વડીલો સહિત સહુ વાચક મિત્રો, નામદાર સામ્રાજ્ઞી એલિઝાબેથ-બીજાએ ગયા શુક્રવારે તેમનો ૯૧મો જન્મદિન સાવ સાદગીપૂર્ણ માહોલમાં પોતાના નિકટના પરિવારજનો સાથે ઉજવ્યો. બીજા દિવસે, શનિવારે તેઓ રેસકોર્ષ પહોંચ્યા અને એક હોર્સ રેસમાં હાજરી આપી. મહારાણીને બાળપણથી જ ઘોડેસવારીનો બહુ શોખ છે. અને આજે પણ તેઓ તક મળ્યે ઘોડેસવારી કરવાનું ચૂકતાં નથી. તાજેતરમાં જ આપે મહારાણીનો ઘોડેસવારી કરતો ફોટોગ્રાફ ‘ગુજરાત સમાચાર’માં નિહાળ્યો હશે. તેમને આ સિવાય પણ બીજા ઘણા શોખ છે. ખુલ્લી હવામાં વોક લેવાનું તેમને ગમે છે. ખાણી-પીણી તેમજ જીવનશૈલીમાં જાગૃત રીતે નિયમીત છે. પરિવારજનો, સવિશેષ ગ્રાન્ડ ચિલ્ડ્રન, સાથે સમય વીતાવવો તેમને પસંદ છે. મહારાણી હંમેશા આગવી અદામાં જીવન જીવ્યા છે. શાહી પરિવારના બાળકો હોય કે મોટેરાં, સૌને જીવન જીવવાની ચાવી આચરણ અને ઈશારા થકી આપતાં જ રહે છે. શનિવારની હોર્સ રેસમાં મહારાણીનો પોતાનો ઘોડો પણ મેદાનમાં ઉતર્યો હતો, અને જીત્યો પણ હતો. તેનું નામ છે Call To Mind. (કોલ ટુ માઈન્ડ)
સંતાનો અને સવિશેષ ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે નિયમિત રીતે વાતચીતમાં પરોવાતા મહારાણી વિશે પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હેરી, પ્રિન્સેસ યુજીન (ડ્યુક ઓફ યોર્કશાયરનાં પુત્રી) કે જેના માતા સાથે મહારાણીને બોલવાનો પણ સંબંધ નથી તેમણે મહારાણીની ઉષ્માભરી અને નિખાલસ ઢબ વિશે અવારનવાર લાગણી વ્યક્ત કરી છે. એક યા બીજા પ્રસંગે તેમણે કહ્યું છે...
• ‘મહારાણી કદી રોદણાં રડતાં નથી.’
• ‘મહારાણીએ દોષારોપણ કરવાનું હંમેશા ટાળ્યું છે.’
• ‘મહારાણી હંમેશા પોઝિટિવ વલણ અપનાવે છે. આથી તેઓ જીવનમાં આવતાં ભરતી-ઓટથી ક્યારેય ડગમગી જતાં નથી.’
• ‘સહુથી વિશેષ તો તેઓ તેમના પ્રેમમાં તરબોળ કરી નાખે છે.’
• ‘અમારા માતાપિતા કે અન્ય કુટુંબીજનો સાથે તેમના કોઇ અપલક્ષણોના કારણે મહારાણી નાખુશ હોય તો પણ સંતાનો પ્રત્યેનો તેમનો પ્રેમ તો સદા છલોછલ જોયો છે.’
જીવનના ઝંઝાવાતો વચ્ચે અડગ રહેલા મહારાણી પ્રત્યે આપણે સહુ આથી જ સન્માન, આદર ધરાવીએ છીએ.
સામ્રાજ્ઞી બહુ લપ્પનછપ્પનમાં પડ્યા વગર પોતાના ઉત્સાહ-ઉમંગ સહિતના ઉમદા જીવન થકી સહુ કોઇને સતત સંદેશ આપતા રહ્યા છેઃ આપણા જીવનની મનદુરસ્તી-તનદુરસ્તીનો સંપૂર્ણ આધાર તન પર નહીં, મન પર અવલંબે છે. આપણા શાસ્ત્રો કે પુરાણોમાં પણ વિવિધ પ્રકારે વારંવાર આ જ વાત જણાવાઇ છે ને?! શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સમશ્લોકી ગુજરાતી અનુવાદ કિશોરીલાલ મશરુવાલાએ કર્યો છે. તેમાંથી એક શ્લોક પણ ટાંકી લઉં.
