ફિલ્મ ‘નિરજા’નાં ભરપૂર વખાણ થયા છે. આ ફિલ્મ માટે સોનમ કપૂરને ૬૪મો નેશનલ એવોર્ડ મળ્યો છે, પણ જે એરહોસ્ટેસ નિરજા ભાણોટ પરથી આ ફિલ્મ બની તેના પરિવારે ‘નિરજા’ ફિલ્મના નિર્માતા સામે કાયદાકીય પગલાં લીધાં છે. જ્યારે આ વિષય પર ફિલ્મ બનવાની હતી ત્યારે નિર્માતાએ ભાણોટ પરિવાર સાથે કરાર કર્યાં હતા કે ફિલ્મની કુલ આવક થશે તેમાંથી ૧૦ ટકા હિસ્સો ભાણોટ પરિવારને પણ મળશે.
‘નિરજા’ ફિલ્મે વર્લ્ડ વાઇડ રૂ. ૧૦૦ કરોડની કમાણી કરી છે, પણ કરાર મુજબ ‘નિરજા’ ભાણોટ પરિવારને હજી સુધી કોઈ રકમ અપાઈ નથી. નિરજા ભાણોટના ભાઈ અનિસ ભાણોટે કહ્યું છે કે, અમે ફિલ્મના નિર્માતા ફોક્સ સ્ટાર સ્ટુડિયો, બ્લિગ અનપ્લગ્ડ અને કો-પ્રોડ્યુસર અતુલ કસેબકરને નોટિસ મોકલી છે. હવે આ કેસ પંજાબના હરિયાણાની કોર્ટમાં ચાલશે. ઉલ્લેખનીય છે કે એરહોસ્ટેસ નિરજા ભાણોટ બાવીસ વર્ષની હતી ત્યારે તેણે હાઇજેક થયેલા પ્લેનમાં બેઠેલા મુસાફરોને બચાવ્યા હતા અને પોતે મૃત્યુ પામી હતી. સ્વ. નિરજા ભાણોટને અશોકચક્રથી સન્માનિત પણ કરાઈ છે.

