મુંબઈઃ વિશ્વની સૌથી સ્થૂળ મહિલા ઈમાન અહેમદ અબ્દુલાતી હાલમાં ઇજિપ્તમાં રહે છે. તેના માટે શહેરમાં ચર્ની રોડ સ્થિત સૈફી હોસ્પિટલ વિશેષ સુવિધા બાંધી રહી છે. ૫૦૦ કિલો વજન ધરાવતી ઈમાનની બેરિએટ્રિક સર્જરી માટે આ સુવિધા ઊભી કરાઈ રહી છે. ૩,૦૦૦ ચોરસ ફૂટની આ સુવિધા હોસ્પિટલની મુખ્ય પાંખની પાછળ ભોંયતળિયે ઊભી થઈ રહી છે જેમાં ઓપરેશન થિયેટર, ડોક્ટર્સ અને અટેન્ડન્ટ્સના રૂમ, બે રેસ્ટરૂમ તથા વીડિયો કોન્ફરન્સિંગ રૂમ હશે.
એક બિછાનાની હોસ્પિટલ તરીકે વર્ણવી શકાય એવી સુવિધા માટે હોસ્પિટલ લગભગ રૂ. બે કરોડ ખર્ચી રહી છે. ઈમાનનું વજન તથા શરીરના કદને ધ્યાનમાં રાખીને અહીં બધું તૈયાર કરાઈ રહ્યું છે. જેમાં વધુ પહોળા દરવાજા તથા ૭ બાય ૭ ફૂટના બિછાનાનો સમાવેશ થાય છે. સૈફી હોસ્પિટલના બેરિએટ્રિક સર્જન ડો. મુફફઝલ લાકડાવાલાની આગેવાનીમાં ડોક્ટર્સની એક ટીમ ઈમાનની શસ્રક્રિયામાં સામેલ હશે તથા ઓપરેશન બાદ તેની ચોવીસે કલાક કાળજી રાખશે.
સુષમા સ્વરાજનું સહાય પૂરી પાડવાનું વચન
ઈમાનની હાલત વિશે ડો. લાકડાવાલાએ ટ્વિટ કરવાને પગલે તેને મુંબઈ લાવવા ભંડોળ ઊભું કરવા ઓનલાઇન અભિયાન શરૂ થયું છે. ડો. લાકડાવાલાની ટ્વિટના જવાબમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ઈમાનને ભારત લાવવામાં તમામ સહાય કરવાનું વચન આપ્યું છે. જેથી ઈમાનના પરિવારે એક રૂપિયો ખર્ચવો નહીં પડે. જોકે ઈમનાના ભારત આગમનની તારીખ હજી નક્કી નથી.
એર એમ્બ્યુલન્સ-એરલાઈનો સાથે વાટાઘાટ
ઈમાનને મુંબઈ લાવવા માટે ડો. લાકડાવાલા એર-એમ્બ્યુલન્સ તથા કર્મિશયલ એરલાઈન્સની સાથે વાટાઘાટો કરી રહ્યા છે. ઈમાનને લઈ આવનારા વિમાનમાં બેઠકોને નવેસરથી ગોઠવવી પડશે. ઈમાનની બહેન શાયમા તેનું ધ્યાન રાખે છે. સારવારની સંભાવના વિશે ડો. લાકડાવાલાનો શાયમાએ જ ગત ઓકટોબરમાં સંપર્ક કર્યો હતો.

