વોશિંગ્ટનમાં આવેલા અને યુનાઈટેડ સ્ટેટ કેપિટોલ તરીકે ઓળખાતા વિશાળ બિલ્ડિંગના આંગણાંમાં ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લીધા. આ બિલ્ડિંગ તેની ઉપર આવેલા કદાવર ડોમના કારણે જગવિખ્યાત છે. દૂરથી સિમેન્ટ-પથ્થર- કોંક્રીટનો બનેલો લાગતો એ ગુંબજ ખરેખર તો લોખંડનું માળખું છે! કેપિટોલ બિલ્ડિંગ એ અમેરિકાનું સંસદભવન છે, જ્યાં કોંગ્રેસમેનો બિરાજે છે. તેના આંગણામાં જ થોમસ જેફરસનના વખતથી એટલે કે ૧૮૦૦ની સાલથી પ્રમુખની શપથવિધિ યોજાય છે. મૂળ ઇમારત ૧૮૦૦ની સાલમાં તૈયાર થઇ હતી અને પછી તેમાં જરૂર પ્રમાણે સુધારાવધારા અને વિસ્તરણ થતું ગયું છે. આ ભવ્ય ઇમારત અને શપથવિધિ સંકળાયેલી કેટલીક રસપ્રદ માહિતી...
• કેપિટોલ બિલ્ડિંગમાં ૫૪૦ ખંડ છે અને ૬૫૮ બારીઓ છે. એમાંથી ૧૦૮ બારી માત્ર ડોમ એટલે કે ઉપર દેખાતા ગુંબજમાં છે. મૂળ બિલ્ડિંગ બની ગયા પછી ડોમનું બાંધકામ ૧૮૫૫થી ૧૮૬૬ વચ્ચે કરવામાં આવ્યું હતું. આ ઇમારત સંસદભવન હોવાથી તેની જાળવણી માટે આર્કિટેક્ટ ઓફ કેપિટલ નામની સમિતિ રાખવામાં આવી છે, જેનું કામ કાયમી ધોરણે ઇમારતની જાળવણી કરવાનું છે. એ ગુંબજની ઊંચાઈ ૧૮૦ ફીટ અને વ્યાસ ૯૬ ફીટ જેટલો છે.
• ભારતના સંસદભવનની માફક અહીં પણ મુલાકાતીઓ માટેની ગેલેરી છે, જ્યાં બેસીને સંસદની કાર્યવાહી નિહાળી શકાય છે. અલબત્ત, એ કામગીરી ભારતની સંસદ કરતાં પણ પહેલાથી ચાલતી રહી છે.
• ૧૮૦૦ની સાલ પહેલા અમેરિકાનું પાટનગર વોશિંગ્ટન નહીં, ફિલાડેલ્ફિયા હતું. ૧૮૦૦માં આ ઇમારત તૈયાર થતાં સંસદ ત્યાં ખસેડાઈ હતી. ૧૮૧૪માં બ્રિટિશ સૈનિકોએ વ્હાઈટ હાઉસ સાથે આ મકાનને પણ આગ ચાંપી દીધી હતી. આ પછી તેનું સમારકામ કરવામાં આવ્યુ હતું. હવે નિયમિત રીતે રિપેરિંગ કામ થતું રહે છે.
• ૧૮૯૦થી ૧૯૦૦ની સાલ દરમિયાન સમગ્ર ઇમારતને ઈલેક્ટ્રિક લાઈટો ગોઠવીને રોશનીથી સજાવવામાં આવી છે.
• અમેરિકાની જગવિખ્યાત લાયબ્રેરી ઓફ કોંગ્રેસ પણ આ કેપિટોલ બિલ્ડિંગમાં જ છે.
• ડોમની અંદર બીજો ડોમ એ પ્રકારે કુલ બે ગુંબજ છે. એ બનાવવા માટે દોઢ સદી પહેલા ૧૦ લાખ ડોલર કરતા વધારે ખર્ચ થયો હતો. તેમાં કુલ મળીને ૪૦.૪૧ લાખ કિલોગ્રામ લોખંડ વપરાયું છે.
• કેપિટોલ બિલ્ડિંગના નિર્માણ વખતે ત્રીજા પ્રમુખ થોમસ જેફરસને ડિઝાઈન સ્પર્ધા યોજી હતી. તેમાંથી પસંદ થયેલી ડિઝાઈન પરથી આ મકાન બનાવ્યું હતું. વિજેતાને ૫૦૦ ડોલરનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું, આજથી ૨૦૦ વર્ષ પહેલાં.
• કદાવર ઇમારતમાં અવરજવર કરવા માટે અંદર સબ-વે પણ છે.
• શપથવિધિના દિવસે સમગ્ર અમેરિકામાં રજા હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જોકે શપથવિધિનું સ્થળ સલામતીના કારણોસર બદલવું પડયું હતું. શપથવિધિ અંગેના એ બધા નિર્ણયો અમેરિકાની જોઈન્ટ કોંગ્રેસનલ કમિટિ ઓફ ઈનોગ્યુરલ સેરેમની દ્વારા લેવાતા હોય છે.
એક આગવી પરંપરા
સન ૧૯૩૭થી એવી પરંપરા રહી છે કે અમેરિકી પ્રમુખ ૨૦મી જાન્યુઆરીએ જ શપથ લે. અલબત્ત, જો આ દિવસે રવિવાર આવતો હોય તો એ વર્ષ પૂરતી વિધિ સોમવારે યોજાય. જેમ કે, ૨૦૧૩માં બરાક ઓબામાનો બીજી મુદત માટેનો શપથવિધિ સમારોહ ૨૧ જાન્યુઆરીના રોજ યોજાયો હતો. અમેરિકી પ્રમુખની ટર્મ શરૂ અને પૂરી કરવા અંગેના સુધારા બંધારણના ૨૦મા સુધારામાં દર્શાવામાં આવ્યા છે. આ ૨૦નો આંકડો જાળવી રાખવા માટે શપથગ્રહણ સમારોહ યોજવા ૨૦મી તારીખ પસંદ કરવામાં આવી છે.
આ પૂર્વે ૪ માર્ચની તારીખ પ્રમુખ પદના શપથ માટે નક્કી હતી, કેમ કે ૧૭૮૯ની ચોથી માર્ચે અમેરિકાનું બંધારણ અમલમાં આવ્યું હતું. અલબત્ત, પ્રથમ પ્રમુખ તરીકે જ્યોર્જ વોશિંગ્ટને ૩૦ એપ્રિલ, ૧૭૮૯ના રોજ ન્યૂ યોર્કના ફેડરલ હોલની બાલ્કનીમાં શપથ લીધા હતા.

