બર્લિનઃ જર્મનીએ મેડિકલ ટ્રીટમેન્ટ માટે ભાંગના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. જર્મનીની સંસદે ચિકિત્સા માટે ભાંગ તથા ગાંજા જેવી ડ્રગ્સનો ઉપયોગ કરવાની મંજૂરી આપવા ૧૯ જાન્યુઆરીએ મતદાન કરીને સહમતી આપી હતી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે સ્થાનિક દવાની દુકાનોમાંથી આ ડ્રગ્સ ખરીદવા માટે મંજૂરી આપવી જોઈએ એ મુદ્દે સરકારના ડ્રગ કમિશનર માર્લિન મોર્ટેલર તરફદારી કરતા રહ્યા છે.
ડોક્ટરના મતે કેન્સરના દર્દીઓને કિમોથેરપી બાદ મોળ આવવી કે ઊલટી થવી જેવી ફરિયાદ રહે છે. તેથી મેરિઝુઆના જેવી ડ્રગ્સનો ઉપયોગ કરવાથી રાહત રહે છે. સાથે એ પણ મનાય છે કે આ દવા ભૂખ ન લાગવી, વજન ઘટવું જેવી પરેશાની ભોગવતા દર્દીઓ માટે પણ તે લાભકારી છે. આ ઉપરાંત ભાંગ મલ્ટિપલ સ્કેલેરોસિસના લક્ષણોને પણ ઓછા કરી શકે છે.
જર્મનીનો વિપક્ષ લાંબા સમયથી ભાંગને કાનૂની માન્યતા આપવા માટે લડત ચલાવી રહ્યો હતો. જોકે ફ્રાન્સ, કેનેડા અને અમેરિકાના તમામ પ્રાંતોમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપશનનાં આધારે ભાંગ ખરીદી શકાય છે.
ભાંગ તો છે ખૂબ કામની
• ૨૦૧૩માં વર્જિનિયાની કોમનવેલ્થ યુનિવર્સિટીના સંશોધકોએ સાબિત કરી દીધું છે કે ગાંજામાં રહેલા તત્ત્વો એપિલેપ્સી એટેકને ટાળી શકે છે. આ શોધ સાયન્સ પત્રિકામાં પ્રકાશિત થઈ છે. અહેવાલ મુજબ તે શાંતિનો અહેસાસ કરાવતા મગજના હિસ્સાના કોષોને જોડે છે. અમેરિકાની નેશનલ ઈ ઇન્સ્ટિટ્યૂટના મતે ભાંગ ગ્લુકોમાના લક્ષણને દૂર કરે છે. આ બીમારીને કારણે આંખની કીકી મોટી થઈ જતી હોય છે અને દૃષ્ટિ સાથે જોડાયેલી નસો દબાવા માંડે છે.
• ૨૦૧૫માં અમેરિકાની સરકારે સ્વીકાર્યું હતું કે ભાંગ કેન્સર સાથે લડવા માટે સક્ષમ છે. અમેરિકાની સરકારી વેબસાઇટ કેન્સરના મતે કેનાબિનોએડ્સ તત્વો કેન્સર કોષિકાઓને મારવામાં સક્ષમ છે. કેટલીય શોધોમાં સ્પષ્ટ થઈ ગયું છે કે ભાંગનાં યોગ્ય ઉપયોગથી નાકમાંથી પ્રવાહી ગળવું, ઊલટી થવી કે ભૂખ ન લાગવા જેવી કિમોથેરાપીની આડઅસર દૂર કરે છે.
• નોટિંગહામ યુનિવર્સિટીના સંશોધકોએ સાબિત કર્યું છે કે ભાંગ સ્ટ્રોક આવે તો મગજને નુકસાનથી બચાવે છે.

