વોશિંગ્ટનઃ નવનિયુક્ત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો વિરોધ સતત વધી રહ્યો છે. ટ્રમ્પે શપથગ્રહણ કર્યાના એક જ દિવસ પછી વોશિંગ્ટનના માર્ગો પર હજારો મહિલાઓએ રેલી યોજીને નવી સરકારની નીતિઓ વિરુદ્ધ દેખાવો કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભારતીય મૂળના સાંસદ એમી બેરા, ડેમોક્રેટસના પૂર્વ વિદેશપ્રધાન સહિત અનેક નેતાઓ પણ સામેલ થયા છે.
દેખાવકારોના પોસ્ટર્સ પર લખ્યું હતું, ‘વુમન રાઈટ્સ આખરે હ્યુમન રાઈટ્સ છે’, ‘ટ્રમ્પ, પુતિનના હાથનું રમકડું છે’. આ વિરોધી માર્ચમાં લગભગ ૪૦ લાખ લોકો સામેલ થયા હતા.
ટ્રમ્પના વિરોધમાં માત્ર વોશિંગ્ટનમાં જ ૨ લાખ જેટલા લોકો માર્ચમાં સામેલ થયા હતા. આ ઉપરાંત ન્યૂ યોર્ક, લોસ એન્જલસ, શિકાગો અને બોસ્ટનમાં પણ મહિલાઓએ દેખાવો કર્યા હતા. એક અહેવાલ અનુસાર અંદાજે ૪૦ લાખ જેટલા લોકોએ આ દેખાવોમાં ભાગ લીધો હતો.
ડેમોક્રેટ સેનેટર બર્ની સેન્ડર્સે ટ્વીટ કર્યું હતું, ‘મહિલાઓને આ પ્રકારે માર્ચનું આયોજન કરવા બદલ અભિનંદન આપું છું.’
ટ્રમ્પ હોટેલ - ટાવર સામે દેખાવ
વોશિંગ્ટનમાં યોજાયેલા શપથગ્રહણ સમારંભના વિરોધમાં હજારો ન્યૂયોર્કવાસીઓએ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલ અને ટાવર સામે એકઠા થઈને સત્તાના સૂત્રો સંભાળી રહેલા વહીવટી તંત્ર સામેની નારાજગી જાહેર કરી હતી.
બાદમાં દેખાવકારોએ નજીકમાં જ આવેલા ટ્રમ્પના નિવાસસ્થાન સુધી રેલી યોજી હતી. આ વિરોધ રેલીમાં રાજકારણીઓ, મેયર બીલ દ. બ્લાસિઓ અને ‘સેટર ડે નાઈટ લાઈવ’શોમાં ટ્રમ્પની પેરોડી કરનારા અભિનેતા એલેસ બાલ્ડવિન સહતિના અગ્રણીઓ જોડાયા હતા.
બાલ્ડવિને કહ્યું હતું કે, ‘ટ્રમ્પ કદાચ વોશિંગ્ટન પર કબજો કરી લેશે, પરંતુ અમે અમેરિકન્સ તરીકે અમારી ડેસ્ટીની કંટ્રોલ કરીશું. લોકોનો અવાજ સાંભળવામાં આવશે તો ભાવિ બહેતર જ રહેશે.’
પોલીસે સમર્થકો અને વિરોધ કરનારા જૂથો આમનેસામને ના આવી જાય તેની તકેદારી રાખી હતી. ચૂંટણી પ્રચાર વખતે મહિલાઓ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અને મુસ્લિમો વિશે ટ્રમ્પ દ્વારા કરાયેલી ટિપ્પણીઓથી હજી પણ નારાજ છે. આ ઉપરાંત ટ્રમ્પે ઓબામાની હેલ્થકેર યોજના રદ કરવા કે મેક્સિકો-વોલ ઊભી કરવા લીધેલા શપથથી પણ નારાજ છે.
બીજી તરફ, રિપબ્લિકન સમર્થકોનું માનવું છે કે ટ્રમ્પ અનુભવી બિઝનેસમેન છે. રિયાલિટી ટીવી સ્ટાર પણ છે. રાજકારણની બહાર રહેલી વ્યક્તિએ રાજકારણમાં પ્રવેશ કરવાથી રાજકારણને નવો ઓપ મળશે તેવી તેમને આશા છે
વોશિંગ્ટનમાં કિલ્લેબંધી
શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ - એમ બન્નેના સમર્થકો ઊમટી પડવાના હોવાથી ૨૦મી તારીખે વોશિંગ્ટનમાં કિલ્લેબંધી જેવી સુરક્ષા ગોઠવાઇ હતી. ઉલ્લેખનીય છે કે શપથગ્રહણ સમારંભ વખતે વોશિંગ્ટનમાં વિરોધ-પ્રદર્શનો યોજવા ૩૦ સમૂહે તો કાયદેસર મંજૂરી મેળવી હતી. આ ઉપરાંત બોસ્ટનથી માંડીને લોસ એન્જલસ સુધીના શહેરોમાં વિરોધી તેમજ સમર્થકો એમ બન્ને પક્ષકારો દ્વારા દેખાવો થવાના હતા.
પ્રિયંકાનું સમર્થન
બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ વોશિંગ્ટન ડીસીમાં આયોજિત વુમન્સ માર્ચને પોતાનું સમર્થન આપ્યું હતું. આ માર્ચ ટ્રમ્પના શપથગ્રહણ સમારંભ પછીના દિવસે યોજાઈ હતી. ૩૪ વર્ષીય અભિનેત્રી જોકે શૂટિંગમાં વ્યસ્ત હોવાથી દેખાવોમાં સામેલ થઈ શકી નહોતી. તેણે ટ્વીટર પર આ વુમન્સ માર્ચને સમર્થન આપ્યું હતું. તેણે લખ્યું હતું, ‘મને મારી બહેનો પર ખૂબ ગૌરવ છે, જેઓ વુમન્સ માર્ચમાં સામેલ છે. મને અફસોસ છે કે હું તેમાં જોડાઇ શકી નહીં.’ પ્રિયંકા હાલ લોસ એન્જલસમાં ‘બેવોચ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

