ટ્રમ્પ સામે પડકારોઃ દેશમાં અને વિદેશમાં

Wednesday 25th January 2017 05:31 EST
 
 

દુનિયામાં વધતો જતો ઇસ્લામિક આતંકવાદ, સીરિયા અને ઇરાકનું ગૃહયુદ્ધ અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વારસામાં મળેલા પડકાર છે. એ ઉપરાંત ચીન તરફથી મળતી ધમકી અને રશિયાનું વલણ પણ ટ્રમ્પને પરેશાન કરી શકે છે. જોકે આ બધી તો વૈશ્વિક સમસ્યા છે. આ પહેલાં ટ્રમ્પે ઘરઆંગણે એટલે કે દેશની આંતરિક સમસ્યા ઉકેલવી પડશે. ટ્રમ્પની સામે કયા કયા પડકારો મોં ફાડીને ઊભા છે.
અમેરિકામાં...
• મીડિયા સાથે અણબનાવઃ અમેરિકી મીડિયા ચૂંટણી પહેલાં ટ્રમ્પની ટીકા કરતું હતું, પણ ટીકાથી વિચલિત થયા વિના ટ્રમ્પ ચૂંટણીમાં આગળ નીકળી ગયા. વિજય બાદ મીડિયા ટ્રમ્પની આંખે ચડી ગયું છે. શાસક હોવાના કારણે દેશ અને વૈશ્વિક સ્તરે મીડિયાને સાથે લઈને ચાલવું તેમને માટે મહત્ત્વનું રહેશે. જોકે મીડિયા સાથે તેમની લડાઈ લાંબી ચાલે એવી સંભાવના છે.
• સુરક્ષાનો અહેસાસઃ છેલ્લા બે વર્ષ દરમિયાન અમેરિકામાં હિંસક ઘટનાઓ બની રહી છે. તેને પહોંચી વળવામાં સુરક્ષા એજન્સીઓનું વલણ શંકાસ્પદ છે. એ જોતાં નવાં પ્રમુખ સમક્ષ સૌથી પહેલાં લોકોને પોતાની સુરક્ષાનો અહેસાસ કરાવવાનો પડકાર છે.
• ભેદભાવ દૂર કરવા પડશેઃ અમેરિકામાં રંગભેદ આમ તો જૂની સમસ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોમાં આવી ઘટનાઓ ખાસ્સી વધી છે. જેમાં ગોરા પોલીસે શ્યામ લોકોને નિશાન બનાવ્યા હોય. નવા પ્રમુખે નાગરિકોમાં એવો ભરોસો પેદા કરવો પડશે કે તેઓ સુરક્ષિત છે.
• સાયબર એટેકમાં વધારોઃ અમેરિકામાં જે રીતે સાયબર હમલાની ઘટના વધી રહી છે. તે જોતાં સુરક્ષા એજન્સીઓને સૌથી મોટી ચિંતા સાયબર હુમલા અંગે છે. દેશ માટે વેબસાઇટ અને ઇમેલ હેકિંગ ગંભીર સમસ્યા બની છે. નવા પ્રમુખ સામે આ પણ એક મોટો પડકાર છે.
... અને અમેરિકા બહાર
• ચીનની સાથે કામ પાર પાડવુંઃ જે રીતે સાઉથ ચાઇના સી વિવાદ ચાલે છે, તેને પગલે ચીન તેના પાડોશીઓ અને અમેરિકા સાથેના સંબંધમાં ગૂંચવાડો ઊભો થયો છે. ચીનનો ઉત્પાત વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય જળ માર્ગ અંગે ચીન સતત સૈન્ય હિલચાલ વધારવા સાથે નવું નિર્માણ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય અદાલતમાં આ મુદ્દે હાર થવા છતાં ચીન ત્યાં રડાર પણ લગાવી ચૂક્યું છે. વ્યાપાર સંતુલન ઉપરાંત અવમૂલ્યનને લઈને ચીન તથા અમેરિકા વચ્ચે તુંતું-મેંમેં ચાલી રહ્યું છે. ટ્રમ્પે ખુલ્લેઆમ ચીનની ટીકા કરવા સાથે સાથે ચીનમાં વિસ્થાપિત અમેરિકાના બાંધકામ ક્ષેત્રને ફરીથી બેઠું કરવાની જાહેરાત કરી છે.
• સીરિયાની સમસ્યાઃ સીરિયામાં યુએસ એરફોર્સના મિશને રશિયાને નારાજ કર્યું હતું. રશિયા ઇચ્છે છે કે અમેરિકા સિરીયામાંથી પોતાના યુદ્ધ વિમાનો હટાવી લે, પરંતુ અમેરિકા તેને માટે તૈયાર નથી. હવે સમય સાથે અભિગમ બદલાઇ શકે છે.
• નોર્થ કોરિયા, તુર્કી, ઇઝરાયલઃ નોર્થ કોરિયાના સનકી સરમુખત્યાર કિમ જોંગ ઉન સતત મિસાઇલ પરીક્ષણ કરી રહ્યો છે. કેટલાય વીડિયો બહાર પાડીને તે પોતાની નજર અમેરિકાના લશ્કરી થાણા ઉપર હોવાનું જાહેર કરતો રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ (યુએન) અને અમેરિકાના પ્રતિબંધ છતાં તેના મિજાજ બદલાયો નથી. સૌથી મોટો પ્રશ્ન એ છે કે નોર્થ કોરિયાને ચીનની મદદ મળતી રહી છે. બીજી બાજુ તુર્કીમાં તખ્તાપલટના પ્રયાસોની પાછળ અમેરિકાનું નામ જાહેર થયા બાદ બન્ને દેશો વચ્ચે સંબંધ નબળા પડ્યા છે. કંઇક આવો જ વિવાદ ઇઝરાયલ સાથે છે. નવા પ્રમુખે બન્ને દેશો વચ્ચેના સંબંધ સુધારવા પડશે.
• ઇરાન, પાકિસ્તાન અને આઇએસઃ અમેરિકાના ૪૫મા પ્રમુખ ટ્રમ્પની સમક્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે ચીન અને નોર્થ કોરિયાની સાથે સાથે ઇરાન તથા પાકિસ્તાન પણ માથાનો દુખાવો બની શકે છે. ૨૦૨૫ સુધી પાકિસ્તાનની પાસે ૨૨૦-૨૨૫ પરમાણુ શસ્ત્રો થઈ જશે. આ બાબત અમેરિકા માટે ચિંતાનું કારણ બની રહેશે. આતંકવાદની વિરુદ્ધ લડનારા અમેરિકા માટે આતંકી સંગઠન આઇએસ પણ એક મોટો પડકાર છે.


comments powered by Disqus