વડીલો સહિત સહુ વાચક મિત્રો, નૂતન વર્ષાભિનંદન... ધનતેરસના શુભ દિવસે મેં એક સંદેશો આપના જેવા આત્મીયજનોને મોકલાવ્યો હતો. દીપોત્સવી અંકમાં પણ મેં મારી હાર્દિક શુભકામનાઓ નતમસ્તકે આપ સહુને પાઠવી હતી. ધનતેરસનો મારો આ સંદેશો આપ સહુ સમક્ષ રજૂ કરતાં હું અત્યંત કૃતજ્ઞતા અનુભવું છુંઃ
હું જેમનો ઋણી છું તે સહુને...
પરિવારજનો, સાથીદારો, મિત્રો, વાચકો, સમર્થકો અને શુભેચ્છકો,
આપ સહુને હેપ્પી દિવાલી અને સુખ-સમૃદ્ધિભર્યા નૂતન વર્ષાભિનંદન!
આજે ધનતેરસ છે. પરંપરાગત રીતે આ પર્વે ધન-સંપત્તિના દેવી લક્ષ્મીજીનું પૂજન થાય છે.
હું ત્રણ દેવીઓ લક્ષ્મી, સરસ્વતી અને આદ્યશક્તિની આરાધના કરું છું - જેઓ શક્તિ, જ્ઞાન અને વિદ્વતાની દેવીઓ છે.
આપ સહુના આશીર્વાદથી, આજે એંશી વર્ષની ‘યુવાન’ વયે પણ, હું ઉર્જા, આશા, વિશ્વાસથી છલોછલ છું, અને મારી સજ્જતા, બુદ્ધિબળ, જ્ઞાન અને કૌશલ્યના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહું છું.
મને ઘણી વખત ઘણા પ્રસંગોએ પૂછવામાં આવે છે કે હું આટલો સ્ફૂર્તિલો કેવી રીતે રહું છું, અને વિવિધ વર્ગના, અલગ અલગ બેકગ્રાઉન્ડ ધરાવતા લોકો તથા સમુદાયોની સેવા કરવા માટેની શક્તિ તેમજ ઊમંગ ક્યાંથી પ્રાપ્ત કરું છું.
ક્યારેક, બહુ નમ્રપણે કહું તો, મને ખુદને મારી સજ્જતા-ક્ષમતા વિશે સાંભળીને આશ્ચર્ય થાય છે, અને પછી પ્રશ્ન પણ ઉઠે છે - ખરેખર આવું છે ખરું?
ઘણા લાંબા સમય પૂર્વે જ મેં મારી જાત માટે - સમયની સરાણે સચોટ સાબિત થયેલા - બે સિદ્ધાંતો અપનાવ્યા છેઃ નેવર ગીવ અપ (ક્યારેય છોડો નહીં) અને નેવર ગીવ ઇન (ક્યારેય તાબે ન થા.). હું માનું છું કે આમાં દરેક બાબતનો ઉકેલ છે.
લાંબા સમય પૂર્વે જ મેં લોકોની સેવા અને તેમના પ્રત્યેની પ્રતિબદ્ધતાને મારા જીવનનું ધ્યેય અને લક્ષ્ય બનાવ્યા છે. હું અંતઃકરણપૂર્વક અને સંપૂર્ણ વિશ્વાસ સાથે કહી શકું છું કે મારા આ પ્રયાસો મૂલ્ય આધારિત છે. જે લોકો મારી સાથે કામ કરે છે તેઓ આ દાવાને ચકાસી શકે છે. ધનલાલસા અમને ડગાવી શકતી નથી. અનૈતિક જાહેરખબરો, સ્પોન્સરશીપ વગેરે જેવી પરંપરાને અનુસરવાના નથી, પછી ભલે આ માટે અમારે નાણાંનો મોટો હિસ્સો જતો કરવો પડતો હોય કેમ કે મને લાગે છે કે આ બધું સમાજ માટે નુકસાનકારક છે.
સમાજના દરેક વર્ગની, ઉચ્ચ મૂલ્યો અને માપદંડો સાથે, સેવા કરવા માટે હું અને મારી સાથે કામ કરી રહેલા તમામ સાથીદારો ખરા દિલથી પ્રતિબદ્ધ છીએ.
આજે આ વિચારો હું શા માટે વ્યક્ત કરી રહ્યો છું?
