શાહરુખ ખાનની ફિલ્મ ‘રઈસ’ થિયેટર્સમાં આવવાની તૈયારીઓ ચાલે છે. ફિલ્મનો પ્રચાર પણ જોરશોરથી થાય છે, પણ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી માહિરા ખાનને પ્રમોશનથી દૂર રખાતાં માહિરા દુઃખી છે.
ઉરીમાં આતંકી હુમલા બાદ પાક. કલાકારોને ભારતીય ફિલ્મોમાં નહીં લેવાના વિવાદ પછી તે ગાળામાં જે ફિલ્મોનું શૂટિંગ પાક. કલાકારોએ ત્યારે પૂરું કર્યું હોય તે ફિલ્મો તેમનાં સહિત જ દર્શાવવાની પરવાનગી મળી હતી. જોકે આવી ફિલ્મોનાં પ્રમોશનમાં પાક. કલાકારોને સાથે નહીં રાખવાનું નક્કી થયું હતું. આ મુદ્દાના લીધે પાક. અભિનેત્રી માહિરા ખાનને ‘રઈસ’ના પ્રમોશનથી સાવચેતીરૂપે દૂર જ રખાઈ રહી છે. આ બાબતે જોકે માહિરા દુઃખી છે. હાલમાં જ એક પાકિસ્તાની પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે આ બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. ‘રઈસ’થી બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહેલી માહિરાએ જણાવ્યું છે કે, હું બાળપણથી જ ઈચ્છતી હતી કે ફિલ્મની શરૂઆતમાં ઈન્ટ્રોડ્યુસિંગ માહિરા ખાન લખવામાં આવે, પરંતુ પાકિસ્તાનમાં પણ એવું ન થયું. ભારતમાં થશે કે નહીં એ ખબર નહીં. હવે હું શું કરું? જોકે મારાં માતા અને પ્રશંસકોએ આ વાતને અવગણીને આગળ વધવા દિલાસો આપ્યો છે.