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ, રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો
વાચક મિત્રો, ભગવાન શ્રીકૃષ્ણ બુદ્ધિ ઉપર વધુ ભાર મૂકે છે. બુદ્ધિ નાશે વિનાશ. આપણાં ઉપનિષદો, શાસ્ત્રોમાં એક કરતાં વધુ વખત, એક યા બીજા પ્રકારે એવો સૂર વ્યક્ત થયો છે કે મન હોય તો માળવે જવાય, મન દુરસ્ત તો તન દુરસ્ત... મહારાણીના જીવન ઉપર જો આપણે દૃષ્ટિપાત કરીએ તો જણાશે કે તેમણે મારા-તમારા કરતાંય અનેક મોટી સમસ્યાઓ, વિવાદો, સંઘર્ષો જોયા છે, જાણ્યા છે અને અનુભવ્યા છે. પરંતુ જૂઓ, તેમણે પોતાનું માનસ કોણ જાણે એટલું બધું કેળવ્યું છે કે અત્યારે - ૯૧ વર્ષની વયે - પણ તેઓ તરોતાજા દેખાય છે ને?! આથી જ તો હું નામદાર મહારાણીનો હું ચાહક છું, પ્રશંસક છું.
બ્રિટનમાં કન્સ્ટીટ્યુશનલ મોનાર્કી (બંધારણીય રાજાશાહી) છે. એક સુંદર મજાનું આવરણ તે બની રહ્યું છે. ૮૦૦ વર્ષ પૂર્વે મેગ્નાકાર્ટા સંધિ પૂર્વે ઈંગ્લેન્ડના રાજા કહે તે કાયદો ગણાતો હતો. તેઓ ધારે તે કરી શકતા હતા. રાજા, વાજા ને વાંદરા ક્યારે બગડે તે કંઇ કહેવાય નહીં તેવી ઉક્તિ આપણને યાદ કરાવી દે એવા તેમના કરતૂતો હતા. કાળક્રમે બ્રિટનમાં મહારાણી (કે તત્કાલિન રાજા)ના નામે, પરંતુ ચૂંટાયેલી સરકાર દ્વારા વહીવટ કરવાની પ્રથા અમલી બની. હવે મહારાણીને મળનારા ભાડા-ભથ્થાંનો આંકડો પણ લોકોએ ચૂંટીને સંસદમાં મોકલેલા લોકપ્રતિનિધિઓ (સાંસદો) નક્કી કરે છે.
મહારાણી ભલે સીધી રીતે દેશની શાસનધૂરા સંભાળતા ન હોય, પરંતુ તેઓ સતત પ્રવૃત્તિમય સંપર્કમાં અવશ્ય રહે છે. સામાન્ય રીતે દર મંગળવારે સાંજે (પાર્લામેન્ટનું સત્ર ચાલુ હોય ત્યારે) તત્કાલીન વડા પ્રધાન મહારાણીની રૂબરૂ મુલાકાતે જાય છે. આશરે એકાદ કલાકની બેઠકમાં બન્ને મહાનુભાવો વચ્ચે વિચાર-વિનિમય થાય, સરકારની કામગીરીથી માંડીને યોજનાઓ અંગે મહારાણીને માહિતગાર કરવામાં આવે. વીતેલા સપ્તાહે બનેલા મહત્ત્વના ઘટનાક્રમોની ચર્ચા થાય. ૧૯૫૭થી એટલે કે છેલ્લા ૬૦ વર્ષથી આ પરંપરા અવિરત ચાલતી રહી છે. રાજકારણના દાવપેચથી, અનુભવના આધારે મહારાણી તટસ્થ-રચનાત્મક રહી શક્યાં છે.
મહારાણીએ એક ગૌરવપૂર્ણ પ્રણાલિ ઉભી કરી છે. કહેવાય છે તેઓ જજમેન્ટલ નથી. મતલબ કે તેઓ પોતાના વિચારો કે અભિપ્રાયો સામેની વ્યક્તિ પર (કે વડા પ્રધાન પર) થોપી બેસાડવામાં માનતા નથી. કોઇ બાબતે જાણકારી મેળવવી હોય કે સૂચન હોય તો પૂછેઃ શું થયું? કઇ રીતે થયું? કેવી રીતે મેનેજ કરો છો? (પોતાનું કોઇ સૂચન હોય તો) શું આ રીતે કરી શકાય? મહારાણી ક્યારેય એવું નથી કહેતા કે તમે આમ જ કરો... ભલે બંધારણ તેમને આવી છૂટછાટ આપતું પણ ન હોય, પરંતુ તેમણે ક્યારેય - અમુક પ્રકારે જ સરકારી કામ કરવું જોઇએ તેવો - આદેશ આપ્યો નથી.
