યુરાલની પર્વતમાળાને ગાઢ ધુમ્મસે ઢાંકી દીધી હતી. દિવસનો સુરજ પણ સા-વ નિષ્ફળ!
ચંદ્ર બોઝ વિચારી રહ્યાઃ રશિયન સરકાર હવે શું કરશે તેની કશી જ જાણ નથી. શિદેઈ પણ નિરાશ છે અને તેને લાગે છે કે સ્તાલિન થોડા સમય માટે ઇંગ્લેન્ડ-અમેરિકા સાથેના વ્યવહાર પૂરતો ઉપયોગ કરી દીધા પછી...
એ આગળ બોલી શક્યો નહોતો પણ તેનો બિહામણો અર્થ હતો કે આ ગુલાગમાં જ છેલ્લા શ્વાસ લેવા પડશે અથવા તો કોઈ એક દિવસે રશિયન લશ્કરી અફસર આવીને ઠાર કરશે.
દુનિયા તેના અંદાજમાં આગળ વધતી હશે અને અહીં એક જિંદગીને ગૂપચૂપ સમાપ્ત કરી દેવાશે... દિલ્હીને ય તેની ખબર નહીં પડે અથવા તો મોડેથી જાણ થશે તો પણ તેના રાજકીય નેતૃત્વે ચુપકીદી ધારણ કરી લીધી હશે.
‘અનિશ્ચિત ભવિષ્યની યાત્રા...’ ચંદ્ર બોઝના હોઠ પર શિદેઈના જ શબ્દો આવી ગયા, અને હાથમાં રહેલા પત્ર તરફ તેમણે દૃષ્ટિ કરી. આજે રાતભર તે બધા સપનામાં આવ્યા હતા, મોટા ભાઈ મેજદા, વત્સલભાભી, દિલીપકુમાર રાય અને પ્રિય એમિલી શેન્કલ...
એમિલી સાથેનાં લગ્નની જાણ કરતો, મોટા ભાઈને લખેલો પત્ર પણ કેવા વિસ્ફોટક સંજોગોનો પ્રતિનિધિ હતો? જર્મનીથી જાપાનની સફર, તે ય એક સબમરીનમાં જેની આસપાસ આકાશમાં દુશ્મને દેશોનાં યુદ્ધ-જહાજો ફરતાં હોય અને બોમ્બમારાથી ભસ્મીભૂત કરી નાખવાની રાહ જોતાં હોય!
૮ ફેબ્રુઆરી ૧૯૪૩ બર્લિનથી વિદાય અને કીલ બંદરગાહે પહોંચીને આ દીર્ઘ દુઃસાહસિક સમુદ્ર સફર. કાં તો સુભાષ નષ્ટ થઈ જશે અથવા જાપાન પહોંચશે! બે જ વિકલ્પો. એમિલી - પ્રિય પત્ની - માંડ ત્રણ માસની પુત્રી રત્ન અનિતાને સાથે લીધા વિના - વિયેનાથી મળવા આવી હતી. ભવિષ્યની કોઈ જ ખબર નહોતી બન્નેને. વિશ્વના ફલક પર હવે ક્યારેય ફરી વાર મળશે તેની કોઈ ખાતરી નહોતી. અનિતા જન્મી હતી ૨૯ નવેમ્બર, ૧૯૪૨. સુભાષ-એમીલીનાં, થોડાક સાથીદારોની ઉપસ્થિતિમાં લગ્ન થયા હતાં. ઓસ્ટ્રિયામાં સાલ્ઝબર્ગ નગરની નજીક આવેલાં બેડગેસ્ટિનમાં એકબીજાના હાથ અને હૃદય મળ્યાં. બર્લિનથી ‘આઝાદ હિન્દ’ પત્ર પ્રકાશિત કરી રહેલા શ્રીમાન ભાટિયાએ બ્રાહ્મણ પુરોહિતની કામગીરી બજાવી. વિદેશભૂમિ પર સ્વદેશી પંખીનો પરિણય! એમિલીના ભાગ્યમાં ‘ક્રાંતિકારની પ્રિયતમા’ બનવાની એ ઘડી!
