તમિળનાડુમાં સત્તાપ્રાપ્ત વિના ભાજપને ચેન નહીં

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 23rd May 2017 07:24 EDT
 
 

આજકાલ તમામની નજર તમિળનાડુ ભણી હોય એ સ્વાભાવિક છેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનનાં ત્રણ વર્ષની ઊજવણી વખતે એમને તમિળનાડુમાં પગદંડો જમાવવાની હજુ તક નહીં મળ્યાની વાત કઠવી સ્વાભાવિક છે. કેબિનેટ પ્રધાન એમ. વેંકૈયા નાયડુને ચેન્નઈ સર કરવા છુટ્ટા મૂક્યા છતાં હજુ ઝાઝો મેળ પડતો નથી. જોકે, શુક્રવાર ૧૯મેના રોજ સદ્ગત મુખ્ય પ્રધાન જયલલિતા જયરામના અત્યંત વિશ્વાસુ રહેલા પૂર્વ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમ્ વડા પ્રધાન મોદીને દિલ્હીમાં મળ્યા એ ઘણું સૂચક છે.

ગઈ વિધાનસભા ચૂંટણીમાં મોદીના ખૂબ આગ્રહ છતાં જયલલિતાએ એમના પક્ષ અન્નાદ્રમુકનું જોડાણ ભાજપ સાથે કર્યું નહોતું. ડો. એમ. કરુણાનિધિના દ્રમુકે પણ અલાયદો ચોકો રાખ્યો હતો. ચાર પાંખિયા જંગમાં જયા અમ્માના અન્નાદ્રમુકે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવ્યો અને વડા પ્રધાન મોદી માટે દક્ષિણમાં મોટો પડકાર સર્જયો હતો. વિધાનસભાની ૨૩૨ બેઠકોમાંથી અન્નાદ્રમુકને ૧૩૪ અને દ્રમુકને ૮૯ બેઠકો મળી હતી. ભાજપને એકેય બેઠક મળી નહોતી. મે ૨૦૧૪ના રોજ જ વિધાનસભાની સાથે જ લોકસભાની ચૂંટણીમાં કુલ ૩૯ બેઠકોમાંથી અન્નાદ્રમુકને ૩૭, ભાજપને ૧ અને પીએમકેને ૧ બેઠક મળી હતી.

૫ ડિસેમ્બર ૨૦૧૬ના રોજ મુખ્ય પ્રધાન જયલલિતાનું નિધન થયા પછી રાજકીય વાતાવરણ ડહોળાયું. જયાઅમ્માનાં સાથી વી. કે. શશિકલાના નેતૃત્વમાં અન્નાદ્રમુકના ધારાસભ્યો અને કાર્યકરોએ વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમના કહ્યાગરા ઈ. કે. પલાનીસ્વામીને મુખ્ય પ્રધાન બનાવાતાં પનીરસેલ્વમ્ જૂથે બળવો કર્યો. પલાનીસ્વામી વિધાનસભા ગૃહમાં વિશ્વાસનો મત જીત્યા તો ખરા, પણ જયાઅમ્મા અને શશિકલા વિરુદ્ધના સંપત્તિ અંગેના અદાલતી ખટલાઓના સંદર્ભે સુપ્રીમ કોર્ટે શશિકલાને બેંગલોર જેલમાં પાઠવી દીધાં. ફરી પાછું રાજકીય ચિત્ર પ્રવાહી બન્યું.

અન્નાદ્રમુકના આપસી ઉધામામાં ભાજપ થકી ઉંબાડિયાં ચાલતાં રહ્યાં. દિલ્હીશ્વરના પ્રતિનિધિ તરીકે રાજભવનમાં રાજ્યપાલ બેઠા હોય અને અગાઉ તમિળનાડુમાં પગદંડો જમાવવા પાઠવાયેલા તરુણ વિજય ઝાઝું ઉકાળી શક્યા નહીં, એટલે વેંકૈયા નાયડુને કામે લગાડાયા. શશિકલાના જેલવાસ દરમિયાન એમના પરિવારનો પ્રભાવ પક્ષ પર પાડવા સામે પણ ઉહાપોહ થયો. અત્યારે અન્નાદ્રમુકનાં બે ફાડિયાં પાછા ભેગાં થવાની મથામણમાં છે એટલે જયલલિતાના નિધનથી ખાલી પડેલી આર. કે. નગર (ચેન્નઈ) બેઠકની જાહેર થયેલી પેટાચૂંટણી ચૂંટણી પંચ તરફથી હમણાં રદ્દ કરાઈ છે. મતદારોને લલચાવવા માટે ૮૯ કરોડ રૂપિયા વહેંચાયાના આક્ષેપો અને આવકવેરા વિભાગની કાર્યવાહીને પગલે ચૂંટણી પંચે આ પગલું લીધું.