આજે આ ટચુકડો ટાપુ વિશ્વભરમાં પ્રભાવશાળી સ્થાન ધરાવે છે તેમાં આ નામદાર સામ્રાજ્ઞીનું અદકેરું યોગદાન છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. તેમણે રાજગાદી સંભાળી ત્યારે બ્રિટિશ સામ્રાજ્ય ધીરે ધીરે અંત ભણી આગળ ધપી રહ્યું હતું. એક સમયની વિશ્વની મહાસત્તા સમેટાઇને લંડનમાં કેન્દ્રીત થઇ રહી હતી. નામદાર મહારાણીના માર્ગદર્શનમાં પહેલાં બ્રિટિશ કોમનવેલ્થ અને હવે કોમનવેલ્થમાં જે પરિવર્તન થઇ રહ્યું છે તે સાચે જ અદભૂત પ્રક્રિયા લેખાશે.
હું હંમેશા મહારાણી એલિઝાબેથ-દ્વિતીય વિશે વધુને વધુ જાણવા, વાંચવા, વિચારવા પ્રયત્નશીલ રહ્યો છું. ૧૯૬૭ના જાન્યુઆરીમાં લિન્કન્સ ઇનના એક મેળાવડામાં મને તેમની સાથે શેકહેન્ડ કરવાનો અસર સાંપડ્યો હતો. હું તે વેળા બેરિસ્ટરીનો અભ્યાસ કરતો હતો. પ્રિન્સેસ માર્ગરેટ (મહારાણીના એકમાત્ર બહેન) લિન્કન્સ ઇનના વહીવટમાં મુખ્ય હતાં. પ્રિન્સેસ માર્ગરેટ તો તેમના હોદ્દાની રુએ દરેક વાર્ષિક ડિનરમાં અચૂક હાજરી આપતા જ હતાં, પરંતુ મારા સદભાગ્યે હું જ્યારે પ્રથમ વર્ષમાં હતો ત્યારે ડિનરમાં મુખ્ય મહેમાન તરીકે નામદાર મહારાણી પણ પધાર્યા હતા.
ડિનરમાં પંદરેક ટેબલ ગોઠવાયા હતા. મારા સહિતના વેજિટેરિયન માટે અલાયદું ટેબલ હતું. અમે આઠ વ્યક્તિ એક ટેબલ પર બેઠા હતા. મારી સામેની જ બેઠક પર કલકત્તાથી આવેલા એક બહેન કુમારી અંશુબહેન આશર (જો હું નામમાં ભૂલ ન કરતો હોઉં તો...) બેઠાં હતાં. બહેને સુંદર મજાની સાડી પહેરી હતી. પ્રસંગ જ એવો હતો - મહારાણીના સાંનિધ્યમાં ડીનરનો.
નામદાર મહારાણી એલિઝાબેથનો રસાલો જીવનસાથી ડ્યુક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ અને બહેન પ્રિન્સેસ માર્ગરેટ સાથે આવ્યો. તેઓ દરેક ટેબલ પાસેથી પસાર થતી વેળા આમંત્રિત સામે જોઇને - તેમના ટ્રેડમાર્ક જેવું - મર્માળુ સ્માઇલ કરતાં હતા. ક્યાંક ઘડી - બે ઘડી અટકીને હાય-હેલો કરે તો ક્યાંક શેકહેન્ડ. અમારા ટેબલ પાસે પહોંચ્યા કે મહારાણીનું ધ્યાન મારી સામે બેઠેલાં અંશુબહેન અને તેમની સાડી પર ખેંચાયુ. મહારાણી ઉભા રહ્યાં. તેમણે અંશુબહેનને પ્રશ્ન પૂછ્યો. અંશુબહેન આ અણધાર્યા સવાલથી સહેજસાજ મૂંઝાઇ ગયાં. મહારાણી ઉભા રહીને પ્રશ્ન કરશે એવી આપણા આ બહેન તો શું કોઇને પણ કલ્પના ન હોયને? અંશુબહેને મારી તરફ નજર કરી. મેં વાતનો દોર સાંધી લીધો. નામદાર મહારાણીને ભારતના પરંપરાગત પહેરવેશ સાડી વિશે જાણકારી આપી. તેઓ કલકત્તાથી આવ્યા હોવાનું જણાવ્યું. બે’ક મિનિટ સંવાદ ચાલ્યો. પરંતુ આ સંવાદ આજીવન સંભારણું બની રહ્યો છે.