દિવાળી પર્વની ઉજવણી માટે ગઇકાલે હું ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ગયો હતો. ભક્તિવેદાંત મેનોરના પ્રેસિડેન્ટ શ્રુતિધર્મ દાસજીએ ઉપસ્થિત મહેમાનોને સંબોધ્યા હતા અને મારી વિનંતીથી તેમણે આ પ્રવચનનો સાર મોકલી આપ્યો હતો, જે હું અહીં શબ્દશઃ રજૂ કરી રહ્યો છુંઃ
‘રામાયણનું એક રહસ્ય છેઃ નેવર ટ્વીન્સ (અર્થાત્ આ બે કદી ન કરો) - ક્યારેય છોડો નહીં અને ક્યારેય તાબે ન થાવ.
NEVER GIVE UP - ક્યારેય છોડો નહીંઃ આ વલણ તમારા પરિવાર માટે, સમુદાય માટે અને દેશ માટે હિતકારી છે. ક્યારેય કોઇ મુશ્કેલીઓ આવી પડે તો હનુમાનજીને યાદ કરો. તેમનો મુદ્રાલેખ હતોઃ જ્યારે તમે તમારા લક્ષ્ય તરફથી નજર હટાવો છો ત્યારે જ તમને અવરોધો દેખાતા હોય છે.
NEVER GIVE IN - ક્યારેય તાબે ન થાવઃ ક્યારેય તમારા માર્ગમાં ઇર્ષ્યા, લાલસા, ઘૃણા અને ક્રોધ જેવી હલ્કી માનસિક્તાને પ્રવેશવા દો નહીં. કૈકયી અને મંથરા આના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સરકારોને તેમજ સંસ્થાનોનું સુકાન સંભાળતા વડાઓને રામાયણ યાદ અપાવે છે કે વખાણને ક્યારેય દિમાગ પર ન લો અને ટીકાને ક્યારેય દિલ પર ન લો.’
મારા વ્હાલા પ્રિયજનો, આ પવિત્ર ઘડીએ આપ સહુની સમક્ષ મારી આ લાગણીઓ યાદ કરી રહ્યો છું તેનું કારણ એ છે કે હું આપ સહુમાં આશાનો નવસંચાર કરવા ઉત્સુક છું અને તમારી પોતાની સજ્જતા-ક્ષમતાઓમાં વિશ્વાસનું પુનઃસ્થાપન કરવા માંગુ છું કે જેથી આગામી સમયમાં આપ સહુ પણ આપની ખુદની અપેક્ષાઓ કરતાં પણ વધુ ઊંચા લક્ષ્યો હાંસલ કરી શકો. NEVER GIVE UP & NEVER GIVE IN!
ફરી એક વખત, આપ સહુને અને આપના પ્રિયજનોને હેપ્પી દિવાલી!
- સીબી
ૐ નમઃ શિવાય
•••
પાનખરની પૂર્વતૈયારી
હું માત્ર ઋતુમાનની, વાતાવરણ પરિવર્તનની જ વાત કરી રહ્યો છું. મથાળું વાંચીને જો મનમાં પીપળ પાન ખરંતા, હંસતી કૂંપળિયા... પંક્તિઓ મનમાં છવાઈ હોય તો તે એક અલગ વિષય છે. બ્રિટનમાં હવે પાનખરની શરૂઆત, લગભગ, થઇ ગઇ છે. બ્રિટનને યુગો યુગોથી કવિઓ-સર્જકો અને પર્યાવરણવિદો ‘ગ્રીન એન્ડ પ્લેઝન્ટ લેન્ડ’ (લીલોછમ અને આનંદદાયક) પ્રદેશ ગણાવતા રહ્યા છે. અને આમાં કંઇ અતિશ્યોક્તિ પણ નથી. સાચે જ વિશ્વના અનેક દેશોમાં પ્રવાસ-પર્યટનનો મને અવસર મળ્યો છે, પરંતુ બ્રિટનમાં જે પ્રમાણે બારેમાસ હરિયાળી જોવા મળે છે તેમજ ઋતુમાન મધ્યમાર્ગી હોય તેવો નજારો ભાગ્યે જ ક્યાંય નિહાળ્યો છે. અમુક વૃક્ષો તો બારેમાસ - પાનખરમાં પણ... - તરોતાજા, કડેધડે જોવા મળે છે. હું આ જ સંદર્ભે વાત કરવા માગું છું. આ વૃક્ષો આખું વર્ષ તરોતાજા, કડેધડે રહી શકે તો આપણે કેમ ન રહી શકીએ? વૃક્ષોની ‘તંદુરસ્તી’નો આધાર તો હવામાન, તેને મળતા પોષણ, અન્યો દ્વારા લેવાતી સારસંભાળ પર નિર્ભર હોય છે, જ્યારે આપણે તો મનુષ્ય જીવ છીએ. આપણે આપણી પોતાની સારસંભાળ લઇને બારેમાસ કડેધડે કેમ ન રહી શકીએ? આ પ્રશ્ન મારા મનમાં ઝબૂક્યો અને તેનો જવાબ આ કોલમમાં ઉતર્યો.
