• ભારતીય અમેરિકન વરદા નેશનલ જિયોગ્રાફી બીની વિનરઃ પ્રણવ વરાદા નામના ૧૪ વર્ષના ભારતીય અમેરિકન વિદ્યાર્થીએ ૫૦,૦૦૦ ડોલરની પ્રતિષ્ઠિત નેશનલ જ્યોગ્રાફી બી સ્પેલિંગ સ્પર્ધા ૧૯મીએ જીતી લીધી હતી. આમ આ સ્પર્ધા જીતવામાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓએ પોતાની ઈજારાશાહી જાળવી રાખી હતી. મને પૂરેપૂરી ખાતરી હતી કે હું જ સ્પર્ધા જીતીશ. એમ આ પ્રતિષ્ઠિત નેશનલ જ્યોગ્રાફી બી સ્પેલિંગ સ્પર્ધા જીત્યા પછી વરદાએ કહ્યું હતું. છેલ્લા એક દાયકાથી આ સ્પર્ધા માત્ર ભારતીય મૂળના બાળકો જ જીતતા આવ્યા છે. ૧૨૦૦ માઈલની રેન્જ ધરાવતી તિબેટના સપાટ પ્રદેશને તાકલિમાકન રણથી અલગ પાડતાં કુનલુમ પર્વતને ઓળખી ગયા પછી ટાઈ બ્રેકર પછી એને વિજેતા જાહેર કરાયો હતો. આ સ્પર્ધા જીત્યા પછી એને ૫૦,૦૦૦ ડોલર અને અન્ય ઈનામ મળ્યા હતા. ન્યૂ જર્સીની વેદા ભટ્ટરામન એક અન્ય ભારતીય અમેરિકન યુવતી ત્રીજા ક્રમે રહી હતી. જ્યારે વિસ્કોનસીના થોમસ રાઈટને રનર અપ જાહેર કરાયો હતો. રાઈટને ૨૫૦૦૦ ડોલર અને ભટ્ટારામનને ૧૦,૦૦૦ ડોલર મળ્યા હતા. આ વર્ષે દસ ફાઈનલિસ્ટ પૈકી છ ભારતીય મૂળના હતા. છેલ્લા છ વર્ષોથી આ સ્પર્ધા માત્ર ભારતીય અમેરિકન બાળકો જ જીતતા આવ્યા છે.
• સુઝુકી ઉત્તર ગુજરાત પ્લાન્ટમાં વધુ ૧૦૦ બિલિયન યેન રોકશે: પેરન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન મારુતિ સુઝુકીના ગુજરાત પ્લાન્ટમાં વધુ ૧૦૦ બિલિયન યેનનું રોકાણ કરે તેવા અહેવાલો છે. અહેવાલ અનુસાર કંપની ઉત્તર ગુજરાત પ્લાન્ટની નવી પ્રોડક્શન લાઇનમાં રોકાણની યોજના ધરાવે છે. આ જાહેરાતને પગલે જાપાનીઝ શેરબજારમાં સુઝુકીનો શેર ઊંચકાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્લાન્ટે ફેબ્રુઆરી ૨૦૧૭થી ૨.૫ લાખ યુનિટ્સની વાર્ષિક ક્ષમતા સાથે ઉત્પાદન શરૂ કર્યું છે. નવી એસેમ્બલી લાઇન સાથે કંપની વર્ષે વધુ બે લાખ યુનિટ્સના ઉત્પાદનની યોજના ધરાવે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર સુઝુકી મોટરની ગુજરાત ખાતેની ત્રીજી પ્રોડક્શન લાઇન સાથે કંપનીની ભારત ખાતેની ઉત્પાદન ક્ષમતા વર્તમાન સ્તરથી ૩૦ ટકા વધીને ૨૨.૫ લાખ વાહન થશે.
• ટ્રમ્પે કહ્યું, ભારત આતંકપીડિત દેશ છેઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મુસ્લિમ દેશોની મુલાકાતમાં સાઉદી અરેબિયાથી લઇને ઇઝરાઇલનો પ્રવાસ ખેડયો હતો. આ દરમિયાન તેમણે આતંકવાદ મામલે આકરા પ્રહારો કરીને કહ્યું હતું કે, ભારત આતંકપીડિત દેશ છે.
