વોશિંગ્ટનઃ સર્વોચ્ચ મહાસત્તાનું પ્રમુખ પદ સંભાળ્યાને ડોનાલ્ડ ટ્રમ્પને હજુ ગણતરીના દિવસો થયા છે. આથી હજી સુધી તેમની વિદેશનીતિ એકદમ સ્પષ્ટ તો નથી, પણ રાજદ્વારી નિષ્ણાતોના મતે તેમના શાસનકાળમાં અમેરિકાના ભારત સાથે સંબંધો સારા બનશે અને તેનો ભરપૂર લાભ ભારતને મળશે. જોકે પાકિસ્તાન માટે તેઓ ચિંતાનું કારણ બની શકે છે. તેઓ પાકિસ્તાનની તરફ પોતાનું કડક વલણ દાખવી શકે છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન ભારત અને હિંદુઓને વ્હાઇટ હાઉસના મિત્રો તરીકે ગણાવ્યા હતા.
ટ્રમ્પ આ મુદ્દે લાભકારક...
૧) નરેન્દ્ર મોદી બાબતે પોઝિટિવઃ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વેળા જ કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે કામ કરવા માટે બહુ ઉત્સાહી છું. તેમણે બ્યૂરોક્રસીની સુધારણા માટે ભરપૂર ઊર્જા સાથે કામ કર્યું છે. તેઓ એક મહાન વ્યક્તિત્વ છે. હું એમની પ્રશંસા કરું છું. નિષ્ણાતો માને છે કે તેઓ નરેન્દ્ર મોદી સાથે મળીને ભારત સાથેના સંબંધો સારા બનાવશે.
૨) ભારતીયોને સાચા મિત્રો બતાવ્યા હતાઃ ચૂંટણી પ્રચાર વખતે આપેલા ભાષણમાં તેમણે હિંદુઓની ભરપૂર પ્રશંસા કરી હતી. તે સમયે ટ્રમ્પે કહ્યું હતું કે જો હું પ્રમુખ બન્યો તો ભારતીય અને હિંદુ કોમ્યુનિટી વ્હાઈટ હાઉસના સાચા મિત્રો બનશે. હું ભારત અને હિંદુઓનો બહુ મોટો પ્રશંસક છું.
૩) ભારતીયોની મહેનત પ્રત્યે શ્રદ્ધાઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીય-અમેરિકન સમુદાયની મહેનત પ્રત્યે શ્રદ્ધાવાન છે. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યા મુજબ તેમને ભારતીયોમાં સંપૂર્ણ શ્રદ્ધા છે. ભારતીયોએ અમેરિકાને મજબૂત બનાવ્યો છે. ભારતીયોનાં શિક્ષણ અને ઉદ્યોગોથી અમારા દેશનો હકીકતમાં વિકાસ થયો છે.
... પણ આ મુદ્દા ભારતવિરોધી
૧) H1-B વિઝામાં નરમ વલણની અપેક્ષા નથીઃ ટ્રમ્પ અગાઉ જ કહી ચૂક્યા છે કે તેઓ H1-B વિઝાના નિયમો કડક બનાવશે તેમજ વિઝાની ફી વધારશે. તેમણે એમ પણ કહ્યું છે કે તેઓ જન્મજાત અમેરિકન નાગરિકત્વમાં નથી માનતા. અત્યારે આ અંગેનો નિયમ એવો છે કે જે અમેરિકામાં જન્મે છે તેઓને અમેરિકન નાગરિક માનવામાં આવે છે. જો ટ્રમ્પ તેમનાં વલણમાં અડગ રહ્યા તો ત્યાં રહેતાં ભારતીયોની મુશ્કેલીઓ વધી શકે છે.
૨) ભારતીયોને નોકરી શોધતાં મુશ્કેલી પડી શકે છેઃ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રમુખ બન્યા પછી અમેરિકામાં વસતાં અન્ય દેશોનાં લોકોને નોકરી મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. એમણે કહ્યું હતું કે અમે એવી નીતિ સ્વીકારી નથી શકતા જે ચીન, મેક્સિકો, જાપાન અને ભારતને મંજૂર હોય. અમે એવી નીતિ લાગુ નથી કરી શકતા જે નોકરી માટે અમેરિકાનો ઉપયોગ કરતી હોય.
ભારતનો સાથ આવશ્યક
ભારતને જેટલી જરૂર અમેરિકાની છે એના કરતાં પણ વધારે જરૂર અમેરિકાને ભારતની છે. ટ્રમ્પ જે વિદેશ નીતિને લઈને આગળ વધવા માગે છે તેમાં એશિયા અને યુરોપમાં તેમને ભારતના સહયોગની જરૂર પડશે. ભારત સમગ્ર એશિયામાં શાંતિપ્રિય, પરંતુ એક શક્તિશાળી દેશ તરીકે ઉભરી રહ્યું છે તેનો ટ્રમ્પ સહિત ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
પાકિસ્તાન પ્રત્યે બની શકે છે આકરા
પાકિસ્તાનમાં હમણા જ બહાર પાડેલા પીઆઈબીના રીડ-આઉટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે તેઓ પાકિસ્તાન પ્રત્યે પોઝિટિવ છે. મુસલમાનો અને પાકિસ્તાનની બાબતમાં તેઓ પાકિસ્તાન પ્રત્યે થોડી નરમાશ રાખીને તેને સુધરવાનો મોકો આપશે. જોકે નિષ્ણાતો સ્પષ્ટ માને છે કે પાકિસ્તાન ભલે અત્યાર સુધી અમેરિકી આર્થિક સહાય પર તાગડધિન્ના કરતું રહ્યું હોય, પરંતુ આગામી સમય તેના માટે મુશ્કેલ બનવાની શક્યતા છે.