પણ સુભાષ માટે તો ‘દેશ સર્વપ્રથમ, ભૌતિક-દૈહિક સુવિધા તે પછી...’ આવું એમિલીને તેમણે કહ્યું પણ હતું અને આ ઓસ્ટ્રિયન યુવતીને તે સંપૂર્ણ માન્ય હતું, એટલે તો મહા-વિકટ યાત્રામાં હસતા ચહેરે તે શુભેચ્છા અને હિંમત આપવા બર્લિન આવી. તેને તો સમુદ્રતટે કિલ બંદરગાહેથી જહાજમાં જતા પ્રિયતમને નિહાળવો હતો, પણ વિશ્વયુદ્ધના વાદળાં વચ્ચે, સુરક્ષાની દૃષ્ટિએ એ શક્ય નહોતું.
સુભાષે તેને એક પત્ર આપ્યો. મોટા ભાઈ શરતચંદ્રને સંબોધીને તે લખ્યો હતો, તેમાં પણ પરિવારને પહેલી વાર જાણ કરી કે અહીં - બોઝ પરિવારની પુત્રવધૂ અને કન્યારત્ન-ઉમેરાયાં છે!
લખ્યું તેમણેઃ
આદરણીય મેજદાદા,
હું ફરી એક વાર ખૂબ જ જોખમી સફરે નીકળી રહ્યો છું, આ યાત્રાની દિશા પણ માતૃભૂમિ તરફની છે! કદાચ, યાત્રાનો અંત નિહાળવા હું જીવિત નહીં રહું, રસ્તામાં જ સર્વનાશનો કોળિયો બની જઉં તો ફરી વાર આ જિંદગીમાં તમારી સાથે પત્રવ્યવહાર નહીં કરી શકું! એટલે આ સમાચારો અહીં (બર્લિન) છોડી જઉં છું તે સમયસર તમને મળી જશે.
મેં અહીં વિવાહ કર્યા છે અને મારી એક કન્યા પણ છે. મારી અનુપસ્થિતિમાં પત્ની એમિલી અને પુત્રી અનિતા પર આપ સ્નેહવર્ષા કરતા રહો, જેવી મારા પર કરી છે. સર્વશક્તિમાન પરમેશ્વરને મારી પ્રાર્થના છે કે પત્ની-પુત્રી મારું અધૂરું કાર્ય પૂરું કરે. તેમાં તેને સફળતા અને સિદ્ધિ મળે.
મા, મેજબાઉ દીદી, સર્વ સહિત આપને શ્રદ્ધાપૂર્વકના પ્રણામ.
તમારો પ્રિયબાંધવ,
સુભાષ.
રશિયન ભૂમિ પર ચંદ્ર બોઝની નજર સમક્ષ - અગ્નિજવાળામાં ખીલેલાં પીળાં પલાશ-ની એકેક પાંખડી તેની રમ્ય - ભવ્ય - સંવેદના સાથેની કથા સંભળાવી રહી...
૧૯૩૪.
યુરોપની યાત્રાએ નીકળ્યા હતા સુભાષ. ભારતના અંતરાત્માની વૈશ્વિક પહેચાન માટેની જ આ યાત્રા હતી જાણે!