મરાઠી ગોત્રના તમિળ સુપરસ્ટારની રાજકીય તટસ્થતા

આર. કે. નગરની પેટાચૂંટણીમાં અન્નાદ્રમુકનાં બે જૂથ આમનેસામને લડે અને ‘બીચ મેં મેરા ચાંદભાઈ’ની જેમ ભાજપ ફાવે એવો ખેલ પાડવા માટે દિલ્હીથી લઈને ચેન્નઈ સુધી ભારે ઉધામા આદરવામાં આવ્યા. તમિળ રાજકારણમાં ફિલ્મી હસ્તીઓની ખાસ્સી બોલબાલા છે, એટલે ભાજપ થકી ફિલ્મોના સંગીતકાર ગંગાઈ આમરણને ઉમેદવારી કરાવાઈ. છોગામાં સુપરસ્ટાર રજનીકાંતની લોકપ્રિયતા અંકે કરી લેવા બેઉની શુભેચ્છા મુલાકાતની તસવીર ટ્વિટ કરીને ‘રજનીકાંતે મારા પિતાને વિજયની શુભેચ્છા આપી છે’ એવું આમરણના દીકરા વેંકટ પ્રભુએ જણાવ્યું. જોકે ગઈ ૨૩ માર્ચની આ ઘટનામાં જરાય મોડું કર્યા વિના રજનીકાંતે ટ્વિટ કર્યુંઃ ‘આવતી ચૂંટણીમાં મારો કોઈને ટેકો નથી.’ ભલે આર. કે. નગરની પેટાચૂંટણીમાં રજનીના ભાજપના ટેકાને નકારવામાં આવ્યો હોય, ભાજપની નેતાગીરી તો યેનકેન પ્રકારેણ રજનીકાંતને રાજકારણમાં પ્રવેશવા મનાવી રહી છે. ભાજપના તમિળ નેતા એવા ડો. સુબ્રમણિયન સ્વામી રજનીકાંતને રાજકારણમાં નહીં પ્રવેશવાની સલાહ આપી રહ્યા છે. એમની આવી નિવેદનબાજી પણ ભાજપની રાજકીય વ્યૂહરચનાનો જ ભાગ ગણાવાય છે.

રજનીકાંતનો ખેલ પાડવાના પ્રયાસો તો છેક લાંબા સમયથી ચાલી રહ્યા છે. ‘તુઘલક’ના તંત્રી અને ભાજપના શુભેચ્છક ચો રામાસ્વામી જીવતા હતા ત્યારે પણ રજનીકાંતને રાજકારણમાં તેમનું ઉજ્જવળ ભવિષ્ય હોવાનું સમજાવી રહ્યા હતા. હજુ હમણાં પણ રજનીકાંતની ફેન્સ ક્લબના સભ્યોને રજની ચાર દિવસ મળ્યા પછી એણે સંદેશ એટલો જ આપ્યો કે યુદ્ધ જેવી સ્થિતિ આવી પહોંચશે ત્યારે હું તમને તેડાવીશ.

રજનીકાંત દુનિયાભરના તમિળ ફિલ્મદર્શકોના દિલ પર રાજ કરે છે, પણ એ મૂળ મરાઠી પરિવારનું કર્ણાટકમાં ઉછરેલું સંતાન છે. મૂળ નામ શિવાજીરાવ ગાયકવાડ. એમના પૂર્વજ કોલ્હાપુરના પણ પછીથી નોકરી-ધંધા માટે બેંગલોર જઈ વસ્યા. પ્રારંભમાં બસ કંડકટરની નોકરી કરનાર રજની છેક ૧૯૭૫થી તમિળ ફિલ્મોમાં ગાજતું નામ છે. તમિળનાડુમાં એમ. જી. રામચંદ્રન, એમ. કરુણાનિધિ, જયલલિતા જયરામ જેવાં મુખ્ય પ્રધાનો ફિલ્મક્ષેત્રમાંથી આવ્યાં હતાં. રજનીની લોકપ્રિયતાને વટાવવા માટે દ્રવિડ પક્ષો પણ પ્રયત્નશીલ રહ્યા છે, પણ હવે ૬૬ વર્ષના રજનીકાંત ઢળતી ઉંમરે ‘રાજકીય વ્યવસ્થાના સડી ગયેલા તંત્ર’ને સુધારવા રાજકીય ક્ષેત્રમાં પ્રવેશ કરે એની સૌને પ્રતીક્ષા છે. સ્વયં રજનીકાંતે હાલ પૂરતી રાજકારણ પ્રવેશની વાતને ટાળી દીધી છે, પણ આવતા દિવસોમાં એ પોતાનો પક્ષ સ્થાપે તો બહુ આશ્ચર્ય નહીં થાય.