આ પછી પણ એક કરતાં વધુ પ્રસંગોએ મહારાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારંભમાં હાજરી આપવાનો, તેમના સંબોધનને ૧૦-૧૫ ફૂટના અંતરેથી સાંભળવાનો મોકો પણ મળ્યો છે, પરંતુ વાતચીતનો અવસર ફરી ક્યારેય સાંપડ્યો નથી.
અહીં મને એક પત્રકારનો (બેબૂનિયાદ) ‘દાવો’ યાદ આવે છે. તેમનું કહેવું હતું કે બકિંગહામ પેલેસમાં યોજાયેલા ઇલકાબ વિતરણ સમારંભમાં મહારાણીએ તેમની સાથે ચાર-પાંચ મિનિટ વાતચીત કરીને તેમના વિશે બધી જાણકારી મેળવી હતી. અરે ભલા માણસ, આવો દાવો કરતાં જરાક તો વિચાર કરો... આવા સમારંભમાં મહારાણીને બે-પાંચને નહીં, વીસ-પચીસને ઇલકાબ એનાયત કરવાના હોય છે. આમાં મહારાણી બધા સાથે વાતોએ વળગે તો સમારંભ પાર ક્યારે પડે? આવા કાર્યક્રમોમાં તો મિનિટે-મિનિટનું આયોજન થતું હોય છે ને તે પ્રમાણે જ બધું પાર પડતું હોય છે. પ...ણ ખેર, જૈસી જીસકી સોચ...
વાચક મિત્રો, આજે મહારાણીના ૯૧મા જન્મદિન સંદર્ભે તેમના જીવનકવન સાથે સંકળાયેલી વાતો માંડવા પાછળનો મારો મુખ્ય ઉદ્દેશ એક મહાન વિભૂતિના ભૂતકાળમાં ડોકિયું કરવાનો છે. ના, અહીં કોઠી ધોઇને કાદવ કાઢવાની વાત નથી. નામદાર સામ્રાજ્ઞીના જીવનમાં આવું કંઇ નીકળે તેમ પણ નથી, પરંતુ અહીં તેમના જીવનમાંથી આપણે સહુએ લેવા જેવો બોધપાઠ રજૂ કરવો છે.
મહારાણી જન્મ્યા ત્યારે તેમના પિતા (જ્યોર્જ છઠ્ઠા) પાટવી કુંવરનો દરજ્જો નહોતા ધરાવતા. તેમના કાકા એડવર્ડ સાતમા કિંગ જ્યોર્જ પંચમની ગાદીના વારસદાર હતા. એડવર્ડ સાતમાની એક અમેરિકન ડિવોર્સી મહિલા મીસીસ સિમ્પસન સાથે આંખ મળી ગઇ. તે સમયે કાયદો હતો કે જો કોઇ પાટવી કુંવર ડિવોર્સી મહિલા સાથે લગ્ન કરે તો તે રાજપાટ સંભાળવાનો અધિકાર ગુમાવે. શ્રીમતી સિમ્પસન સાથે લગ્ન કરીને તેને જીવનસાથી બનાવવાનો એડવર્ડ સાતમાનો ઇરાદો જાણીને તત્કાલીન બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલે સન્માનપૂર્વક તેમનું ધ્યાન દોર્યું કે આ પગલાંથી તેઓ રાજપાટ ગુમાવી શકે છે. એડવર્ડ સાતમાએ સિમ્પસન સાથે લગ્ન કાજે સ્વેચ્છાએ બ્રિટિશ તાજનો અધિકાર જતો કર્યો. તેઓ સુશ્રી સિમ્પસન સાથે ઘરસંસાર માંડીને પેરિસ જઇ વસ્યા.
