ગુજરાત રાજ્યની સ્થાપનાનો પહેલી મેનો દિવસ, સાબરમતીના કિનારે ગાંધી આશ્રમમાં પ્રાર્થના અને સોગંદવિધિથી થયો હતો. પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતા, રાજ્યપાલ મહેંદી નવાબ જંગ અને શપથપત્ર રવિશંકર મહારાજનાં પઠનથી!
ઇન્દુલાલ યાજ્ઞિકનાં નેતૃત્વમાં ૧૯૫૬ની ઓગસ્ટથી ચાલેલાં આંદોલનનું આ પરિણામ. ત્યારથી ગુજરાતનાં રાજકારણે અનેક વળાંક લીધા. ‘દસ વર્ષ’ નિયમનો પહેલો ભોગ ડો. જીવરાજના મુખ્ય પ્રધાનપદનો લેવાયો. ૧૯૬૫માં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં રાજ્યના મુખ્ય પ્રધાન બળવંતરાય મહેતા અને પત્ની સરોજબહેન શહીદ થયાં, તેમની સાથેના પત્રકાર પી. કે. શાહ પણ મૃત્યુ પામ્યા હતા, તે સ્થાન કચ્છમાં સુંથરી નામ ધરાવે છે.
૧૯૬૭માં ગુજરાતે પહેલી વાર પક્ષપલટાનો આંચકો અનુભવ્યો. ૧૯૭૪માં ચીમનભાઈ પટેલે હાઇકમાન્ડની મરજી વિરુદ્ધ વિધાનસભા પક્ષ-નેતાની ચૂંટણી માંગી, જીત્યા, મુખ્ય પ્રધાન બન્યા અને નવનિર્માણ છાત્ર આંદોલનને લીધે રાજીનામું આપવું પડ્યું. આવું જ બીજું રાજીનામું ૧૯૮૫માં માધવસિંહ સોલંકીએ અનામત આંદોલનમાં આપવાનું બન્યું. ૧૯૯૦ પછી વાતાવરણ બદલાયું. ચીમનભાઈ જનતા દળના સહયોગથી ફરી વાર મુખ્ય પ્રધાન બન્યા પણ રાજ્યસભા ચૂંટણી દરમિયાન હૃદયરોગના હુમલામાં અવસાન પામ્યા.
પછીનો રાજકીય યુગ ભાજપના શાસનનો ઊગ્યો
કેશુભાઈ પટેલ બે વાર મુખ્ય પ્રધાન બન્યા, પણ પહેલી વાર શંકરસિંહ વાઘેલા સાથે ભાજપના ધારાસભ્યોએ બળવો કર્યો, સત્તા મેળવી અને બીજી વાર કચ્છ-ભૂકંપ પછી ‘ગુજરાતને સાચવવા’ નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન બનાવાયા. બન્ને સમયનું પ્રચલિત થયેલું, કેશુભાઈનું વિધાન એટલે ‘મારો વાંક શું? મારો ગૂનો શું?’
વચ્ચેના સમયપટ પર સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ મુખ્ય પ્રધાન બન્યા. ૨૦૦૧થી નરેન્દ્ર મોદી અને પછી તેમનાં વડા પ્રધાન બનવાથી આનંદીબહેન અને અત્યારે વિજય રૂપાણી. વિજય રૂપાણી માટે આ ‘વન-ડે’ અથવા ‘ટ્વેન્ટી૨૦’ મેચ છે. વિજય રૂપાણી - નીતિન પટેલ રાજ્ય સરકારને ૨૦૧૭ના અંતે ચૂંટણી આવશે ત્યાં સુધી ગતિ આપશે. અસંખ્ય યોજનાઓ અને સંગઠનની મજબૂતી - બન્ને તેમનાં મુખ્ય કાર્યો છે જેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું માર્ગદર્શન છે અને રાજ્યસ્તરે પ્રમુખ જીતુ વાઘાણી તેમની ટીમ સાથે સક્રિય છે.
આવા ‘સક્રિય રાજકારણ’ના દિવસોમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ સલામ શહેરે અમદાવાદમાં ઊજવાઈ રહ્યો છે. આ અંક તમારા હાથમાં હશે ત્યારે અમદાવાદ મહાનગર પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યું હશે! સરકારની અસંખ્ય યોજનાઓનો પ્રારંભ અને ઉદ્ઘાટનો, સાત દિવસનો પુસ્તક મેળો, સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નિત્ય નૂતન ગુજરાત’ અને મુખ્ય પ્રધાન સહિતના ભાજપ-નેતાઓની દરેક જગ્યાએ ઉપસ્થિતિ રહેશે. થોડાક કલાકો વડા પ્રધાન પણ આવી પહોંચે તો નવાઈ નહીં!
‘સઘળી નદીનાં જળ છેવટે સમુદ્રમાં ઠલવાય છે’ એ સંસ્કૃત ઉક્તિ પ્રમાણે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી તરફની પ્રવૃત્તિ દરેક રીતે જોવા મળે છે. કોંગ્રેસને ભદ્રનું તેનું જૂનું મકાન પાછું મળ્યું. વિધિની વિચિત્રતા તો જૂઓ કે આ જ ‘સરદાર ભવન’માં ૧૯૭૪માં બિન-કોંગ્રેસી જનતા મોરચો રચાયો હતો. સરદાર ભવનની સામે જ એક મશાલચી યુવાનની પ્રતિમા છે,
તે ૧૯૫૬ના મહાગુજરાત આંદોલનનું શહીદ સ્મારક છે.
શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસનું વિભાજન કર્યું તેના પડછાયા આ ભવનમાં દેખાતા હતા. શ્રીમતી ગાંધીના સમર્થ પ્રતિસ્પર્ધી મોરારજીભાઈ દેસાઈએ અહીં અટલ બિહારી વાજપેયી અને જ્યોર્જ ફર્નાન્ડિઝની સાથે મળીને નવા પક્ષના પગરણ માંડ્યા, અને ૧૯૭૭માં વડા પ્રધાન પણ બન્યા.
છપ્પનમાં આંદોલનને વ્યક્ત કરતું ગીત કવિ પ્રદીપે ગાયું હતું, ‘આજ આગ કી લપટોં મેં, આંસુ ભરા ગુજરાત!’ ઓગણીસમી સદીમાં કવિ નર્મદે ‘જય જય ગરવી ગુજરાત’ ગાયું તેનું ઉદભવ સ્થાન જાણો છો? દક્ષિણ ગુજરાતના વલસાડ નજીકનું કુંતલ ગામ! અહીં કુતેશ્વર મહાદેવનું મંદિર છે એટલે નર્મદે ‘ને દક્ષિણ દિશે રક્ષા કરતાં કુંતેશ્વર મહાદેવ!’ પંક્તિ તેનાં ગીતમાં ઉમેરી તે ઘટના અમદાવાદીઓને પહેલી મેના સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નિત્ય નૂતન ગુજરાત’માં નિહાળવા મળશે. એનઆરજીની વાત છે ત્યાં સુધી ઉમાશંકર જોશીનાં ‘હું ગુર્જર ભારતવાસી’ ગીતમાં સુધારો કરીને કહી શકાયઃ ‘હું ગુર્જર વિશ્વનિવાસી!’

