લંડનઃ દરરોજ એસ્પિરિનની ગોળી ખાવાથી આરોગ્ય સામે જોખમ ઊભું થાય છે એ બધાં લોકો જાણે છે. જોકે તાજેતરનું સંશોધન કહે છે કે આ જોખમ તમે વિચારો છો એના કરતાં ઘણું વધારે છે. અભ્યાસ મુજબ એસ્પિરિનનો ડેઇલી ડોઝ દર વર્ષે ૩૦૦૦ વ્યક્તિનો જીવ લે છે. હાર્ટ એટેકે અને સ્ટ્રોકથી બચવા સામાન્ય રીતે વૃદ્ધો એસ્પિરિનની ગોળીનું સેવન કરે છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકો લોહી પાતળું કરવા એસ્પિરિન લે તો તેમના માટે જીવનું જોખમ ૧૦ ગણુ વધી જાય છે. આ ઉંમરના લોકો જેમને પહેલા અટેક આવી ચૂક્યો છે તેમણે આ ગોળી લેવી જોઈએ, પરંતુ સાથે સાથે બ્લીડિંગનું જોખમ ઘટાડતી દવાનો ઉપયોગ પણ કરવો જોઈએ. ડોક્ટરોની સલાહ વિના ગોળી ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
સંશોધન મુજબ યુકેમાં ૪૦ ટકા વૃદ્ધ રોજ એસ્પિરિનનું સેવન કરે છે. લાસેંટમાં પ્રસિદ્ધ થયેલા અભ્યાસ મુજબ ઉંમર વધવાની સાથે ગોળીના સેવનથી મોતનું જોખમ વધી જાય છે. એસ્પિરિન વર્ષે ૩૦૦૦ વ્યક્તિના મોત અને ૨૦,૦૦૦ વ્યક્તિમાં બ્લીડિંગનું કારણ બને છે.

