કોલકતાઃ રવિવારે ઐતિહાસિક ઇડન ગાર્ડનમાં રમાયેલી શ્રેણીની ત્રીજી અને છેલ્લી વન-ડે ઈંગ્લેન્ડે પાંચ રને જીતી લઇને ક્લીન સ્વીપનું કલંક ટાળ્યું છે. વડોદરાના હાર્દિક પંડયાના ઓલરાઉન્ડ દેખાવ તેમજ કેદાર જાધવની ૭૫ બોલમાં ૯૦ રનની ઝમકદાર ઇનિંગ છતાં ટીમ ઇંડિયા વિજયથી વંચિત રહી હતી. છેલ્લા બોલ સુધી ચાલેલા દિલધડક મુકાબલામાં જીતની લગોલગ પહોંચ્યા બાદ મેચ હારવા છતાં ભારતે ત્રણ વન-ડે શ્રેણી ૨-૧થી કબ્જે કરી છે.
ઈંગ્લેન્ડના ૮ વિકેટે ૩૨૧ના સ્કોર સામે ભારત ૯ વિકેટે ૩૧૬ રન કરી શક્યું હતું. મેન ઓફ ધ મેચ સ્ટોક્સે ઓલરાઉન્ડ દેખાવ કરતાં ૩૯ બોલમાં અણનમ ૫૭ રન કર્યા હતા અને ૩ વિકેટ ઝડપી હતી. મેચ જીતવા ૩૨૨ રનના પડકારનો પીછો કરતાં ભારતને આખરી ઓવરમાં ૧૬ રનની જરૂર હતી અને માત્ર બે જ વિકેટ સલામત હતી. જોકે કેદાર જાધવ ૮૦ રને ક્રિઝ પર હોવાથી ભારતને જીતનો ભરોસો હતો. ઈંગ્લેન્ડે આખરી ઓવર વોક્સને આપી હતી અને જાધવે છેલ્લી ઓવરના પહેલા બોલ પર સિક્સ અને બીજા બોલ પર ચોગ્ગો ફટકારતા ભારતને જીતવા ચાર બોલમાં માત્ર છ જ રનની જરૂર હતી. જોકે વોક્સે આ તબક્કે બે ડોટ બોલ નાંખ્યા હતા અને પાંચમા બોલ પર જાધવ બિલીંગના હાથે કેચઆઉટ થતાં ભારતને આખરી બોલ પર એક રન કરવાનો આવ્યો હતો. સ્ટ્રાઈકર બેટ્સમેન તરીકે ભુવનેશ્વર કુમાર હતો અને વોક્સે મેચના આખરી બોલ પર એક પણ રન ન આપતાં ઈંગ્લેન્ડને જીત અપાવી હતી.
૩૨૨ના ટાર્ગેટ સામે બે વિકેટે ૩૭ રનના સ્કોર બાદ કોહલી (૫૫) અને યુવરાજે (૪૫) ભારતને ઉગારતાં ૬૫ રન કર્યા હતા. જોકે ભારતે તબક્કાવાર વિકેટ ગુમાવતા સ્કોર પાંચ વિકેટે ૧૭૩ થયો હતો. આ તબક્કે જાધવ અને હાર્દિક પંડયાની જોડીએ ભારતને ફરી બેઠું કરતાં છઠ્ઠી વિકેટમાં ૧૦૪ રન જોડયા હતા. હાર્દિક પંડયાએ કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારતાં ૪૩ બોલમાં ૪ ચોગ્ગા અને બે છગ્ગા સાથે આક્રમક ૫૬ રન ફટકાર્યા હતા. સ્ટોક્સે હાર્દિકને આઉટ કરતાં મેચનું પલ્લું ઈંગ્લેન્ડ તરફ નમ્યું હતું.
કોહલીની અજેયકૂચ અટકી
ત્રીજી વન-ડેમાં પરાજય સાથે કોહલીની કેપ્ટન તરીકેની ટેસ્ટ અને વન-ડેના બન્ને ફોર્મેટમાં કુલ મળીને સળંગ ૨૦ મેચમાં અજેય રહેવાની આગેકૂચનો અંત આવી ગયો હતો. કોહલીની કેપ્ટન્સીમાં ભારત છેલ્લે ઓગસ્ટ ૨૦૧૫માં શ્રીલંકા પ્રવાસમાં ગોલ ટેસ્ટમાં ૬૩ રનથી હાર્યું હતું. આ પછી ભારત સળંગ ૧૮ ટેસ્ટમાં અજેય રહ્યું હતું અને ઈંગ્લેન્ડ સામેની શ્રેણીની પ્રથમ બે વન-ડે પણ જીત્યું હતું.
જાડેજાની અનોખી સિદ્ધિ
ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની કોલકતામાં રમાયેલી ત્રીજી વન-ડેમાં પ્રવાસી ટીમના ઓપનર સેમ બિલિંગને આઉટ કરીને કારકિર્દીનો ૧૫૦ વિકેટનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. આ સાથે તે ૧૫૦ વિકેટ ઝડપનારો ભારતનો પ્રથમ લેફર્ટ આર્મ સ્પિનર બન્યો હતો. સૌરાષ્ટ્રના ધરખમ ઓલરાઉન્ડરે કારકિર્દીની ૧૨૯મી વન-ડેમાં આ સિદ્ધિ મેળવી હતી. જાડેજાએ આ પછી જેસન રોયને આઉટ કરતાં કારકિર્દીની ૧૫૧મી વિકેટ પણ મેળવી હતી. જાડેજા ભારતનો ૧૨મો એવો બોલર બન્યો છે કે જેણે વન-ડેમાં ૧૫૦ કે વધુ વિકેટ લીધી હોય. આવી સિદ્ધિ મેળવનારા દુનિયાના ૬૮મા બોલર તરીકે તેણે રેકોર્ડ બુકમાં સ્થાન મેળવ્યું હતું. તે ટેસ્ટ ક્રિકેટમાં ૧૧૧ અને ટવેન્ટી૨૦ ઈન્ટરનેશનલમાં ૩૧ વિકેટ મેળવી ચૂક્યો છે.
ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રનનો રેકોર્ડ
કેપ્ટન કોહલીએ ઈંગ્લેન્ડ સામેની કોલકતા વન-ડેમાં ૫૫ રનની ઈનિંગ રમી હતી. આ સાથે તેણે કેપ્ટન તરીકે ૧,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો. કોહલીએ કેપ્ટન તરીકે કારકિર્દીની ૧૭મી ઈનિંગમાં જ ૧,૦૦૦ રનના માઈલસ્ટોનને પાર કર્યો હતો અને આ સાથે તેણે સાઉથ આફ્રિકાના ડી વિલિયર્સનો કેપ્ટન તરીકે ફાસ્ટેસ્ટ ૧,૦૦૦ રન પૂરા કરવાનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો હતો. ડી વિલિયર્સે કેપ્ટન તરીકેની ૧૮ ઈનિંગમાં ૧,૦૦૦ રનના માઈલસ્ટોનને હાંસલ કર્યો હતો.

