તામિલ તેલુગુ અને હિન્દી ફિલ્મોમાં અભિનેતા અને દિગ્દર્શક તરીકે અનોખું પ્રદાન આપનારા કાસીનાધુનિ વિશ્વનાથને વર્ષ ૨૦૧૬ના દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે. આ સર્વોચ્ચ સન્માન મેળવનારા કે. વિશ્વનાથ ૪૮મા છે. પુરસ્કારમાં તેમને એક સુવર્ણકમળ, રૂ. ૧૦ લાખ અને એક શાલ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ૩જી મેએ દિલ્હીનાં વિજ્ઞાન ભવનમાં યોજાનારા સમારંભમાં તેમને આ એવોર્ડથી સન્માનિત કરશે. વિશ્વનાથની પ્રચલિત ફિલ્મોમાં ‘સરગમ’, ‘કામચોર’, ‘સંજોગ’, ‘જાગ ઉઠા ઈન્સાન’ અને ‘ઇશ્વર’ સામેલ છે. માહિતી અને પ્રસારણ પ્રધાન વેંકૈયા નાયડુએ આ એવોર્ડથી કે. વિશ્વનાથને સન્માનિત કરવાની ઘોષણા ટ્વિટર પર પણ કરી હતી.
હેમા માલિનીનું પણ સન્માન
ઉલ્લેખનીય છે કે ઇન્ડિયન સિનેમાની વિખ્યાત અભિનેત્રીઓ ઝીન્નત અમાન અને હેમા માલિનીને મુંબઈમાં ‘દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડસ’થી તાજેતરમાં નવાજવામાં આવી હતી. હેમા માલિનીને આ એવોર્ડ ઐશ્વર્યા રાયે આપ્યો હતો. આ ઉપરાંત, ઐશ્વર્યા રાય બચ્ચનને પણ આ સમારોહમાં ફિલ્મ ‘સરબજીત’માં અભિનય બદલ સ્પેશ્યલ એવોર્ડ અપાયો હતો. ભજન ગાયક અનુપ જલોટા, ગીતકાર જાવેદ અખ્તર, એક્ટર - ડિરેક્ટર પંકજ કપૂર અને ગુજરાતી ગાયિકા ફાલ્ગુની પાઠકને પણ ફિલ્મોમાં પ્રદાન બદલ સન્માનિત કરાયા હતા.