દેશબંધુ ચિત્તરંજનદાસનું રાજકીય ગુરુપદ, સ્વામી વિવેકાનંદના વાણીટંકારની પ્રેરણા, બંગાળમાં ક્રાંતિયુવકોનાં બલિદાનો, ગાંધીજી સાથેની દ્વિધાયુક્ત મુલાકાત, ૧૯૩૦માં સંપૂર્ણ સ્વાધીનતાનું એલાન, સરદાર ભગતસિંહ - રાજગુરુ - સુખદેવને મળેલી ફાંસી, માંડલે કેન્દ્રીય કારાગારમાં અહર્નિશ રાષ્ટ્રચિંતન, માંડલેથી મદ્રાસ જેલમાં સ્થળાંતર, શારીરિક નબળાઈની વચ્ચે ‘ધ ઇન્ડિયન સ્ટ્રગલ’ પુસ્તકનો તૈયાર કરેલો મુસદ્દો, મિત્ર દિલીપકુમાર રાયને જીવન અને અધ્યાત્મ વિશેના પત્રો, ભોવાલી સેનેટોરિયમમાં સ્થળાંતર અને ત્યાંથી એસ. એસ. ગંગા જહાજમાં યુરોપ તરફ પ્રયાણ...
કેવું હતું એ સમયનું યુરોપ? સુભાષે તેનું ઊંડાણથી નિરીક્ષણ કર્યું. ૧૩ ફેબ્રુઆરી, ૧૯૩૩થી વિદેશભ્રમણનો યોગ શરૂ થઈ ગયો હતો. ઓસ્ટ્રિયાની સરહદપાર ન જવું એવો બ્રિટિશ આદેશ હતો. વિયેનામાં તેમનું સ્વાસ્થ્ય સુધરતું ગયું. અહીં જ મળ્યા વીર વિઠ્ઠલભાઈ પટેલ અને વિદ્વાન સર્જક રોમા રોલાં. ‘ઓસ્ટ્રિયન - ઇન્ડિયન સોસાયટી’માં અનેકોને મળવાનું થયું. સૌને પ્રથમ સવાલ કર્યોઃ ભારતની સ્વાધીનતા માટે તમે શું વિચારો છો? અને તમારો દેશ?’ ચેકોસ્લોવેકિયાના કોન્સલ જનરલ પણ મળ્યા. પ્રાગની ઐતિહાસિક ભૂમિને નિહાળી. ચેકોસ્લોવેકિયામાં એક સફળ છાત્ર-આંદોલન થયું હતું તે સોકોલ (Sokol)નો અભ્યાસ કર્યો. રવીન્દ્રનાથ ટાગોરના મિત્ર અને વિશ્વ ભારતીના અધ્યાપક પ્રા. લેન્સીની મુલાકાત થઈ. લુબ્કોવિત્ઝ પેલેસમાં યુવા નેતા સુભાષ પહેલી વાર યુરોપ સમક્ષ ભારતમુક્તિ વિશે બોલ્યા.
ત્યાં, યુરોપમાં જ તેમણે સાંભળ્યું કે ગાંધીજીએ અસહકારની લડત પાછી ખેંચી લીધી છે! સુભાષ એ સમયે વિઠ્ઠલભાઈ પટેલને મળ્યા. પટેલ તો ભારે ગુસ્સામાં હતા. નવમી મે, ૧૯૩૩નું સુભાષ - વિઠ્ઠલભાઈનું સંયુક્ત નિવેદન ભારતીય રાજનીતિમાં હાહાકાર પેદા કરી ગયું, ટૂંકાં પણ વેધક નિવેદનમાં સ્પષ્ટ ભાષામાં આ બન્નેએ લખ્યુંઃ
‘We are clearly of opinion that as a political leader Mahatma Gandhi has failed. The time has therefore come for a radical rorganisation of the congress on a new principal and with a new method.’
સ્વરાજ દળના આ છેલ્લા માંધાતાનો છેલ્લો ક્ષીણ પણ દૃઢ અવાજ! વિઠ્ઠલભાઈનું મૃત્યુ થોડા સમય પછી થયું ત્યારે તેમણે વસિયતનામામાં કેટલીક સંપત્તિ ભારતીય મુક્તિસંગ્રામ માટે સુભાષબાબુને આપવાનો નિર્ણય કર્યો.
