જોધપુરઃ સુપરસ્ટાર સલમાન ખાનને જોધપુરની નીચલી કોર્ટે ત્રણ ચિંકારાનો શિકાર કરવાના આર્મ્સ એક્ટના કેસમાં ૧૮મીએ નિર્દોષ જાહેર કર્યો હતોે. વર્ષ ૧૯૯૮માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’નાં શૂટિંગ વખતે ત્રણ ચિંકારાનો શિકાર કરવાનો તેના પર આરોપ હતો. આ કેસ માટે જજ દલપતસિંહ રાજપુરોહિતે ચુકાદો આપતાં કહ્યું હતું કે, સલમાન સામે ખોટી કલમો લગાડીને કેસ કરાયો છે. જોધપુરના તત્કાલીન કલેક્ટરે સમજ વગર આ કેસ કર્યો હતો. કથિત શિકાર વખતે સલમાનનું લાઇસન્સ એક્સ્પાયર્ડ નહોતું અને ૮ ઓગસ્ટ ૧૯૯૯ સુધી માન્ય હતું. ફરિયાદી સાબિત કરી શક્યા નથી કે સલમાને એક્સ્પાયર્ડ લાઇસન્સવાળા હથિયારનો ઉપયોગ કર્યો હતો. આથી તેને બેનિફિટ ઓફ ડાઉટના આધારે નિર્દોષ છોડાય છે. સલમાન સામે હરણ અને ચિંકારાના શિકારના ત્રણ કેસ કરાયા છે. સલમાન તેની બહેન અલવીરા સાથે કોર્ટમાં ગયો હતો.
નિર્દોષ છૂટતાં સલમાન તેમજ કોર્ટમાં હાજર તેની બહેન અલવીરાના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. સલમાન તેની કાર બદલવા રહ્યો તેમાં તે કોર્ટમાં એક કલાક મોડો આવ્યો હતો. ૧૧ વાગ્યા સુધી તે કોર્ટમાં નહીં આવતાં કોર્ટે તેને અડધો કલાકમાં હાજર થવા ફરમાન કર્યું હતું.
સલમાન સામેના કેસની તવારીખ
• ૧૯૯૮માં સલમાન સામે ચિંકારાના શિકારના ત્રણ કેસ કરાયા હતા. જેમાં ઘોડા ફાર્મહાઉસ, ભવાદ ગામ ખાતે અને કાંકાણીમાં શિકારના એમ ત્રણ કેસ છે
• ૨૬-૨૭ સપ્ટેમ્બર, ૧૯૯૮, ભવાદ ગામમાં બે ચિંકારાના શિકારનો આરોપ
• ૨૮-૨૯ સપ્ટેમ્બર ૧૯૯૮, ઘોડાફાર્મ ખાતે એક ચિંકારાનો શિકાર
• ૧ ઓક્ટોબર, ૧૯૯૮, કાંકાણી ગામ નજીક બે ચિંકારાનો શિકાર
• ૧૭ ફેબ્રુઆરી ૨૦૦૬, નીચલી કોર્ટે બંને કેસમા સલમાનને દોષિત ઠરાવી એક વર્ષની સજા કરી
• ૧૦ એપ્રિલ ૨૦૦૬ આ કેસમાં કોર્ટે પાંચ વર્ષની જેલની સજા કરી
• ૨૦૦૭માં આશરે એક અઠવાડિયું જેલમાં રહ્યો
• ૧૬ નવેમ્બર, ૨૦૧૫થી ૧૩મી મે ૨૦૧૬ સુધી ઘોડાફાર્મ અને ભવાદ કેસમાં હાઇ કોર્ટમાં સુનાવણી ચાલી
• જુલાઈ ૨૦૧૬ પુરાવાને અભાવે રાજસ્થાન હાઇ કોર્ટે બંને કેસમાં સલમાનને નિર્દોષ છોડ્યો. આ કેસિસને રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યા છે
• ૯ જાન્યુઆરી, ૨૦૧૭ આર્મ્સ એક્ટ કેસમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
• ૧૮ જાન્યુઆરી ૨૦૧૭, આર્મ્સ એક્ટ કેસમાં કોર્ટે સલમાનને નિર્દોષ છોડ્યો
• પાંચમો કેસ મુંબઈમાં હિટ એન્ડ રનનો છે. જેમાં મુંબઈ સેશન્સ કોર્ટે પાંચ વર્ષની સજા કરી હતી, પણ બોમ્બે હાઈ કોર્ટે નિર્દોષ છોડ્યો હતો. મહારાષ્ટ્ર સરકારે તેને સુપ્રીમમાં પડકાર્યો છે

