મીડિયાની ચમક અને સંઘર્ષ દર્શાવતી ‘નૂર’

Wednesday 26th April 2017 06:53 EDT
 
 

પાકિસ્તાની લેખિકા સબા ઇમ્તિયાઝની નવલકથા ‘કરાચી! યુ આર કિલિંગ મી’ પરથી બનેલી અને ખૂબ ચર્ચામાં રહેલી ફિલ્મ ‘નૂર’ સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. સોનાક્ષી સિંહાએ ફિલ્મમાં નૂરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ મીડિયા જગતનો અલગ જ ચહેરો દર્શાવે છે.
વાર્તા રે વાર્તા
નૂર (સોનાક્ષી સિંહા) એક ટીવી ચેનલની પત્રકાર છે. તે પોતાના બોસથી હંમેશાં અપસેટ રહે છે. કારણ કે નૂરનો બોસ તેને અર્થ વગરની સ્ટોરીઝનું જ રિપોર્ટિંગ કરાવતો રહે છે. દરમિયાન નૂરના ઘરની નોકરાણીનો ભાઈ એક કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટમાં ફસાઈને પોતાની કિડની ગુમાવી બેસે છે. નૂર આ સ્ટોરી પર કામ કરવાનું શરૂ કરે છે. તેને જાણ થાય છે કે સમાજની અનેક જાણીતી હસ્તીઓના ચહેરા પરથી ઇમાનદારી અને સમાજસેવાનો નકાબ આ સ્ટોરી હટાવી શકે તેમ છે. નૂર તપાસ કરે છે તો તેને જાણવા
મળે છે કે દિગ્ગજોથી લઈને મોટા ડોક્ટર્સ આ રેકેટમાં સામેલ છે. નૂર આ સ્ટોરી વિશે બોસ સાથે વાત કરે છે તો બોસ સ્ટોરી દબાવી દેવા
માગે છે.
જોકે બીજી તરફ નૂરની સ્ટોરી ચોરાઈ જાય છે અને બીજી એક ટીવી ચેનલ પર રજૂ પણ થઈ જાય છે. ન્યૂઝ રિલીઝ થયા પછી નોકરાણી અને તેનો ભાઈ ગુમ થઈ જાય છે. ફિલ્મનો અંત ફિલ્મમાં જ જોવાની મજા છે.
નૂરની આસપાસ જ ફિલ્મ
ફિલ્મમાં સોનાક્ષીનો અભિનય આલા છે અને આખી ફિલ્મ નૂરની જ આસપાસ ફરતી રહે છે. કનન ગિલ, પૂરબ કોહલી, શિબાની, એમ. કે. રૈનાનો અભિનય પણ ફિલ્મમાં સારો છે. મીડિયાની ઝાકઝમાળને નિર્દેશક સુન્હીલ સિપ્પીએ સરસ રીતે પરદા પર દર્શાવી છે.


comments powered by Disqus