૭૦મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર છવાઈ બોલિવૂડ ક્વિન્સ

Wednesday 24th May 2017 06:52 EDT
 
 

કાન્સ ફિલ્મ ફેસ્ટિલવલ - ૨૦૧૭માં શાહરુખ ખાન, માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાય અભિનિત સંજયલીલા ભણસાલીની હિન્દી ફિલ્મ ‘દેવદાસ’નું ઐશ્વર્યા રાયની હાજરીમાં ફરી પ્રીમિયર થવા સાથે બોલિવૂડની ટોચની અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, ઐશ્વર્યા રાય અને સોનમ કપૂર તેમનાં લુક, ગ્લેમર અને અદાથી ફેસ્ટિલવલમાં છવાઈ ગઈ હતી.
બોલિવૂડની ૩૧ વર્ષીય મસ્તાની દીપિકા પદુકોણે ૬ વર્ષ પછી બે દિવસ ૧૭મી અને ૧૮મી મેએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. આ પહેલાં દીપિકા વર્ષ ૨૦૧૦માં ‘કિવાઝ રિગલ’ની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દેખાઈ હતી.
એવર ‘ગ્રીન’ છે મસ્તાની
દીપિકા ૭૦માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના પહેલા દિવસે ત્રણ અલગ અલગ લુકમાં દેખાઈ હતી. તે પહેલાં જોહન્ના ઓર્ટિઝે ડિઝાઈન કરેલી રેડ મેક્સીમાં એ પછી ગાલ્વેન લંડનના આઉટફિટમાં અને એ પછી રેડ કાર્પેટ પર માર્ચેસા ફેશનના શીર ગાઉનમાં દેખાઈ હતી. તેણે શીર પર્પલ ગાઉન સાથે ડિ ગ્રીસોગાનોની જ્વેલરી પહેરી હતી. ફેસ્ટિવલના બીજા દિવસે તે બ્રેન્ડન મેક્સવેલના ગ્રીન આઉટફિટમાં સોહામણી લાગતી હતી. તે રશિયન ફિલ્મ ‘નેલ્યુબો’ (અંગ્રેજીમાં ‘લવલેસ’)ના સ્ક્રિનિંગમાં હાજર હતી. દીપિકા બીજા દિવસે પણ ત્રણ અલગ લુકમાં હતી. સ્મોકી આઈસ, થાઈ-હાઈ સ્લિટ ગાઉનમાં બોલ્ડ લુક તેણે અપનાવ્યો હતો.
એશ આરાધ્યાની સુંદર જોડી
કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ૪૩ વર્ષીય અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ૧૯મીએ રેડ કાર્પેટ પર ગ્રે ફ્રોક ગાઉનમાં સિન્ડ્રેલા બનીને ઉતરી હતી તો ૨૦મીએ તે રેડ કલરના ગાઉનમાં ખૂબ જ મોહક લાગતી હતી. ૨૦મીએ રેડ કાર્પેટ વોક કરતાં પહેલાં ઐશ્વર્યા પોતાની પાંચ વર્ષની પુત્રી આરાધ્યાનો હાથ પકડીને ઊભેલી જોવા મળી હતી. આરાધ્યાએ બેબી પિંક ડ્રેસ પહેર્યો હતો. માતા-પુત્રીની આ જોડી ઘણી સુંદર લાગતી હતી.
સોનમ બની પિંકીબેબી
બોલિવૂડની સ્ટાઈલ આઈકન ગણાતી સોનમ કપૂર રવિવારની રાત્રે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પિંક લુકમાં શોભતી હતી. ત્યાં તેણે એલી સાબનો ગુલાબી રંગનો ડિઝાઈનર ગાઉન પહેર્યો હતો. લોરિયલ પેરિસની બ્રાન્ડ એમ્બેસેડર સોનમે ડિપનેક શિફોન ગાઉન પહેર્યો હતો. કલ્યાણ જ્વેલરીના ઈયરિંગ્સ, હળવો મેકઅપ અને પિંક લિપસ્ટિકમાં સોનમ સુંદર દેખાતી હતી.


comments powered by Disqus