સુભાષને તે દિવસોમાં લંડન જવાની તો મનાઈ હતી, પણ તેમની અનુપસ્થિતિમાં ‘ભારતીય રાજનીતિ પરિષદ’ યોજાઈ અને તેમનું લિખિત ભાષણ વાંચવામાં આવ્યું! તેમાં કહ્યું તેમણેઃ ‘સત્તરમી સદીમાં ઇંગ્લેન્ડે લોકતંત્રીય શાસન વિષે મહત્ત્વનું પ્રદાન કર્યું હતું. અઢારમી સદીમાં ફ્રાન્સે સ્વતંત્રતા - સમાનતા - બંધુતાનો ભાવ જગાડ્યો. ઓગણીસમી સદીમાં જર્મનીએ માર્કિસયન ફિલસૂફી આપી. વીસમી સદીમાં રશિયાએ ક્રાંતિ સર્જી. હવેની સદી ભારતની છે, સંસ્કૃતિ અને સભ્યતાનાં વિશિષ્ટ પ્રદાનની.’
વોર્સોથી જર્મની અને ૧૯૩૩માં બર્લિન. જર્મન સરકારે તેમનું સરકારી અતિથિગૃહમાં સ્વાગત કર્યું જ્યાં અગાઉ રવીન્દ્રનાથને રાખવામાં આવ્યા હતા. સુભાષનો બીજો મુકામ ગ્રાન્ડ-હોટેલ-એમ-નીમાં રહ્યો. ઇચ્છા તો હતી એડોલ્ફ હિટલરને મળવાની, જેણે આત્મકથા ‘મેન કામ્ફ’માં ભારત વિશે ગલત અભિપ્રાય આપ્યો હતો. જર્મન નેશનલ પાર્ટી કે હિટલરને ભારત વિશે કશું વિચારવાની માનસિકતા નહોતી તે સુભાષ બદલાવવા માગતા હતા. લોથાર ફ્રાંક - સુભાષ મિત્ર જર્મન લેખક-ના પ્રયત્નોથી બીજા કેટલાક જર્મન નેતાઓને મળ્યા પણ ખરા. પરિણામે એ આવ્યું કે જર્મનીમાં ‘ભારતીય દીર્ઘા’નો સળવળાટ શરૂ થઈ ગયો. મ્યુનિખમાં જર્મન અકાદમીના વડા ડો. ફ્રાન્ઝ થેરફેલ્ડર તો તેમના ગાઢ મિત્ર બની ગયા અને જર્મની - ભારત સહયોગનો મુસદ્દો તૈયાર કર્યો. કેટલાક કટ્ટર જર્મન નેતાઓનો તેમણે વિરોધ કર્યો. હિટલર-મિત્ર ગોબેલ્સે ભારત-જર્મની એક સરખી ઊંચાઈની સમાનતા ધરાવે છે એવું નિદેવન પણ કર્યું.
અને, આ મનોમંથનના દિવસોમાં સુભાષને લાગ્યું કે હવે તેણે ભારતીય સ્વતંત્રતા જંગ માટે તેના પૂરાં વિશ્લેષણ સાથે લેખન કરવું જોઈએ.
૧૯૩૩માં વિયેનામાં તેમણે પુસ્તક લખવાનું શરૂ કર્યુંઃ ઇન્ડિયન સ્ટ્રગલઃ ૧૯૨૦-૩૪.
ચેકોસ્લોવેકિયાના કાર્લો વિવેરીમાં તે લેખન આગળ વધાર્યું.
અને ઓસ્ટ્રિયાના બેડ ગેસ્ટનમાં ૧૯૩૪ના દિવસોમાં તે લેખન પૂરું થયું.
આ પુસ્તક નહોતું,
અજંપિત ભારતના આત્માનો રણકાર હતો.
એક યુવા તેજસ્વી દિલોદિમાગનાં સંઘર્ષની ચિંતનગાથા હતી.
૧૯૩૫ના જાન્યુઆરીમાં લંડનના પ્રકાશકે તે પ્રકાશિત કર્યું અને રાજકીય જીવનમાં ખળભળાટ મચી ગયો.
