હૈદરાબાદઃ શ્વાસ થંભાવી દે તેવી આઈપીએલ-૧૦ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સે અંતિમ બોલમાં રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટને એક રને પરાજય આપી ત્રીજી વખત ટાઇટલ જીતવાની સિદ્ધિ મેળવી હતી. આ પહેલાં ચેન્નઈ અને કોલકતા બે-બે વખત ચેમ્પિયનશિપ જીતી ચૂક્યા છે.
હાંસલ કરી શકાય તેવા ૧૩૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પૂણે ટીમે ૧૭ રનના કુલ સ્કોરે ઓપનર રાહુલ ત્રિપાઠીની વિકેટ ગુમાવી હતી. રહાણે ૧૩ રનના સ્કોરે હતો ત્યારે કૃણાલ પંડયાએ આસાન કેચ છોડયો હતો. આ પછી રહાણેએ સ્મિથ સાથે મળી ટીમનો સ્કોર ૭૧ રને પહોંચાડયો હતો. રહાણે ૪૪ રન બનાવીને આઉટ થયા બાદ ધોની પણ ૧૦ રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ધોની આઉટ થયો ત્યારે પૂણેને મેચ જીતવા માટે ૨૨ બોલમાં ૩૨ રનની જરૂર હતી.
આ પછી તેને ત્રણ ઓવરમાં જીત માટે ૩૦ રન કરવાના આવ્યા હતા. ૧૮મી ઓવરમાં સાત રન આવતાં છેલ્લી બે ઓવરમાં જીત માટે ૨૩ રન કરવાના હતા. ૧૯મી ઓવરમાં ૧૨ રન ઝૂડતાં છેલ્લી ઓવરમાં જીત માટે ૧૧ રન કરવાનું લક્ષ્ય મળ્યું હતું. છેલ્લી ઓવરના પ્રથમ બોલે મનોજ તિવારીએ ચોગ્ગો ફટકારતાં પાંચ બોલમાં જીત માટે સાત રન કરવાના હતા. બીજા બોલે મનોજ તિવારી આઉટ થયા બાદ ત્રીજા બોલે સ્મિથ પણ છગ્ગો ફટકારવાના પ્રયાસમાં અંબાતી રાયડુને કેચ આપી બેઠો હતો. વોશિંગ્ટન સુંદરે ચોથા બોલે સિંગલ રન લઈને સ્ટ્રાઇક ડેનિયલ ક્રિશ્ચિયનને આપી હતી. જોકે, ક્રિશ્ચિયન છેલ્લા બે બોલમાં બે-બે રન જ કરી શકતાં મુંબઈએ એક રને જીત મેળવી હતી.
મુંબઇનો ધબડકો
રોહિત શર્માએ પીચને ધ્યાને રાખતાં ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણય મુંબઈ ઇન્ડિયન્સ માટે આ ખોટ સાબિત થયો હોય તેમ ત્રીજી જ ઓવરમાં માત્ર આઠ રનના કુલ સ્કોરે બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈ તરફથી આ સિઝનમાં સર્વાધિક રન બનાવનાર પાર્થિવ પટેલ પણ ચાર રન બનાવીને જ્યારે લિન્ડલ સિમન્સ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. બંનેને જયદેવ ઉનડકટે પેવેલિયન મોકલ્યા હતા. તેમાં પણ સિમન્સનો ફોલો-થ્રુમાં શાનદાર કેચ પકડાયો હતો. દબાણમાં આવી ગયેલી મુંબઈની ટીમના પાંચ ઓવર સુધી ૧૬ જ રન થયા હતા અને એકેય બાઉન્ડરી નોંધાઈ નહોતી. છઠ્ઠી ઓવરમાં લોકી ફર્ગ્યુસનને રોહિત શર્માએ ચાર ચોગ્ગા ફટકારી ૧૬ રન ઝૂડતાં મુંબઈ પાવર પ્લેના અંતે ૩૨ રન બનાવી શકી હતી. આ પછી રાયડુ અને રોહિતે ટીમનો સ્કોર ૪૧ રને પહોંચાડયો ત્યારે ઝડપી રન લેવાના પ્રયાસમાં રાયડુ રનઆઉટ થયો હતો.
રોહિત શર્મા રંગમાં જણાઈ રહ્યો હતો પરંતુ તે અંગત ૨૪ રનના સ્કોરે હતો ત્યારે શાર્દુલ ઠાકુરે બાઉન્ડરી પર શાનદાર કેચ ઝડપી પૂણેને ચોથી સફળતા અપાવી હતી. પોલાર્ડે આવતાંની સાથે પોતાના ઇરાદા જાહેર કરતાં ઝમ્પાને છગ્ગો ફટકાર્યો હતો. જોકે તે વધુ સમય ટકી શક્યો નહોતો અને સાત રન બનાવીને એડમ ઝમ્પાનો શિકાર બન્યો હતો.
હાર્દિક પંડયા અને કૃણાલ પંડયાએ ૧૩ રન જોડયા ત્યારે ડેનિયલ ક્રિશ્ચિયન ત્રાટક્યો હતો. તેણે હાર્દિક પંડયાને એલબીડબ્લયુ આઉટ કર્યો હતો. મુંબઈનો સ્કોર ૭૯ રન થયો ત્યારે કર્ણ શર્મા પણ રનઆઉટ થતાં સાતમી વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કૃણાલ પંડયા અને મિચેલ જ્હોન્સને આઠમી વિકેટ માટે ૫૦ રનની ભાગીદારી નોંધાવતાં મુંબઈની ટીમ ૧૨૯ રનનો સન્માનજનક સ્કોર બનાવી શકી હતી. જ્હોન્સન ૧૩ રન બનાવી અણનમ રહ્યો હતો. મુંબઈએ અંતિમ ત્રણ ઓવરમાં ૩૭ રન ઝૂડયા હતા.
