• ઇમિગ્રેશનઃ ઇમિગ્રેશન ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી ઝૂંબેશનો મુખ્ય મુદ્દો હતો. લગભગ દરેક રેલી અને ડિબેટમાં તેમણે આ મુદ્દો ખૂબ જ ચગાવ્યો હતો. તેઓ અમેરિકા અને મેક્સિકોની સરહદે ૨૦૦૦ કિલોમીટર લાંબી દીવાલ ચણાવી દેવા કાનૂની ઇમિગ્રેશનમાં ઘટાડો કરવાની સાથે અમેરિકામાં ગેરકાયદે રહેતા ૧.૧ કરોડ લોકોની સંખ્યા ઓછી કરવાની તરફેણમાં છે. તેઓ મુસ્લિમોને અમેરિકામાં પ્રવેશવા દેવા સામે પણ પ્રતિબંધ મૂકવા જેવા નિવેદનો કરી ચૂક્યા છે. તેઓ અમેરિકાની મિડલ-ઇસ્ટ તેમજ બીજા મુસ્લિમ દેશોના લોકોને આશ્રય આપવાની નીતિના પણ વિરોધી છે. તેઓ તેને દેશની સુરક્ષા માટે જોખમી માને છે. તેમની દલીલ છે કે લોકોને ત્યારે જ આશ્રય આપવો જોઈએ જ્યારે તેમની બરાબર તપાસ થઈ હોય.
• બિઝનેસઃ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી ઝૂંબેશ દરમિયાન કહ્યું હતું કે, તેઓ પોતાની વ્યાપાર નીતિ એવી રાખશે કે જેથી દેશના હિતોને અસર નહીં થાય. તેઓ ટ્રાન્સ પેસિફિક પોલિસીની વિરુદ્ધ છે. તેઓ અગાઉ જ કહી ચૂક્યા છે જો તેઓ સત્તા પર આવશે તો તેના પર પુનઃવિચારણા કરાશે. આમ હવે તેમણે આ મુદ્દે યોગ્ય પગલાં લેવા પડશે. તેઓ ચીન અને મેક્સિકો ઉપર અન્યાયી વ્યાપાર કરવાનો આરોપ લગાવી
ચૂક્યા છે.
• ટેક્સઃ ડોનાલ્ડ ટ્રમ્પ દેશમાં અત્યારે ચાલતા ૭ પ્રકારના ટેક્સ પ્લાન ઘટાડીને ૩ કરવા માગે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, એસ્ટેટ ટેક્સને બંધ કરવાની અને વ્યક્તિગત ટેક્સ ડિડક્શનનો દર વધારવાની દલીલ કરી હતી.
• નવી નોકરીઃ ડોનાલ્ડ ટ્રમ્પે વચન આપ્યું હતું કે આગામી ૧૦ વર્ષમાં દેશમાં ૨.૫ કરોડ રોજગારીનું સર્જન કરાશે. કોર્પોરેટ ટેક્સ હાલના ૩૫ ટકાથી ઘટાડને ૧૫ ટકા કરાશે. આનાથી વ્યાપાર ખાદ્ય ઓછી થશે. આ ઉપરાંત નિયમોનો અવરોધ ઓછો કરીને તેઓ નવી નોકરી પેદા કરાશે.
• બંદૂકનો કાયદોઃ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ગન કલ્ચરનું સમર્થન કરે છે. તેઓ કહે છે કે શસ્ત્રથી સજ્જ લોકો જીવ બચાવી શકે છે. તેઓ એવો આક્ષેપ કરતા રહ્યા છે કે વિરોધીઓ ગન અધિકારને રદ કરાવવા માગે છે. તેમનું કહેવું છે કે કાયદામાં બીજા સુધારાની કોઈ શક્યતા નથી. તે સુરક્ષિત રહેશે.
• વિદેશ નીતિઃ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાક યુદ્ધ અને મિડલ-ઇસ્ટના દેશોમાં યુએસ આર્મીના હસ્તક્ષેપનો વિરોધ કરતા રહ્યા છે. તેઓ રશિયા સાથે દોસ્તી કરવાનો ઇરાદો ધરાવે છે. ઉપરાંત એશિયન દેશો, ખાસ કરીને ભારતની સાથે સારા સંબંધની તરફેણ કરે છે. ટ્રમ્પે કહ્યું હતું કે, યુએસ આર્મીને પણ આઈએસની સામે મેદાનમાં ઉતારવી જોઈએ.
• ગર્ભપાતઃ ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીના સમર્થકો ગર્ભપાતને પાપ માને છે. તેઓ ગર્ભપાત કરાવનારી મહિલાઓને સજા થવી જોઈએ એવું પણ કહી ચૂક્યા છે. તેઓ પ્લાન્ટ પેરેન્ટહૂડની તરફેણ કરે છે. તેમણે કહ્યું હતું કે બળાત્કાર પીડિતાઓ અને મહિલાઓની જિંદગીઓને જોખમ હોય તો જ તેમણે ગર્ભપાત કરાવવો જોઈએ.
• કાનૂન-વ્યવસ્થાઃ ટ્રમ્પે પોતાના પ્રચાર દરમિયાન દેશની કાનૂન-વ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. તેમના મતે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાવાળી એજન્સીઓ ગુનેગારો સામે લડવા માટે સક્ષમ નથી. અમેરિકામાં આતંકવાદને રોકવામાં તેઓ પોલીસ પ્રોફાઇલીંગને જરૂરી માને છે. એ વાત અલગ છે કે ઓબામાના શાસનકાળ દરમિયાન, છેલ્લા આઠ વર્ષમાં અમેરિકામાં એક પણ મોટો આતંકવાદી હુમલો થયો નથી.
• ક્લાયમેટ ચેન્જઃ ડોનાલ્ડ ટ્રમ્પે પર્યાવરણ મામલે કોઈ જ ચર્ચા કરી નથી. ન તો તેઓ કોઈ ચર્ચામાં કશું બોલ્યા, ન તો રેલીમાં આ મુદ્દે ઉદબોધન કર્યું કે ન પોતાની પોતાની વેબસાઇટ પર આ અંગે પોતાના વિચારો રજૂ કરી શક્યા. તેમનું કહેવું હતું કે તેઓ સ્વચ્છ પાણી અને સ્વચ્છ હવાનું સમર્થન કરે છે. પરંતુ એન્વાયરન્મેન્ટ પ્રોટેક્શન એજન્સીની ફંડીંગ ઘટાડવા ઇચ્છે છે.