બ્રિટિશ સરકારે તે પુસ્તક પર તત્કાળ પ્રતિબંધ જાહેર કર્યો, પણ ભારતમાં અનેક મહાનુભાવોના હાથમાં આ પુસ્તક પહોંચી ગયું હતું. ઇંગ્લેન્ડનાં તમામ અખબારોએ તે પુસ્તકને ‘ભારતીય રાજનેતાનાં મહત્ત્વનાં પ્રદાન’ તરીકે ગણાવ્યું. એક અખબારે લખ્યું કે દાદાભાઈ નવરોજી વીસમી સદીના પ્રારંભે બ્રિટિશ પાર્લામેન્ટમાં ચૂંટાયા અને ‘ઓન પોવર્ટી’ વિશે જે મહત્ત્વનો ગ્રંથ આપ્યો તે પછીની આ એવી જ વિચારપ્રેરક સામગ્રી હતી.
અહીં જ સુભાષે ઊંડો અભ્યાસ કર્યો દ વેલેરા, લેનિન અને સ્તાલિન, કમાલ અતુર્ક પાસા, એડોલ્ફ હિટલર, બર્નિતો મુસોલિનીની રાજકીય પ્રવૃત્તિ અને વિચારોનો. નિમિત્ત તો એટલું જ કે ભારતીય સ્વાતંત્ર્યસંઘર્ષમાં આ લોકોના કયા વિચારો, કાર્યક્રમો, પદ્ધતિઓ કેવી રીતે કામ લાગે તે માટે ઉમેરાઈ શકે તેમ છે અને કઈ રીતે તેમનું સમર્થન મળી શકે.
કારણ, એ જાણતા હતા કે વિશ્વમાં જેનો સૂર્ય કદી આથમતો નથી તેવા ડાયનેસોર જેવા બ્રિટિશ સામ્રાજ્યવાદની સામે લડવું એકાંગી કે એકાદ રસ્તાથી સફળ બની શકે તેમ નહોતું. ગાંધીજીના આગ્રહો અને નિર્ણયોથી ભારત-સ્વરાજનો સૂર્યોદય જલદી થાય તેવી આસ્થા તેમને નહોતી અને સ્વરાજ તો પહેલું પગથિયું હતું, તે પછીનાં સ્વાધીન ભારતનાં ભવિષ્ય વિશે તેમની અધિક ચિંતા અને ચિંતન આ દિવસોના ભ્રમણમાં રહ્યાં. તેમણે દરેક સમાજના નવનિર્માણના પાયામાં રહેલા પ્રયાસોને સમજવાની કોશિશ કરી. ભવિષ્યે ભારતમાં આયોજનનો મુસદ્દો બનાવવાનો હતો તેની ભૂમિકા આ ભ્રમણ દરમિયાન રચાઈ.
સુભાષ રાષ્ટ્રીય મુક્તિના મોરચે શું થઈ શકે તે તરાસવા ઇટાલી ગયા. એક વાર નહીં, અનેક વાર. અહીં ચાલતાં ભૂગર્ભ આંદોલન કાર્બોનિરી (Carbonieri)નો ગહન અભ્યાસ કર્યો. તેના નેતાઓને મળ્યા. તેના વિચારકો સાથે ગોષ્ઠિ કરી. ઇટાલિયન સમાજને રાષ્ટ્રીય એકતા તરફ દોરી જવાનું કામ આ સંગઠને કર્યું હતું. તે સમયે તેમને બંગાળી ક્રાંતિકારોની ‘અનુશીલન સમિતિ’ અને બીજાં ગુપ્ત સંગઠનોની યાદ તાજી થઈ. આ ઇટાલિયન સંગઠનમાં સર્વોચ્ચ સરકારી અફસરો અને સેનાપતિઓ સામેલ હતા! ઇટાલીના મજબૂત રાજ્યનું નિમિત્ત અને પ્રેરણા આ સંગઠન બન્યું, બીજાં વિશ્વયુદ્ધ પછી તેણે ‘ગોરિલા વોરફેર’માં માળખું બદલાવી નાખ્યું.