કૃણાલ પંડ્યા મેન ઓફ ધ મેચ
મેચમાં ૪૭ રન બનાવનાર કૃણાલ પંડ્યાને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. મુંબઈએ ૭૯ રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે કૃણાલ પંડ્યાએ ધૈર્યપૂર્વક બેટિંગ કરતાં અંતિમ ઓવર સુધી એક છેડો સાચવી રાખી મિચેલ જ્હોન્સન સાથે મળીને ૫૦ રનની ભાગીદારી નોંધાવી હતી અને ટીમને ૧૨૯ રનના સન્માનજનક સ્કોર પહોંચાડી હતી.
આવી હારને પચાવવી મુશ્કેલ : સ્મિથ
વિજયના કિનારાની નજીક પહોંચ્યા બાદ ડુબી ગયેલા જહાજ જેવી પૂણેની ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે કહ્યું કે, આ પ્રકારની હારને પચાવવી મુશ્કેલ હોય છે, પણ મને મારી ટીમ પર ગર્વ છે, તેણે આખી ટૂર્નામેન્ટમાં શાનદાર દેખાવ કરી બતાવ્યો છે. મુંબઈનો સ્કોર ધાર્યા પ્રમાણેનો નહોતો. જોકે આ પીચ પર રન બનાવવા આસાન નહોતા. બધા આ બાબતને જોઈ શકતા હતા. અમારી પાસે વિકેટો હતી, છતાં અમે જીતી ન શક્યા. અમારે જીતવા માટે એકાદ-બે સારી ઓવરોની જરૂર હતી, પણ તેઓએ કસાયેલી બોલિંગ કરી, જેનો શ્રેય તેમને આપવો ઘટે. મને આઇપીએલમાં ઘણું બધુ શીખવા મળ્યું છે. જેના કારણે હું મારી ફ્રેન્ચાઈઝીનો આભાર માનું છું. આવતા વર્ષે અમે ક્યાં હોઈશું તેની કોને ખબર છે? હાર નિરાશાજનક રહી. અમે પરીકથા જેવી સફળતા સાથેનો અંત આણી ન શક્યા.
ટાઇટલ વિનર
• ઓરેન્જ કેપઃ ડેવિડ વોર્નલ (સનરાઈઝર્સ હૈદરાબાદ) • પર્પલ કેપઃ ભુવનેશ્વર કુમાર (સનરાઇઝર્સ હૈદરાબાદ) • ઇમર્જિંગ પ્લેયરઃ બાસિત થમ્પી (ગુજરાત લાયન્સ) • સૌથી વધુ સિક્સરઃ મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) • કેચ ઓફ ધ સિઝનઃ સુરેશ રૈના (ગુજરાત લાયન્સ) • સૌથી ઝડપી અર્ધી સદીઃ સુનિલ નારાયણ (કોલકતા નાઇટ રાઇડર્સ)
ફાઇનલ મેચની સાથે સાથે...
• પૂણે તરફથી રમતા વોશિંગ્ટન સુંદરે સૌથી નાની વયે આઈપીએલની ફાઇનલમાં રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. વોશિંગ્ટન સુંદરની ઉંમર ૧૭ વર્ષ અને ૨૨૮ દિવસ હતી. તેણે રવીન્દ્ર જાડેજાનો રેકોર્ડ તોડયો હતો. જાડેજાએ વર્ષ ૨૦૦૮માં રાજસ્થાન રોયલ્સ તરફથી ૧૯ વર્ષ અને ૧૭૮ દિવસની વયે ફાઇનલ મેચ રમ્યો હતો.
• રોહિત શર્માએ આઈપીએલની દરેક સિઝનમાં ૩૦૦થી વધુ રન બનાવ્યા હતા અને તે આ સિદ્ધિ મેળનાર સુરેશ રૈના બાદ બીજો ખેલાડી બન્યો છે.
• મહેન્દ્ર સિંહ ધોનીએ સાતમી વખત આઈપીએલની ફાઇનલમાં રમીને ઇતિહાસ રચ્યો હતો. તેણે સુરેશ રૈનાને પાછળ છોડયો હતો. આ પહેલાં રૈના અને ધોની બંને ૬-૬ વખત આઈપીએલની ફાઇનલ રમી ચૂક્યા હતા.
• આઈપીએલ ફાઇનલમાં સૌથી નિમ્ન સ્કોર ૧૨૯ રનનો રહ્યો હતો આ મેચમાં. આમ છતાં મુંબઈએ એક રને વિજય મેળવ્યો હતો. આ પહેલાં રમાયેલી નવ ફાઇનલ મેચથી પ્રથમ બેટિંગ કરતાં નિમ્ન સ્કોર ૧૪૩ રન રહ્યો હતો. તે મેચમાં ડેક્કને રોયલ
ચેલેન્જર્સ બેંગલોરને છ રને પરાજય આપી ટાઇટલ જીત્યું હતું.