વાચક મિત્રો, એડવર્ડ સાતમાનો કિસ્સો જાણીને તમને નથી લાગતું કે આનું નામ જ પ્રેમ. આ પણ એક પ્રકારની ઊંચા દરજ્જાની નૈતિક્તા જ કહેવાય હોં... બાકી તો શાહી પરિવાર હોય કે મોટા ગજાનો વગદાર પરિવાર હોય, બંધબારણે કેટલુંય કમઠાણ ચાલતું જ હોય છેને... પણ એડવર્ડ સાતમાએ પોતાનો પ્રેમ પામવા માટે બ્રિટિશ સલ્તનત જેવી ગાદીને પણ તરછોડી તે નાનીસૂની બાબત નથી.
કાળક્રમે કિંગ જ્યોર્જ પંચમનું નિધન થયું. મહારાણીના પિતાશ્રી જ્યોર્જ છઠ્ઠા બ્રિટિશ સલ્તનતના સમ્રાટ બન્યા. રાણીના દાદા જર્મન હોવાથી તેમની નસોમાં જર્મન લોહી દોડતું હતું તેમ પણ કહી શકાય. મહારાણીના પતિ પ્રિન્સ ફિલિપ ગ્રીક વંશજ છે. તેઓ લોર્ડ માઉન્ટ બેટનના ભાણેજ કે ભત્રીજા થાય. (ભારતીય પરિવારોમાં આવા સંબંધો માટે અલગ અલગ નામો છે, અંગ્રેજીમાં તો Nephew - નેફ્યુમાં બધું આવી ગયું!) એલિઝાબેથને ભલે રાજગાદી સંભાળવાનું અનાયાસે બન્યું, પરંતુ તેમની તાલીમ અને તૈયારી ગૌરવ ઉપજાવે તેવી રહી છે.
શાહી પરિવારમાં તે વેળા લવ મેરેજનું નહીં, પણ ઇન્ટ્રોડ્યુસ મેરેજનું ચલણ હતું. લોર્ડ માઉન્ટ બેટનને લાગ્યું કે તરવરિયા પ્રિન્સ ફિલિપ અને પ્રિન્સેસ એલિઝાબેથનું ચોકઠું ગોઠવવા જેવું છે. તેમની પસંદ-નાપસંદ, રસરુચિ જોતાં આ જોડી આદર્શ દંપતી પુરવાર થાય તેમ છે. તેમણે એક સમારંભનું આયોજન કર્યું. પ્રિન્સેસ તેમનાથી પાંચ વર્ષ મોટા પ્રિન્સને મળ્યા. વાતોએ વળગ્યા. પરિચય વધ્યો. પ્રેમમાં પડ્યાં અને પરણ્યાં. આ વર્ષ હતું ૧૯૪૭નું. કોઇને પણ ઇર્ષ્યા આવે તેવા તેમના સુખી દાંપત્યજીવનને આજે સાત દસકા થઇ ગયા છે.
પ્રિન્સ ફિલિપ તેમના બટકબોલા સ્વભાવ માટે જાણીતા છે. (આમેય જીભમાં ક્યાં હાડકું હોય છે?) અગાઉ મેં આપને નામદાર મહારાણી સાથેના ટૂંકા સંવાદ વિશે જણાવ્યું છે. આ જ પ્રસંગે પ્રિન્સ ફિલિપ સાથે પણ રસપ્રદ સંવાદ થયો હતો. તેઓ સામેની વ્યક્તિ સાથે બહુ ઝડપથી કનેક્ટ થઇ જાય છે (નાતો બાંધી લે છે) એવો મારો જાતઅનુભવ છે.
આશરબહેન વતી નામદાર મહારાણી સાથે મારો વાર્તાલાપ પૂરો થયો કે તરત જ પ્રિન્સ ફિલિપે પૂછ્યું કે કેટલા વર્ષથી આ દેશમાં છો? મારો જવાબ હતોઃ ૩ મહિનાથી. તરત જ બીજો પ્રશ્નઃ બ્રિટિશ સિટિઝન છો? કેવી રીતે? મેં કહ્યું કે મારા પત્ની ટાંગાનિકામાં જન્મેલા છે, અને આમ મને (તેમના માધ્યમથી) બ્રિટિશ સિટિઝનશીપ મળી છે. પ્રિન્સ ફિલિપે તરત જ મોકળા મને હસી પડતાં કહ્યુંઃ ઓહ... મારી જેમ જ... તેમનો સંદર્ભ મહારાણી એલિઝાબેથ સાથેના લગ્ન સંદર્ભે હતો. અને આસપાસમાં ઉભેલા સહુ કોઇ હસી પડ્યા.