સુભાષ-દષ્ટિમાં મેઝિની પણ હતો. તેમને સ્મરણ હતું કે મેક્ઝિમ ગોર્કીએ લંડનના ભારતીય-ગુજરાતી ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માને ‘ભારતના મેઝિની’ ગણાવ્યા હતા. ૧૮૦૫થી ૧૮૭૨ના પોતાનાં સમગ્ર જીવન દરમિયાન તેજસ્વી સૂર્ય બનેલા મેઝિનીના વિચારોને લંડનમાં વિનાયકરાવ સાવરકરે, સાન ફ્રાન્સિસ્કોમાં લાલા હરદયાળે અને યુરોપ-પ્રવાસ દરમિયાન સુભાષે પિછાણ્યા, તેનું યે એક નાનકડું જૂથ હતું - ‘યંગ ઇટાલી’. લંડનમાં ‘અભિનવ ભારત’ અને ભારતમાં ‘નવયુવક સભા’ તેનાં પુનરાવર્તન હતાં, જાણે! ‘રાષ્ટ્રીય આત્માને પ્રખર દૈદિપ્યમાન બનાવવા માટે સંગઠિત અને સમર્પિત યુવાશક્તિની આવશ્યકતા છે’ એમ તેમણે અભિપ્રાય વ્યક્ત કર્યો અને તેમાં સક્રિય બન્યા.
મુસોલિનીને મળવાનું બન્યું ત્યારે કેવો સંવાદ થયો હતો?
‘શું તમે દૃઢતાથી માનો છો સુભાષ, કે ભારત જલદીથી સ્વાધીન થઈ શકશે?’
સુભાષઃ હા. બેશક.
‘તેને માટે હું ક્રાંતિકારી અને પરિવર્તનવાદી પદ્ધતિનો યે આગ્રહી છું.’ તેમણે ઉમેર્યું.
મુસોલિનીના ચહેરા પર ઉત્સાહની રેખાઓ અંકિત થઈ. ઊભા થઈને આ સરમુખત્યારે સુભાષના હાથ ઉષ્માભેર પકડીને કહ્યુંઃ ‘Then indeed you have a chance.’
તેણે પુનઃ સવાલ કર્યોઃ મિ. સુભાષ બોઝ, ક્રાંતિકાર્ય માટે તમે કોઈ યોજના વિચારી છે?
સુભાષ શાંત રહ્યાં.
મુસોલિનીએ ફરી વાર કહ્યુંઃ ‘You must immediately prepare a plan for such a relvolution and you must work continuously for its realisation.’
પોતાના દેશને સ્વાભિમાનના શિખર પર દોરી જવા અથાગ પુરુષાર્થ કરનાર સરમુખત્યાર ભારતના આ માંડ ચાળીસે પહોંચેલા બંગ-નેતાને સમજાવી રહ્યા હતા.
આયર્લેન્ડમાં સુભાષે સ્વાભિમાનનું વાવાઝોડું નિહાળ્યું. ‘સિનફીન’ આંદોલનના ધબકાર અનુભવ્યા. ‘યુનાઇટેડ આઇરિશમેન’ પક્ષના વિચારો સાથે તેમણે સામ્યતા અનુભવી. ‘હોમરુલ’ નહીં, સંપૂર્ણ આઝાદી!
તેમણે ભારતમાં કોંગ્રેસ નેતાઓને જણાવ્યુંઃ યુરોપમાં ભારેલો અગ્નિ છે. વિપ્લવની હવા ક્યારે, ક્યાં ફેલાશે નક્કી નથી. આયર્લેન્ડની આઝાદી માટે છેક જર્મનીમાં પ્રયાસો થઈ રહ્યા છે. આપણે એક પત્રિકા દર મહિને બુલેટિનના સ્વરૂપે અહીં શરૂ કરવી જોઈએ જે ભારતની આઝાદીની માંગ માટે વાતાવરણ સર્જે. (ક્રમશઃ)