આજે હું મારી-તમારી-આપણી વાત કરવા માગું છું. શિયાળામાં આપણો દિવસ ટૂંકો થાય, ઠંડી વધુ પડે. બ્રિટનમાં તો વળી થ્રી-ઇન-વન સિઝન હોય છે. સવારે દિવસ ઓપન (ઉઘાડ) હોય, બપોરે નાનુંમોટું વાદળું દેખાય જાય, અને ઇશ્વર ઈચ્છા હોય તો સ્નો કે વરસાદનું ઝાપટું પણ પડી જાય. એક જ દિવસમાં આબોહવામાં પણ કેવા કેવા બદલાવ! આ બધાની આરોગ્ય પર પણ અસર પડતી હોય છે. અને આ અસર મોટા ભાગે અવળી જ હોય છે. વિશેષ તો નાના બાળકો, પ્રસૂતા બહેનો અને વડીલોને આવી સિઝન ભારે હેરાન કરતી હોય છે. આમાં પણ જો વળી તબિયત નરમ રહેતી હોય તો હેરાનગતિનું જોર વધુ હોય. આવા લોકોએ વધુ કાળજી લેવી જરૂરી હોય છે.
હું તો ભ’ઇ મારી ભાષામાં વાત કરી શકું. મારે તો પરમાત્માની કૃપા થકી લાંબુ આયુષ્ય ભોગવવાની અને દીર્ઘકાળ સુધી સ્વસ્થ રહેવાની મહેચ્છા છે. આવતા એપ્રીલમાં મને ‘૧૮’મું વર્ષ પૂરું થશે. ખાણીપીણી, રહેણીકરણી, પહેરવેશ અને પ્રકૃતિમાં સમજદારી રાખીએ તો શરીરના અદભૂત યંત્રને આધિ-વ્યાધિ-ઉપાધિનો લોડ ઓછો પડતો હોય છે તેવું અનુભવે સમજાયું છે. વસંતના વધામણા ચારેક મહિના બાદ. હમણાં તો દિવસો ટૂંકાશે, અને રાત લં...બા...શે - ૨૧ ડિસેમ્બર સુધી. આ દિવસે સૂર્યોદય નવ - સાડા નવે થશે અને સાડા ચાર સુધીમાં તો અલોપ થઇ જશે. ૨૧ માર્ચે દિવસ - રાત સરખા હોય છે. સરેરાશ સવારે સાતેક વાગ્યે સૂર્યોદય થશે અને સાંજે લગભગ આ જ સમયે સૂર્યાસ્ત થશે. થોડીક કાળજી રાખીએ તો આપણે પણ વસંતના વધામણા માણી શકીએ. દરેક વ્યક્તિએ પોતપોતાના શરીરની તાસીર સમજીને શું ખાવું? કેટલું ખાવું? શું પીવું? કેટલું પીવું? ક્યારે પીવું? વગેરેનો ખાસ ખ્યાલ રાખવો જોઇએ. જોકે આ બધા પ્રશ્નોની માયાજાળ વચ્ચે જે વ્યક્તિને શરદીનો કોઠો હોય તેમના માટે વિટામીન સીની વિશેષ આવશ્યક્તા હોવા અંગે ધ્યાન દોરવાનું હું ઉચિત સમજું છું.
પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી હું સમતોલ અને સંપૂર્ણ શાકાહારી ભોજનનો આગ્રહી રહ્યો છું. સ્વાસ્થ્યની સદાબહાર જાળવણી માટે હું કોઇ કૃત્રિમ પોષક તત્વો કે વિટામીન્સ લેતો નથી. મારા આખા દિવસના ભોજનમાં ફળફળાદી, શાકભાજીનું વિશેષ પ્રમાણ અવશ્ય હોય, પરંતુ સિઝન અનુસાર. આ ભોજન-પરંપરાને હું મારી કૌટુંબિક જીવનશૈલીનો એક ભાગ ગણાવું તો પણ ખોટું નથી.
અમેરિકાની મેરિલેન્ડ યુનિવર્સિટીના ડો. માર્ક લેવિને કઇ વ્યક્તિએ દિવસ દરિમયાન કેટલા પ્રમાણમાં વિટામીન સી લેવું જોઇએ તેનો ઊંડો અભ્યાસ કરીને માર્ગદર્શન આપ્યું છે. ડોક્ટર લેવિનના મતે વ્યક્તિ જો દિવસ દરમિયાન ઓછામાં ઓછું ૨૦ મિલીગ્રામ વિટામીન સીનું સેવન કરે તો પુખ્ત વયના માનવશરીરમાં રહેલા કોષોનું એકબીજા સાથેનું તેમજ આ કોષોનું શરીરની આંતરિક દિવાલો સાથેનું જોડાણ સરળ અને સહજ બને છે. શરીરમાં પૂરતું વિટામીન સી હોય તો નસકોરી ફૂટવી, પેઢાંમાંથી લોહી નીકળવું વગેરે જેવી ફરિયાદોનું કારણ રહેતું નથી. જો દરરોજ ૨૦૦થી વધુ મિલીગ્રામથી વધુ વિટામીન સીનું સેવન કરવામાં આવે તો કિડની સ્ટોનની ઉપાધિ થવાનું જોખમ રહે છે. આથી વિટામીન સીનું પ્રમાણ જાળવવું જરૂરી છે. પરંતુ વિટામીન સીનું પ્રમાણ જાણવું કઇ રીતે? એક સમજણ અનુસાર, એક નારંગીમાંથી ૬૬ મિલીગ્રામ, કેળામાંથી ૧૨ મિલીગ્રામ, બ્રોકોલીમાંથી ૧૪૦ મિલીગ્રામ, કોબીજમાંથી ૪૨ મિલીગ્રામ, કાકડીમાંથી ૧૦૦ મિલીગ્રામ, લીંબુમાંથી ૩૦ મિલીગ્રામ, પપૈયામાંથી આશરે ૫૦ મિલીગ્રામ વિટામીન સી મળી રહે છે. આ આંકડાઓના આધારે સામાન્ય અંદાજ બાંધી શકાય. ભોજનમાં રોજેરોજ અલગ અલગ શાકભાજી, ફળફળાદિ લેવા જોઇએ. ભોજનશૈલીમાં પ્રમાણભાન જાળવીએ તો તેમાં લાભ જ લાભ છે, નુકસાન જરા પણ નથી. બાકી તો અતિ સર્વત્ર વર્જયેત્...
વાચક મિત્રો, આ તો વિટામીન સીની વાત કરી. પરંતુ રજાના આ દિવસોમાં મેં એક બીજો પણ લેખ વાંચ્યો. બહાર ઠંડી પડતી હોય એટલે ઘરમાં બેસી રહેવું એ પણ જોખમી છે. આરોગ્યની અનુકૂળતા અનુસાર - યોગ્ય ગરમ વસ્ત્રો ધારણ કરીને - રોજ ખુલ્લામાં ૧૦-૧૫ મિનિટ વોક લેવામાં ખૂબ જ ફાયદો છે તેમ તબીબી વિજ્ઞાન કહે છે. લેખમાં આ તો સામાન્ય જ રજૂઆત કરી છે, પરંતુ ઠંડી બહુ પડે છે એટલે શરીરમાં ગરમાટો લાવવા દારૂનું સેવન કરો કે બ્રાન્ડી ઠઠાડો એવી કોઇ સલાહ આપે તો તેને માની લેવાની જરૂર નથી. આમાં સરવાળે નુકસાન જ નુકસાન છે, લાભ જરા પણ નથી. શરીરને ગરમાટાનો કામચલાઉ અનુભવ કરાવે તેવા અખતરા કરવાના બદલે શરીરને પોષણ જ એવું આપવું રહ્યું કે જેથી શરીરમાં ગરમાટો આખી સિઝન ટકી રહે. જો શરીરની તાસીરને માફક આવે તેવું યોગ્ય ભોજન બને તેટલા કુદરતી સ્વરૂપે લેવામાં આવે અને પૂરતી શારીરિક હલનચલન કરવામાં આવે તો તેની હકારાત્મક અસર શરીર પર જોવા મળે જ છે. જેવું અન્ન તેવું મન કંઇ અમસ્તું નથી કહ્યું. જેને તન સુખ હશે તે મન સુખ બનશે, મન સુખ હશે તે ધન સુખ બનશે અને જેમને તન-મન-ધન સુખ હશે તેને સર્વપ્રકારે જય સુખ રહેશે. આધુનિક વિજ્ઞાન પણ આ વાતનું સમર્થન કરે છે અને આપણા શાસ્ત્રો તો વર્ષોથી આ વાત કહેતા જ રહ્યા છે.