રજનીકાંતને ટીપુ નહીં થવા વિનવણી

બેંગલૂરુ નિવાસી ફિલ્મનિર્માતા અશોક ખેનીએ મહિસૂરના રાજવી ટીપુ સુલતાન પર ફિલ્મ બનાવવાના પ્રકલ્પની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં ટીપુ સુલતાનની ભૂમિકા માટે રજનીકાંત સાથે વાત કરી હતી. રજનીને એ ફિલ્મની પટકથાની પ્રતીક્ષા છે. હજુ તો ટીપુની ફિલ્મની વાત પાશેરામાં પહેલી પૂણી જેવી અવસ્થામાં છે ત્યાં દક્ષિણ ભારતમાં સંઘ પરિવારનાં સંગઠનોએ ‘ટીપુ તો હિંદુદ્વેષી અને વટાળપ્રવૃત્તિનો પ્રણેતા હતો’ એવું કહીને રજનીકાંતને આ ફિલ્મમાં ટીપુની ભૂમિકા નહીં કરવાનો આગ્રહ કરવા માંડ્યો છે. નિર્માતા ખેનીએ તો ટીપુને અંગ્રેજો સામે લડીને મોતને વહાલું કરનાર તથા મરાઠાઓએ શૃંગેરીના મંદિર તોડ્યાં ત્યારે શંકરાચાર્યના કહેવાથી મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવનાર ગણાવ્યો છે. એવો ટીપુ હિંદુઓનો વિરોધી કઈ રીતે હોઈ શકે? એવો પ્રશ્ન પણ તેમણે કર્યો છે. રજનીકાંતે આ વિશે મગનું નામ મરી પાડ્યું નથી.

જોકે, અગાઉ સંજય ખાનની ટીવી શ્રેણી ‘ટીપુ સુલતાન’ ૧૯૯૦માં ‘દૂરદર્શન’ પર રજૂ થાય એ પહેલાં પણ સંઘ પરિવારે ભારે ઉહાપોહ મચાવ્યો હતો. ભગવાન ગિડવાણી લિખિત ‘ધ સ્વોર્ડ ઓફ ટીપુ સુલતાન’ને આધારે સંજય ખાન અને અકબર ખાને બનાવેલી એ સિરિયલ હીટ ગઈ હતી. જોકે મહિસૂરના પ્રીમિયર સ્ટુડિયો આગમાં બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો અને ૬૨ લોકો મૃત્યુ પામ્યાં હતાં. અહીં ટીપુ સિરિયલનું શૂટિંગ ચાલતું હતું.

ભારતીય બંધારણમાં જે આદર્શ વ્યક્તિત્વોને સમાવાયાં છે તેમાં ભગવાન શ્રીરામ, સીતા મૈયા, લક્ષ્મણ, ભગવાન શ્રીકૃષ્ણ, છત્રપતિ શિવાજી, મહાત્મા ગાંધી, નેતાજી સુભાષચંદ્ર બોઝ વગેરેની સાથે બાદશાહ અકબર અને ટીપુ સુલતાનનો પણ સમાવેશ છે. લોકપ્રિય ભારતીય રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામ તો ટીપુને ‘મિસાઈલ ટેકનોલોજી’ના જનક ગણાવતાં ‘નાસા’ની દીવાલે તેમણે નિહાળેલા ચિત્રનો આત્મકથામાં ઉલ્લેખ કરે છે. આ બધાં તથ્યોને કમનસીબે બાજુએ સારીને ભારતીય રાજનેતાઓ પોતાના વર્તમાનને ચમકાવવા માટે ઐતિહાસિક પાત્રોને નાયક-ખલનાયકમાં વિભાજિત કરે છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus