપતું બંધારણ. ઇંદિરા ગાંધીના શાસનકાળ દરમિયાન લદાયેલી કટોકટીના એકમાત્ર કલંકિત પ્રકરણને બાદ કરવામાં આવે તો લગભગ સાત દસકાની આઝાદી દરમિયાન ક્યારેય કોઇ સરકારે બંધારણીય મર્યાદાઓ ઓળંગી નથી. આ ભારતનું લોકતંત્ર છે, અને આ તેની નૈતિક તાકાત છે.
ચીન ભલે વીતેલા દસકાઓમાં મોંગોલિયા, રશિયા, ઝાંબિયા, ટાંગાનિકા, ભારત વગેરેના વિશ્વાસમાં દ્રોહનું ખંજર ભોંકતું રહ્યું, સત્તાના મદમાં અંધ બનીને સ્વાર્થ સાધતું રહ્યું, પણ હવે શું? પાકિસ્તાન જેવા સ્વાર્થી દેશોને બાદ કરવામાં આવે તો તેના સાચા મિત્રો કેટલા? ચીને તેની મેલી નીતિરીતિથી આજે દુનિયાભરમાં દુશ્મનો ઉભા કર્યા છે. અને આ જ બાબત સમયના વહેવા સાથે તેના સુખચેન છીનવી લે તો નવાઇ નહીં. દેશ હોય, પ્રદેશ હોય કે વ્યક્તિ... મિત્રતાની અમીરી વગરની સત્તા કે સામર્થ્યનું રતિભાર મૂલ્ય નથી. (ક્રમશઃ)


comments powered by Disqus