વોશિંગ્ટનઃ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વચન અનુસાર પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળતા જ ‘ઓબામાકેર’ સંબંધિત જોગવાઈઓ બંધ કરી છે. તેમણે શપથ લીધા બાદ તુરંત ઓવલ ઓફિસમાં પહોંચીને આ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે યોજનાના બદલે અન્ય યોજના લાવવાનું વચન આપ્યું હતું. હવે તેઓ તમામ લોકો માટે ‘હેલ્થ કેર એક્ટ’ લાગુ કરે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે ‘ઓબામાકેર’ યોજનાનો લાભ એવા બે કરોડ લોકોને મળતો હતો જેમની પાસે મેડિકલ ઇન્સ્યોરન્સ નથી. વ્હાઈટ હાઉસની વેબસાઈટ પર લખાયું હતું કે નવું તંત્ર ‘ક્લાઈમેટ એક્શન પ્લાન’ પણ ખતમ કરશે. ટ્રમ્પનું વહિવટી તંત્ર ઓબામાની તમામ યોજનાની સમીક્ષા કરશે. રિપબ્લિકન પાર્ટી પહેલાથી હેલ્થકેરના વિરોધમાં હતી.
‘પત્રકારો સૌથી અપ્રમાણિક’
સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન મીડિયાને ખોટું ગણાવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદ સંભાળ્યા બાદ મીડિયા સામે નવેસરથી જંગ છેડ્યો છે. પ્રમુખ બન્યાના બીજા જ દિવસે તેમણે કહ્યું, ‘પત્રકાર ધરતીના સૌથી અપ્રમાણિક માનવી છે. મીડિયા સાથે મારો જંગ ચાલી રહ્યો છે.’ ટ્રમ્પે કહ્યું હતું કે મીડિયા દ્વારા શપથગ્રહણમાં આવનારા લોકોની સંખ્યા ઘણી ઓછી દર્શાવાઇ રહી છે. ખોટી તુલના કરી રહી છે. ભવિષ્યમાં જો તે ખોટો રિપોર્ટ આપશે તો તેણે તેના પરિણામ ભોગવવા પડશે.’
પહેલા દિવસે બરાક ઓબામાએ લાગુ કરેલા પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યા બાદ બીજો દિવસ તેમણે ઓફિસમાં જ વીતાવ્યો હતો. તેઓ સીઆઇએની ઓફિસમાં ગયા હતા. ત્યાં તેમણે કહ્યું કે મીડિયા કહે છે કે મારે સીઆઇએ સાથે મનમેળ નથી. તેથી મેં સૌથી પહેલા અહીં આવવાનો નિર્ણય લીધો છે. હવે તમે જ કહો કે શું આ સત્ય છે? આ સાંભળીને ત્યાં હાજર રહેલા લોકો હસી પડ્યા હતા.

