આપણું મોં આપણા શરીરનું દ્વાર છે. ઘરનું દ્વાર જેટલું મજબૂત હોય એટલી જ એ ઘરની સુરક્ષા વ્યવસ્થિત બની રહે છે. આ જ પ્રમાણે ઓરલ હાઇજીનનું આપણે જેટલું વધુ ધ્યાન રાખીએ એટલું જ આપણું શરીર હેલ્ધી રહી શકે છે. ઓરલ હાઇજીનમાં દાંતની અને જીભની સફાઈ મુખ્ય રહે છે. આ સિવાય કોગળા કરવા પણ એટલા જ જરૂરી છે. વળી દાંતમાં સડો થાય, પેઢાં નબળાં થાય, મોઢામાં ચાંદાં પડે કે કોઈ પણ તકલીફ થાય તો એ તકલીફને અવગણવી નહીં; કારણ કે દરેક નાની તકલીફ એક મોટી તકલીફને આવકારી શકે છે એ વાત ઓરલ હાઇજીનમાં મુખ્યત્વે સમજવા જેવી છે.
ઓરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો લોકોને લાગે છે કે એ ફક્ત મોઢાની જ તકલીફ છે, પરંતુ હકીકતમાં મોઢામાં થયેલું ઇન્ફેક્શન આખા શરીરમાંથી કોઈ પણ અંગને પણ અસર પહોંચાડી શકે છે અને કેટલાક કેસમાં ઘાતક પણ બની શકે છે.
પ્લાકથી થાય છે શરૂઆત
આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ ત્યારે આપણા દાંત પર એક આવરણ આવી જાય છે જે બેક્ટેરિયાનું આવરણ હોય છે, જેને પ્લાક કહે છે. આ વિશે સમજાવતાં ડેન્ટિસ્ટ કહે છે કે પ્લાક એક ચીકણું આવરણ છે જેમાં રહેલા બેક્ટેરિયા એસિડ બનાવવાનું કામ કરે છે. ખાસ કરીને ગળ્યા પદાર્થોને કારણે આપણા દાંતો પર પ્લાક આવી જાય છે. આ સિવાય સ્ટાર્ચયુક્ત પદાર્થો જેમ કે બટાટા કે બ્રેડ ખાવાથી પણ પ્લાક જલદી બને છે અને આ પ્લાક એસિડની સાથે-સાથે પેઢાંને ઇરિટેટ કરતા પદાર્થનું પણ નિર્માણ કરે છે. આથી પેઢાં લાલ થઈ જાય છે, સેન્સિટિવ બને છે અને એમાંથી બ્લીડિંગ થાય છે. એને લીધે પેઢાંના રોગો થઈ શકે છે.
ઓરલ ઇન્ફેક્શન
કોઈ પણ કારણોસર જ્યારે પેઢાં નબળાં પડે છે ત્યારે બનતી ઘટના વિશે સમજાવતાં ઓર્થોડોન્ટિસ્ટ કહે છે કે પેઢાં જ્યારે એની જગ્યાએથી હલવા લાગે છે ત્યારે ત્યાં થોડી જગ્યા થાય છે, જેમાં બેક્ટેરિયાનો ગ્રોથ થાય છે અને એ ગ્રોથને કારણે એમાં પસ ભરાઈ જાય છે, લોહી નીકળે છે. પેઢાં નબળા પડતાં દાંત એની મેળે પડી જાય છે અથવા હલવા લાગે છે. આમ ફરજિયાત એને પાડવો જ પડે છે. પ્લાકથી શરૂ થયેલી આ સમસ્યામાં જો પ્લાક જ ન હોય તો કોઈ સમસ્યા જ ન રહે.
પ્લાકને દૂર કરવાનો એક સામાન્ય રસ્તો છે દિવસમાં બે વાર બ્રશ કરવાનો. બ્રશ રેગ્યુલર ન કરવાથી પ્લાક દાંત પરની છારીનું રૂપ લે છે અને આ છારી દાંતને નબળો બનાવે છે. આ સિવાય બ્રશ ન કરવાથી દાંતમાં સડો થઈ શકે છે જે પણ દાંતમાં બેક્ટેરિયા કે વાઇરસને નિમંત્રણ આપે છે. મોઢામાં કોઈ પણ કારણોસર થયેલું ઇન્ફેક્શન શરીરમાં ફેલાય છે અને બીજાં અંગોને અસર કરે છે. એ કઈ રીતે થાય છે એ જાણીએ.
લોહી દ્વારા ફેલાય
ઓરલ ઇન્ફેક્શન થકી બીજાં અંગોમાં જે ઇન્ફેક્શન જાય છે એમાં સૌથી ગંભીર પ્રકાર છે લોહી દ્વારા ફેલાતું ઇન્ફેક્શન. પેઢાંમાં કે ગલોફામાં જ્યારે કોઈ જાતનું ઇન્ફેક્શન થાય છે ત્યારે લોહી વહેવા માંડે છે. આ ખુલ્લા ઘાવ દ્વારા મોઢામાં રહેલા બેક્ટેરિયા લોહીમાં ભળે છે અને આ લોહીમાં ભળેલા બેક્ટેરિયામાં પણ બે પ્રકાર છેઃ ઝેરી બેક્ટેરિયા અને સાદા બેક્ટેરિયા. આ બેક્ટેરિયા લોહી દ્વારા સમગ્ર શરીરમાં ફેલાઈ શકે છે અને કોઈ પણ અંગને ઇન્ફેક્શન લગાડી શકે છે. ઘણી વાર કોઈ અંગ પહેલેથી જ ડેમેજ હોય છે તો આ બેક્ટેરિયા એ અંગને વધુ નુકસાન પહોંચાડી શકે છે. આ રીતે ઇન્ફેક્શન લિવર, કિડની, હાર્ટ, બ્રેઇન એમ કોઈ પણ અંગમાં ફેલાઈ શકે છે અને એ અંગને નુકસાન પહોંચાડી શકે છે.