રાજમહેલમાં રંગરેલીયાં
મહારાણી એલિઝાબેથ બાળપણથી જ - દેશી ભાષામાં કહું તો - સીધી લીટીનાં હતાં, પણ બહેન પ્રિન્સેસ માર્ગરેટ ડ્રીન્ક-ડાન્સના ભારે શોખીન. તેઓ પરિવારની માનમર્યાદા, સામાજિક લાજશરમની ચિંતા કર્યા વગર જિંદગીને ભરપૂર જીવી લેવામાં માનનારા હતા. તેમને શાહી પરિવારમાં જ ફરજ બજાવતા ગ્રૂપ કેપ્ટન પીટર ટાઉન્સેન્ડ સાથે પ્રેમ થઇ ગયો. બન્ને એકબીજાને ચાહતા હતા, પરંતુ ટાઉન્સેન્ડ પરણેલા હતા. સમજદાર ટાઉન્સેન્ડે પ્રિન્સેસ માર્ગરેટને આ સંબંધ છોડવા માટે શાસનના આદેશ પ્રમાણે આગ્રહપૂર્વક સમજાવ્યા. સમાચાર માધ્યમોમાં પણ આ અહેવાલોએ સનસનાટી મચાવી હતી. છેવટે પ્રિન્સેસે પીટર ટાઉન્સેન્ડ સાથે સંબંધ છોડ્યો.
જોકે આ સંબંધના અંત પછી પણ પ્રિન્સેસ માર્ગારેટનાં રંગરેલિયા અટક્યાં નહોતાં. તેઓ છાશવારે પુરુષ-સ્ત્રી મિત્રોના કાફલા સાથે કેરેબીયન સમુદ્રના મિસ્ટિક આઇલેન્ડની મુલાકાતે પહોંચી જતા હતા. અહીં ભારે ભપકાદાર પાર્ટીઓ યોજાતી, ખાણીપીણી ને મોજમસ્તીનો દોર ચાલતો. અખબારોમાં પણ આવા અહેવાલો ચમકતા રહેતા હતા, પરંતુ પ્રિન્સેસને શાહી પરિવારની કે લોકલાજની કોઇ પરવા નહોતી. આ બધી વાતો પચાસ વર્ષ પૂર્વેની છે. તે સમયે સમાજ ઘણો રૂઢિચુસ્ત હતો. સામાજિક માનમર્યાદાને ઓળંગવાની ભાગ્યે જ કોઇ હિંમત કરતું હતું. આ સમયે એલિઝાબેથે શાહીપરિવારનો માનમરતબો વધે તેવા ગૌરવપૂર્ણ વર્તન દ્વારા ઉત્કૃષ્ટ ઉદાહરણ રજૂ કર્યું હતું.
સમય વીત્યે પ્રિન્સેસ માર્ગરેટે લગ્ન કર્યા. લગ્નજીવનથી બે સંતાનોને જન્મ આપ્યો. પરંતુ બાદમાં પતિ સાથે મતભેદ સર્જાતા છૂટાછેડા લીધા. અતિશય દારૂનું સેવન કરવાની લત વળગી. અકાળે અવસાન નીપજ્યું.
મહારાણી એલિઝાબેથ - પ્રિન્સ ફિલિપના લગ્નજીવનમાં ચાર સંતાન-પુષ્પ પાંગર્યા. જેમાંથી પ્રિન્સ ચાર્લ્સ તેમની રોમેન્ટિક લાઇફ માટે જગબત્રીસીએ ચઢી ચૂક્યા છે. પ્રિન્સે ૧૧ વર્ષ નાની અને અત્યંત રૂપવાન લેડી ડાયેના સાથે ૩૧ વર્ષની વયે ઘરસંસાર માંડ્યો. દંપતીને ત્યાં સમયાંતરે બે વખત પારણું બંધાયું. બે દીકરા વિલિયમ અને હેરીનો જન્મ થયો. જોકે ઘરસંસાર માંડ્યાના વર્ષો પછી પણ પ્રિન્સ ચાર્લ્સના છાનગપતિયા છુટ્યાં નહીં. લગ્નપૂર્વે તેમને કેમિલા પાર્કર સાથે ઇલુ ઇલુ ચાલતુ હતું, જે લગ્ન પછી પણ ચાલતું રહ્યું. કેમિલાના લગ્ન પણ થઇ ગયા હતા, પણ ચાર્લ્સ-કેમિલાને તેની કોઇ પરવા નહોતી. પ્રેમપ્રકરણ ખૂબ ગાજ્યું. પ્રિન્સ અને ડાયેના વચ્ચે અંતર વધતું ચાલ્યું.
