રમઝાનની રોશની

યુસુફ એમ. સિદાત, લેસ્ટર Wednesday 24th May 2017 07:11 EDT
 
 

રમઝાનનો પવિત્ર માસ એ ઇસ્લામિક મહિનાઓ પૈકીનો પવિત્ર માસ ગણવામાં આવે છે. ઇસ્લામિક હિજરી પંચાગનો નવમો માસ છે. સૂર્યોદય પહેલાથી સૂર્યાસ્ત સુધી મુસલમાનોને રોઝા (ઉપવાસ) કરવાની ફરજ છે.
ઇસ્લામ ધર્મમાં રોઝા એ પાંચ મુખ્ય ધાર્મિક ફરજ પૈકીની એક છે. રોઝાનો મુખ્ય આશય ખુદાના બંદા પાક બને એ દ્વારા જોડાયેલી હોય છે.
ઇસ્લામી વિશ્વ પવિત્ર માસ રમઝાનના રોઝાઓ અને બંદગીમાં વ્યસ્ત રહે છે. પવિત્ર રમઝાનમાં ખુદાના બંદાઓ રોજિંદા કામ સાથે ખુદને પવિત્ર-પાક રાખવા નમાઝ અને ખુદાની ઈબાદત કરે છે. ઇસ્લામમાં સર્વધર્મ પ્રત્યે સદભાવ રાખવાનો ઉપદેશ આપેલ છે. ભૂતકાળમાં પણ ઈસ્લામી વલીઓ, સુફીઓ, પયગંબરો સંયમી-મુત્તકી હતા. જે અલ્લાહના નેકબંદા હતા. તેઓએ ચીંધેલા રસ્તે ચાલવા કહ્યું છે. આ રસ્તે ચાલનાર સંયમી બને છે.
આ માસમાં પૂરા મહિનાના ઉપવાસ ઉપરાંત રાત્રિની છેલ્લી નમાઝ પછી વધારાની ‘તરાવીહ’ની નમાઝ અદા કરવામાં આવે છે. જેમાં પવિત્ર કુરાન શરીફમાં લખાયેલી નેક વાતો પઢાય છે. કહેવાય છે કે ઇફતારી એટલે કે સાંજે ઉપવાસ તોડવાના સૂર્યાસ્તના સમયે જે દુઆ (પ્રાર્થના) કરવામાં આવે છે તે કબૂલ થાય છે તેથી આ બંદગી પોતાની સાથે બધા માટે કરાય છે. સૂર્યાસ્ત થતાં જ ખજૂર, પાણી કે એવી કોઈ વસ્તુ વડે ઉપવાસ તોડવાની પરંપરા છે. આ માસમાં બંદગીથી પાપોનું પ્રાયશ્ચિત કરી શુદ્ધ જીવન વ્યવહાર જીવવાની પ્રેરણા પણ મળે છે.
આ માસમાં કરવામાં આવતી બંદગી અને સતકર્મોનું પુણ્ય અન્ય દિવસોની ઇબાદત કરતા અલ્લાહ તરફથી અનેકગણું વધુ મનાય છે. આજ માસના છેલ્લાં દસેક દિવસ મસ્જિદમાં રોકાય (એતિકાફ), સ્ત્રીઓ ઘરે એતિકાફ કરે છે. કેટલાક મુસ્લિમો મક્કા અને મદિના ‘ઉમરા’ (નાની હજ)ની યાત્રાએ પણ જાય છે. ઇસ્લામે આપેલી સરળતાને કારણે બીમાર, અશક્ત, વૃદ્ધ અને માસિક ધર્મમાં આવેલી સ્ત્રી, કે જેઓ મુસાફરી, પ્રવાસમાં હોય તેઓને રોઝામાં (ઉપવાસ)માંથી હંગામી મુક્તિ મળે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં એ બદલ દાન કરવાની ફરજ છે. તો ક્યાંક પાછળથી ચૂકી ગયેલા ઉપવાસો કરવાનું જણાવાયું છે. બ્રિટનમાં પણ પાક મુસ્લિમો દ્વારા ૧૮ કલાકના રોઝા રાખે છે. આ દેશમાં પણ આ મહિનાની પવિત્રતા જાળવવા ઘર, શહેર અને મસ્જિદોમાં એક પાક માહોલ દેખાય છે. રમઝાન માસ પૂરો થતાં જ બીજા દિવસે ઇદૂલ ફિત્ર મનાવવામાં આવે છે. ચાલો તો સૌ સાથી મળી એની મહિમા જાળવી પવિત્રતો જાળવીએ. આમેન – રમઝાન મુબારક.


comments powered by Disqus