•••
બુદ્ધિ કોના બાપની?
મારા સુજ્ઞ વાચક મિત્રોને કદાચ આ મથાળાની ભાષા કદાચ કઢંગી, તોછડી લાગશે. ગુજરાત સમાચાર આપના પરિવારનું પસંદગીનું અખબાર છે તે અમે સુપેરે જાણીએ છીએ. આથી જ અમે આક્રોશ ઠાલવવા માટે છેલ્લા પાટલાની ભાષામાં ક્યારેય વાત કરતા નથી. જે કંઇ કહેવું તે સીધું અને સટ છતાં વિવેકપૂર્વક કહેવું. આપણે મધ્ય માર્ગના ઉપાસક છીએ.
હમણાં Wealth (વેલ્થ) નામના મેગેઝિનમાં એક સુંદર મજાનો લેખ વાંચ્યો. તેનું મથાળું કંઇક આવું હતુંઃ સંતાનને સંપત્તિના ઢગલા આપી દેવા તેનાથી મોટી કોઇ કુસેવા નથી.
આ વાત કોઇ ધર્મગુરુએ કે તત્વચિંતકે નહીં, પણ મોટા ગજાના ફ્રેન્ચ અર્થશાસ્ત્રીએ કરી છે. તેઓ કહે છે કે સંતતિને - પછી તે પુત્ર હોય કે પુત્રી - સંપત્તિ આપવામાં જ આપણી જિંદગીની પૂર્ણાહૂતિ નથી. આમ કરીને તો આપણે તેમના જીવનવિકાસને રુંધીએ છીએ. રેડીમેડ - દેશી ભાષામાં કહું તો બાપકમાઇની સંપત્તિ મળી જવાના કારણે સંતાનોમાં કંઇક નવું સાહસ કરવાની, સારું-નરસું નક્કી કરવાની વિવેકબુદ્ધિ, નિર્ણયશક્તિ નાશ પામે છે તેમજ દૂષણો પ્રવેશે છે. આ અર્થશાસ્ત્રી કહે છે કે સંતાનોને સંપત્તિ નહીં, પણ સારું શિક્ષણ આપો, સંસ્કાર આપો, સદવિચાર આપો, સદભાવના કેળવતા શીખવો અને પછી જૂઓ, તેમની જિંદગીની ગાડી પ્રગતિના પંથે કેવી સડસડાટ દોડે છે. સ્વબળે આગળ વધનાર સંતાનોને ક્યારેય પરવશતા નડતી નથી.
ખેર, આ અંગે વધુ રજૂઆત કરવા જઇશ તો આંખનું કાજળ ગાલે ઘસ્યું તેવો તાલ થવાનું જોખમ છે. આથી વાત અહીં જ અટકાવું છું. બુદ્ધિ કોના બાપની તે મુદ્દે હું અંગૂલિનિર્દેશ કરવા માગું છું.
