બોલિવૂડમાં ચર્ચામાં રહેતી અને હોલિવૂડમાં પણ પદાર્પણ કરી ચૂકેલી હિરોઈન પ્રિયંકા ચોપરાને ‘ક્વોન્ટિકો’માં તેના દમદાર રોલ માટે પીપલ્સ ચોઇસ એવોર્ડ્ઝમાં ફેવરિટ ડ્રામેટિક ટીવી એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. પ્રિયંકાએ બીજી વખત પીપલ્સ ચોઇસ એવોર્ડ જીત્યો છે. તેને ‘ક્વોન્ટિકો’માં જ તેના રોલ માટે ગયા વર્ષે ફેવરિટ એક્ટ્રેસ ઇન અ ન્યૂ ટીવી સિરીઝ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. તેણે આ એવોર્ડ માટે એલેન પોમ્પપેઓ, કેરી વોશિંગ્ટન અને વિઓલા ડેવિસ જેવી પોપ્યુલર ટીવી એક્ટ્રેસિસને બીટ કરી છે.
એવોર્ડ મેળવ્યા પછી પ્રિયંકાએ કહ્યું હતું કે, ‘મારી જર્ની અવર્ણનીય રહી છે. આજે મારી સાથે જે મહિલાઓનું નોમિનેશન્સ હતું, તેમના કારણે જ તો હું ઇંગ્લિશ ટીવીની દુનિયામાં આવી. તેમના કારણે જ હું એક્ટર બનવા ઇચ્છતી હતી. મારા શોને પસંદ કરનારા તમામ લોકોને થેંક યુ.’
એલેન ડિજેનર્સે ૧૮ જાન્યુઆરીએ રાત્રે ત્રણ ટ્રોફીઝ જીતીને પીપલ્સ ચોઇસ એવોર્ડ્ઝ ખાતે ઇતિહાસ રચ્યો હતો. તેનો અત્યાર સુધીમાં ૨૦ પીપલ્સ ચોઇસ એવોર્ડ્ઝ જીતવાનો રેકોર્ડ છે.