પતિની ઉપેક્ષાથી હારેલા-થાકેલાં ડાયેના પણ અન્ય પુરુષો તરફ ઢળ્યાં. તેમના જીવનમાં પણ એક પછી એક પુરુષ પાત્રો આવ્યાં. પહેલાં બોડીગાર્ડ, પછી પાકિસ્તાની સર્જન વગેરે. છેલ્લે પેરિસમાં બિલિયોનેર ડોડી ફયાદ સાથે એક કાર અકસ્માતમાં અંતિમ શ્વાસ લીધા.
પ્રિન્સ અને લેડી ડાયેનાના પ્રકરણે તો દુનિયાભરમાં શાહી પરિવારની આબરૂના ધજાગરા ઉડાવ્યા હતા. મિત્રો, તમે જરાક વિચાર તો કરો કે શાહી પરિવારની આન-બાન-શાનના પ્રતીકસમાન મહારાણીના હૃદય પર કેવી વીતક વીતી હશે.
માત્ર પ્રિન્સ જ નહીં, તેમની બહેને પણ પરિવારની આબરૂના ચીંથરા ઉડાવવામાં કંઇ બાકી રાખ્યું નહોતું. સંતાનમાં બીજા નંબરની પ્રિન્સેસ એન વયસ્ક થતાં જ તેમના પ્રેમપ્રકરણો અખબારમાં ચમકવા લાગ્યા હતાં. છેવટે તેમણે લગ્ન કર્યાં. બે સંતાન થયા. પરંતુ આખરે ડિવોર્સ થયાં. ફરીથી બીજે પરણ્યાં છે.
સંતાનમાં ત્રીજા નંબરનો દીકરો ડ્યુક ઓફ યોર્ક પરણ્યો ડચેસ ઓફ યોર્કને. સંતાનમાં બે રૂપકડી દીકરીઓ. દુનિયાની નજરે પતિ-પત્ની સાથે રહે, પણ મનમેળ વગર. બન્નેને પોતાના પ્રેમી પાત્ર હતા અને છે. થોડાક વર્ષ પછી ડિવોર્સ થયાં. આ પ્રકરણ પણ સમગ્ર બ્રિટનમાં બહુ ચગ્યું હતું.
આટલા બધા વાદવિવાદ, આબરૂના ધજાગરા, પ્રતિષ્ઠા જાળવવા માટેનો સંઘર્ષ છતાં મહારાણી કદી નાસીપાસ કે હતાશ થયાનું કોઇની જાણમાં નથી. સ્થિતપ્રજ્ઞતાની જે વ્યાખ્યા શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે તે જ પ્રકારે મહારાણીએ જાહેર જીવનમાં સતત રચનાત્મક વલણ જાળવવાની સાથોસાથ અંગત જીવનમાં પરિવારના મોવડી તરીકે પણ અમાન્યા જાળવીને પરિવારજનોથી માંડીને પ્રજાજીવનમાં આદર-સન્માન મેળવ્યા છે.
આ દેશમાં એક સમયે જાહેર જીવનમાં બિનગૌર લઘુમતી સમુદાય પ્રત્યે ભારે અસહિષ્ણુતાનો માહોલ પ્રવર્તતો હતો. નામદાર સામ્રાજ્ઞીએ ૧૯૭૯માં પોતાના ક્રિસમસ સંદેશામાં માત્ર દોઢ મિનિટમાં આ મુદ્દે એવી ચોટદાર રજૂઆત કરી કે રંગદ્વેષીઓનો ફુગ્ગો ફુસ્સ થઇ ગયો. આ જ પ્રમાણે વડા પ્રધાન માર્ગરેટ થેચરના કાર્યકાળ દરમિયાન વહીવટી તંત્રના અભિગમમાં અછતવાળાઓ પ્રત્યે ઉપેક્ષા, નિષ્કાળજીનું વલણ જોવા મળતું હતું. મહારાણીએ અછતવાળા સમાજ પ્રત્યે એવી સુંદર રીતે સંવેદનશીલતા વ્યક્ત કરી કે સમાજમાં આપમેળે જ આત્મચિંતનનો માહોલ સર્જાયો.