માનવજીવનની શરૂઆત આજથી લાખો - કરોડો વર્ષો પૂર્વે થઇ. એક સમયે જંગલમાં રઝળતો-ભટકતો, કોઇ ગુફામાં લપાતો-છુપાતો રહેતો, ઝાડ-ઝાંખરાં વચ્ચે ભટકીને જીવી જાણતો માણસ સમયાંતરે વિકાસના પંથે આગળ વધતો ગયો. કાળક્રમે વેપાર-ધંધા-ઉદ્યોગો વિકસાવ્યા. વિશ્વનિવાસી માનવ સભ્યતાએ વીતેલા વર્ષોમાં સેંકડો સીમાચિહનો હાંસલ કર્યા. આપણે ૫૦ વર્ષ પૂર્વેની એટલે કે ૧૯૬૭ની જ વાત કરીએ. આ પાંચ દસકામાં અનેક વેપાર-વણજ-વિજ્ઞાન ક્ષેત્રે અનેક નવા શોધ-સંશોધન થયા, પરંતુ ઇન્ટરનેટની શોધે સમગ્ર વિશ્વનો સિનારિયો બદલી નાખ્યો. ઇન્ટરનેટે સમગ્ર દુનિયાને ગ્લોબલ વિલેજમાં બદલી નાખી. ઇન્ટનેટની અદભૂત શોધે એક નવું જ દૃષ્ટિબિંદુ આપ્યું. વાચક મિત્રો, આપને જાણીને નવાઇ લાગશે ઇન્ટરનેટના જનક એવા અંગ્રેજ (ક્ષમાયાચનાઃ નામ યાદ આવતું નથી, મદદ કરો) મહામાનવે પોતાની આ અદભૂત શોધના જાણીજોઇને પેટન્ટ મેળવ્યા નહીં. તેમનું કહેવું હતું કે આ માનવસમાજને મારા તરફથી નમ્ર ભેટ છે. આજે ઇન્ટરનેટ વગરના વિશ્વની જરા કલ્પના તો કરી જૂઓ.
આજે અમેરિકામાં વડું મથક ધરાવતી ગૂગલ, માઇક્રોસોફ્ટ, ફેસબુક, એમેઝોન, ઉબર જેવી મસમોટી કંપનીઓનો દુનિયાભરમાં ડંકો વાગે છે તેના મૂળમાં તો ઇન્ટરનેટ જ છે. એક ભારતીય તરીકે આપણા સહુ માટે ગૌરવની બાબત એ છે કે નોર્થ કેલિફોર્નિયામાં સાન ફ્રાન્સિસ્કો નજીક સિલિકોન વેલીમાં ધમધમતી આવી કેટલીય કંપનીઓના સીઇઓ બહુધા ભારતીય વંશજ છે. આમેય વેદોના શિક્ષણ અને પ્રશિક્ષણના પરિણામે ભારતીય માનસમાં તર્ક અને ગણિતશાસ્ત્રના મૂળ ઊંડે સુધી પ્રસર્યા છે, ફૂલ્યાફાલ્યા છે તે નિર્વિવાદ છે. સંતાનોને, પરિવારજનોને, પરિચિતોને નમ્રપણે, આડકતરી રીતે આ બાબતની યાદ તાજી કરાવતા રહેવામાં કશું ખરાબ નથી. મનોબળ અને બુદ્ધિ થકી ક્યાંના ક્યાં પહોંચી શકાય તે ભારતીયોએ સાબિત કરી દેખાડ્યું છે.
ચાલો, આજે લંડન મહાનગર નિવાસી માટે શરૂ થયેલી બાઇસિકલ સેવાની વાત કરું. આ અનોખી સર્વીસ પણ બુદ્ધિના, વિચારના કમાલની જ વાત હોવાથી અહીં ટાંકી રહ્યો છું. આ બાઇસિકલ સેવાનો OFOના નામે પ્રચાર-પ્રસાર થઇ રહ્યો છે. OFOનો પૂરો મતલબ છે Of you go. આ લેખ સાથે રજૂ થયેલા ચિત્ર અને માહિતી દર્શાવે છે તે પ્રમાણે પીળા રંગની આ સાઇકલ કોઇ પણ એરિયામાં પડી હશે, પરંતુ તે લોક (તાળાબંધ) હશે. તમે તેનો ઉપયોગ કરવા માગતા હો તો તમારે ગૂગલ પ્લે સ્ટોરમાંથી OFOની એપ ડાઉનલોડ કરવાની. આ પછી બાઇસિકલ પરનો બારકોડ સ્કેન કરશો એટલે તે અનલોક થઇ જશે. સાઇકલ જેટલી ફેરવવી હોય તેટલી ફેરવો, પણ ભાડું ચૂકવવા તૈયાર રહેજો. કલાકના ૫૦ પેન્સ અને આખો દિવસ સાઇકલ વાપરવાના પાંચ પાઉન્ડ આપવા પડશે. કોઇને કદાચ પ્રશ્ન થશે કે આવી મોંઘીમસ બાઇસિકલ જાહેર સ્થળે મૂકી હોય તો કોઇ ચોરી ન જાય? કોઇ અવળચંડો તેમાં ભાંગફોડ કરે તો? બાપલ્યા, તમારે આવી કોઇ ચિંતા કરવાની જરૂર નથી. સમજાય તેવું છે કે કંપનીએ આ પ્રોજેક્ટમાં લાખો પાઉન્ડનું મૂડીરોકાણ કર્યું છે. તેના પ્રચાર-પ્રસાર માટે પણ અઢળક નાણાં વાપરી રહી છે. કંપનીએ સંભવિત જોખમોનો વિચાર કરીને પગલાં ભર્યા જ છે. તેણે આવું કંઇ ન થાય તે માટે સજ્જડ જોગવાઇ કરી છે. કોઇ બાઇસિકલની તફડંચીનો કે તેને નુકસાન કરવાનો પ્રયાસ કરશે તો વહેલો-મોડો પકડાઇ જ જશે. બુદ્ધિ કોના બાપની? જો દિમાગ તેજ અને વિચક્ષણ હોય તો તેમાંથી જાતજાતના વિચાર અને તેને સાકાર કરવાના આઇડિયા ઉપજવાના જ. આ તો એક આઇડિયાની વાત થઇ. આવી તો અનેક અવનવી શોધ થયા જ કરે છે.
આપણે ભારતના બુદ્ધિકૌશલ્યની જ વાત કરીએ. આજે ભારત વિશ્વભરમાં સોફ્ટવેર નિકાસમાં આગવું સ્થાન ધરાવે છે. ભારતીય કંપનીઓ વર્ષેદહાડે સવાસો બિલિયન ડોલરના સોફ્ટવેરની નિકાસ કરે છે. વાચક મિત્રો આપને યાદ હશે જ કે ઇસ્વી સન ૨૦૦૦ના અંતના થોડાક મહિના અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે આપણા કમ્પ્યુટરના તારીખ અને સમયનું સેટિંગ વર્ષ ૧૯૯૯ સુધી જ થયું છે. સદી બદલાશે અને પહેલા બે આંકડા ‘૧૯’ના બદલે ‘૨૦’ થશે કે આખી દુનિયા ઠપ્પ થઇ જશે. આજે આ વાતને ૧૭ વર્ષ વીતી ગયા છે, થોડાક કલાકો તો છોડો, એકાદ પળ માટે પણ આવું બન્યું છે? ના... ભારતીય સોફ્ટવેર નિષ્ણાતો મચી પડ્યા હતા અને ૨૦૦૦ના આરંભ પૂર્વે જ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો. યુવાન ભારતીય સોફ્ટવેર નિષ્ણાતોની આ સિદ્ધિએ ભારતમાં કમ્પ્યુટર બેક ઓફિસનું એક નવું જ ક્ષેત્ર વિકસાવ્યું. આજે દુનિયાની હજારો નહીં, લાખો કંપનીઓના કમ્પ્યુટર સંબંધિત કામકાજ ભારતમાં થાય છે. વિશ્વના સોફ્ટવેર સેક્ટરનો ૩૦થી ૩૫ ટકા હિસ્સો ભારતીયોના હાથમાં હોવાનો અંદાજ છે. આજે સમગ્ર વિશ્વ નીતનવી ટેક્નોલોજીના સંશોધન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ ક્ષેત્રે પણ ગળાકાપસ્પર્ધા તો જામવાની જ, પણ ભારતીયોએ તેમનું વર્ચસ જાળવી રાખ્યું છે.
મોદી સરકારનું આગમન થયા પછી ભારતમાં જાણે કમ્પ્યુટર ક્રાંતિ આવી છે. ગામડાંગામના ખૂણેખાંચરે પણ ‘એપ’ કે ‘ડિજિટલ ટેક્નોલોજી’ જેવા શબ્દો અજાણ્યા રહ્યા નથી. આગામી વર્ષોમાં આ બુદ્ધિશાળી દેશ સમગ્ર વિશ્વ માટે અનેક રીતે ઉપકારક બની રહેશે તે વાત નિશંક છે. કારણ? બુદ્ધિ કોના બાપની... (ક્રમશઃ)

