આંખોની નીચેના ડાર્ક સર્કલ દૂર કરવા અજમાવો આ ટિપ્સ

Wednesday 25th October 2017 09:12 EDT
 
 

તમારો ચહેરો સુંદર હોય અને સ્કિન ચમકતી હોય, પણ જો આંખો નીચે કાળા કુંડાળા હોય તો આખા ચહેરાની સુંદરતા ઢંકાઈ જાય છે. હાલમાં માર્કેટમાં આ ડાર્ક સર્કલ દૂર કરવા માટે ક્રીમ અને લોશન ઉપલબ્ધ છે, પણ સ્કિન સ્પેશિયાલિસ્ટને બતાવ્યા વગર તેનો ઉપયોગ કરવો હિતાવહ નથી. જો તમારે તમારા ડાર્ક સર્કલ ઘરેલુ ઉપચારથી દૂર કરવા હોય તો તેના માટે કેટલાક ઘરગથ્થુ નુસખા છે જેનાથી ડાર્ક સર્કલ દૂર કરી શકાય છે. આમ તો આંખો નીચે કુંડાળા થાક, તણાવ, વૃદ્ધત્વ, બીમારી, હેરિડિટરીના લીધે, અપૂરતી ઊંઘ અને વિટામિનની ઉણપના લીધે થઈ શકે છે, પણ આ દરેક તકલીફ પર કેટલાક ઘરેલુ ઉપાય કાબૂ મેળવીને તમને ડાર્ક સર્કલમાંથી મુક્તિ આપી શકે છે.
પાણીનો પ્રયોગ
• રોજ આશરે આઠથી દસ ગ્લાસ પાણી પીવું.
• આ ઉપરાંત રોજ સવારે ઊઠીને હૂંફાળું પાણી પીવું.
• આગલા દિવસે રાત્રે તાંબાના લોટામાં ભરી રાખેલું પાણી સવારે ઊઠીને પીવાથી પણ ફાયદો થાય છે.
• હૂંફાળા પાણીમાં એક ચમચી મધ નાંખીને પીવાથી પણ ફાયદો થાય છે.
આમળાનો ઉપયોગ
• એક કિલો આમળા લેવા. આ આમળામાંથી બી કાઢી નાંખવા. બી સાચવી રાખવા. આમળાનો મિક્સરમાં અર્ક તૈયાર કરવો. રોજ સવારે ઊઠીને હૂંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ અને એક ચમચી આમળાનો અર્ક નાંખી પાણી પી જવું. જેનાથી તમારી સ્કિન ચમકતી રહેશે અને આંખની નીચેના કુંડાળા પણ દૂર થશે.
• આમળાના બીનો ભૂકો બનાવી નાંખવો. આ ભૂકાને એક ચમચી મધ, એક ચમચી ચાણાના લોટ, એક ચમચી મલાઈમાં નાંખવો અને રોજ પાંચ મિનિટ સુધી ડાર્ક સર્કલ પર આ મિશ્રણથી હળવા હાથે મસાજ કરવાથી ડાર્ક સર્કલ દૂર થશે.
કાકડીનો ઉપયોગ
• કાકડીની સ્લાઇસને રોજ સૂતા પહેલાં આંખો પર ૧૫થી ૨૦ મિનિટ સુધી રાખો. એ પછી તેને કાકડીના પતીકા આંખો પરથી હટાવીને ગરમ પાણીથી આંખો ધોઈ લો.
• કાકડીને વચ્ચેથી કાપીને કાકડીનો રસ આંખ નીચે ભિનાશ આપે એ રીતે કાકડીને ગોળ ગોળ ફેરવો. પાંચ મિનિટ સુધી આ પ્રયોગ કરો.
• કાકડીને વાટીને અથવા મિક્સરમાં પીસીને તેનો અર્ક તૈયાર કરો. બે ચમચી કાકડીના અર્કમાં એક ચમચી મધ, એક ચમચી મલાઈ, લીંબુના બેથી ત્રણ ટીપાં નાંખો. આ મિશ્રણથી રોજ કુંડાળા પર આંગળીથી મસાજ કરો.
બટાકાનો ઉપયોગ
• બટાકાના પતીકા દિવસમાં ગમે તે સમયે આંખની ઉપર પાંચથી દસ મિનિટ રાખો.
• એકાદ બટાકાને બરાબર પીસીને તેનો અર્ક તૈયાર કરો. તેટલી જ માત્રામાં કાકડીનો અર્ક તૈયાર કરીને બંનેના અર્કને સરખી માત્રામાં મિક્સ કરો. રૂના ટૂકડાથી આંખની નીચેના ભાગે એ મિશ્રણને લગાવો. એમાંથી રસ સુકાઈ ગયેલો જણાય એ પછી મિશ્રણને આંખો નીચેથી દૂર કરો અને આંખોને હૂંફાળા પાણીથી ધોઈ લો
• બે ચમચી બટાકાના રસમાં બે ચમચી કાકડીનો રસ ભેળવો. એ પછી આ મિશ્રણને બરાબર મિક્સ કરો. રસમાં રૂનાં બે પૂમડાં બોળો અને આ પૂમડાં આંખો પર મૂકો. વીસ મિનિટ સુધી આ પૂમડાંને આંખો પર રહેવા દો.
લીંબુ ટામેટાનો ઉપયોગ
• આંખોની આસપાસના કાળા ભાગ પર લીંબુ અને ટામેટાનો રસ દિવસમાં બે વાર લગાવો. રસ સુકાઈ જાય એટલે આંખો ઠંડા પાણીથી ધોઇ લો.
• લીંબુ, ટામેટાના એક ચમચી રસમાં એક ચમચી મધ મિક્સ કરો. આ મિશ્રણથી આંખોની નીચે પાંચ મિનિટ માલિશ કરો.
બદામ અખરોટનો ઉપયોગ
• સતત બે અઠવાડિયા તમારી આંખો નીચે બદામના તેલની માલિશ કરો. આનાથી અચૂક લાભ મળશે.
• અખરોટની ઉપરના કડક પડનો બારીક ભૂકો કરો. અખરોટનો પણ અડધી ચમચી અર્ક તૈયાર કરો. ભૂકા અને અર્કને અડધી ચમચી મધ અને અડધી ચમચી મલાઈમાં મિક્સ કરો. આ મિશ્રણથી આંખો નીચે પાંચથી સાત મિનિટ માલિશ કરો.


comments powered by Disqus