વાચક મિત્રો, મેં મહારાણીની કાર્યપદ્ધતિને સતત જોઇ છે, જાણી છે અને તેના પર મંથન કર્યું છે. તેમનું એક જ સૂત્ર છેઃ આપ ભલા તો જગ ભલા. વંઠેલી વહુ હોય કે આડા રસ્તે ચઢેલું પરિવારજન, આવા સંજોગોમાં કઇ રીતે ટાઢા કોઠે કામ લેવું જોઇએ તે સંદર્ભે મહારાણીએ આપણા સહુ સમક્ષ એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે. જરા વિચાર તો કરો કે તેમનું મનોબળ કેટલું મક્કમ મજબૂત હશે? કેટલો રચનાત્મક અભિગમ ધરાવતું હશે?
તાજેતરમાં પ્રિન્સ હેરી અને ડ્યુક ઓફ કેમ્બ્રિજે માનસિક સમસ્યાઓ અંગેના એક કાર્યક્રમમાં મન મૂકીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. શાહી પરિવારની મર્યાદાઓને કોરાણે મૂકતાં બન્ને ભાઇઓએ ખુલ્લેઆમ કબૂલાત કરી હતી કે અમારી માતાનું અકસ્માતમાં કરુણ મૃત્યુ થયું તે વેળા અને તેની પહેલાં તેમના વ્યક્તિગત જીવન અંગે અનેક નિંદાત્મક અહેવાલો પ્રકાશિત થયા હતા, વાંચ્યા હતા. આ બધું વાંચીને અમને ડિપ્રેશન જેવું થઇ ગયું હતું...
આ જાણીને મહારાણીનો પ્રતિભાવ શું હતો? મહારાણી દાદીમાએ શાહી પરિવારની આબરૂની ચિંતા કરીને ગ્રાન્ડ ચિલ્ડ્રનના નિવેદનને રદિયો આપવાના બદલે સમર્થન આપતાં કહ્યું હતું કે તેમને તે સમયે ભારે તણાવનો સામનો કરવો પડ્યો હતો તે હકિકત છે.
વાચક મિત્રો, આ દેશની બીજી પણ એક આગવી પરંપરા છે. શાહી પરિવાર સામાન્યતઃ - સવિશેષ તો સામ્રાજ્ઞી - ક્યારેય પોતાના મનના વિચારો, મંતવ્યો કે અભિપ્રાયો જાહેર કરતા નથી. અને કોઇક સમયે આવી ‘લાગણી’ વ્યક્ત કરવાની જરૂર જણાય તો તેઓ ખુલ્લેઆમ રજૂઆત કરવાના બદલે પરોક્ષ રીતે રજૂઆત કરે છે. સમાચાર માધ્યમોમાં અહેવાલો વહેતા કરાય છે કે ‘આ’ મુદ્દે સામ્રાજ્ઞી આવું મંતવ્ય ધરાવતા હોવાનું મનાય છે. પરંતુ મહારાણીએ ગ્રાન્ડ ચિલ્ડ્રનના કિસ્સામાં ખુલ્લેઆમ, ખેલદિલીપૂર્વક તેમના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમની લાગણીને ટેકો આપ્યો છે. તેમનો આ અભિગમ દર્શાવે છે કે સમસ્યાને છુપાવો નહીં, તેનો ખુલ્લેઆમ સામનો કરો.
મિત્રો, મહારાણીનો આ નિખાલસ અભિગમ મારા, તમારા, આપણા જેવા લોકોને ઘણું શીખવી જાય છે. જ્યારે પણ કોઇ પારિવારિક કે સાંસારિક સમસ્યા આવી પડે ત્યારે શાહમૃગ નીતિ અપનાવવાના બદલે તેનો સીધો સામનો કરો. જરા વિચાર તો કરો કે મહારાણીએ એક પછી એક કેટલી સામાજિક કે રાજકીય આફતોનો સામનો કર્યો છે, પરંતુ તેઓ સંજોગો સામે જરા સરખા ડગ્યા નથી. ક્યારેય શરણાગતિ સ્વીકારી નથી. હંમેશા તેનો સીધો મુકાબલો કર્યો છે. સમસ્યા સામે ક્યારેય સ્વસ્થતા ગુમાવી નથી. મહારાણી જે કરી શકે છે તે આપણે પણ કરી શકીએ છીએ - બસ મનોબળ મક્કમ હોવું જોઇએ. ઘણું જીવો આવા આપણા મહારાણીજી... (ક્રમશઃ)