ધમનીમાં ક્લોટ
પેરિડોન્ટલ ડિસીઝ એટલે કે પેઢાં સંબંધિત બીમારીઓને કારણે કાર્ડિયોવેસ્ક્યુલર પ્રોબ્લેમ્સ ઉદ્ભવી શકે છે. ઘણાં રિસર્ચ પણ સાબિત કરી ચૂક્યાં છે કે મોઢામાંના અમુક બેક્ટેરિયા લોહીમાંના પ્લેટલેટ્સની સંખ્યાને વધારે છે. લોહીમાં જ્યારે પ્લેટલેટ્સ વધે ત્યારે લોહીમાં ગાંઠો ઉદ્ભવે છે. આ ગાંઠો હૃદયમાંથી શરીર તરફ શુદ્ધ લોહી લઈ જતી ધમનીમાં ઉદ્ભવે ત્યારે એ હૃદય માટે પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે છે, જેને લીધે બ્લડ-પ્રેશર વધે અને અટેક આવવાની સંભાવનાઓ પણ વધી શકે છે. આમ મોઢાનું સામાન્ય લાગતું ઇન્ફેક્શન હૃદયને ડેમેજ કરવાની ક્ષમતા ધરાવે છે.
પેટ અને ફેફસાંનું ઇન્ફેક્શન
મોઢામાંથી કોઈ પણ ખોરાક સીધો આંતરડામાં જાય છે. ખોરાક સાથે અન્નનળી વાટે મોઢામાં રહેલા બેક્ટેરિયા કે વાઇરસ સીધા પેટમાં પહોંચી જાય છે. જો વ્યક્તિની ઇમ્યુનિટી નબળી હોય તો એવી વ્યક્તિને કોઈ પણ પ્રકારનું પેટનું ઇન્ફેક્શન થઈ શકે છે. અલબત્ત, આંતરડામાં એસિડ હોય છે જે બિનજરૂરી બેક્ટેરિયાને મારવા માટે ઉપયોગી પરિબળ છે. ઓરલ ઇન્ફેક્શનને કારણે પેટનું ઇન્ફેક્શન થઈ શકે છે, પરંતુ એ ખાસ કરીને એવા લોકોને જ થાય છે જેમની ઇમ્યુનિટી ખૂબ જ નબળી હોય. બાકી હેલ્ધી લોકોમાં આંતરડામાં રહેલો એસિડ એ બેક્ટેરિયાને આગળ વધવા દેતો નથી. ક્યારેક આ લોકોને એસિડ રીફ્લક્સની સમસ્યા સતાવે છે, પરંતુ એ બીજા ઇન્ફેક્શન જેવી ગંભીર નથી. મોઢા સાથે ફેફસાંનો માર્ગ પણ જોડાયેલો છે. વળી શ્વાસ આપણે નાક અને મોઢા બન્ને મારફત લઈએ છીએ. જ્યારે મોઢામાં ઇન્ફેક્શન થયું હોય અને એ મોઢા મારફત જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે એ ઇન્ફેક્શનના બેક્ટેરિયા શ્વાસ સાથે ફેફસામાં પ્રવેશે છે અને શ્વસનમાર્ગના કે ફેફસાંના ઇન્ફેક્શન માટે કારણભૂત બને છે.
એન્ડોકાર્ડાઇટિસ
એન્ડોકાર્ડાઇટિસ હૃદયની અંદરની લાઇનિંગમાં ઉદ્ભવતું ઇન્ફેક્શન છે. આ ઇન્ફેક્શનમાં મોઢામાંથી લોહીમાં ભળીને બેક્ટેરિયા હૃદય સુધી પહોંચે છે અને હૃદયના અંદરના ભાગમાં કોઈ પણ ડેમેજ્ડ ભાગને અસર કરવાનું શરૂ કરે છે. ખાસ કરીને હૃદયનો વાલ્વ જો ડેમેજ્ડ હોય તો તરત જ ત્યાં ઇન્ફેક્શન શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયા હૃદયના વાલ્વને ખરાબ કરી નાખે છે જે પરિસ્થિતિ વ્યક્તિ માટે ઘાતક સાબિત થઈ શકે છે. આ રોગમાં ખાસ સમજવા જેવી બાબત એ છે કે લોહીમાં ભળેલા બેક્ટેરિયા જેમનું હાર્ટ હેલ્ધી છે એવા લોકોને મોટા ભાગે અસર કરતા નથી, પરંતુ જેમના હાર્ટમાં થોડો પણ પ્રોબ્લેમ હોય જેમ કે હૃદયના વાલ્વમાં તકલીફ હોય કે હાર્ટની બીજી કોઈ પણ તકલીફ હોય તો એવા લોકોને તરત જ અસર કરી શકે છે.

