મુંબઈની વિજયકૂચ અટકીઃ બેંગ્લોરનું બ્લન્ડર

Wednesday 26th April 2017 06:34 EDT
 
 

મુંબઇઃ આઇપીએલ સિઝન-૧૦ આગળ વધી રહી છે તેમ તેમ રોમાંચક અને રસાકસીપૂર્ણ બની રહી છે. સોમવારે રમાયેલી આવી જ એક મેચમાં ડેથ ઓવર્સમાં બોલર્સે કરેલી ચુસ્ત બોલિંગની મદદથી પૂણે સુપર જાયન્ટે મુંબઇ ઇન્ડિયન્સને તીવ્ર રસાકસી બાદ ત્રણ રને પરાજય આપ્યો હતો. પૂણેના વિકેટે ૧૬૦ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર મુંબઇની ટીમ આઠ વિકેટે ૧૫૭ રન નોંધાવી શકી હતી. આ સાથે મુંબઇનો વિજયરથ અટક્યો હતો. રોહિત શર્માએ ૩૯ બોલમાં ૫૮ રન બનાવ્યા હતા. આ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ અડધી સદી હતી. જોકે તે ટીમને વિજય અપાવી શક્યો નહોતો. પૂણે માટે સ્ટોક્સ તથા ઉનડકટે બે-બે વિકેટ ખેરવી મેચનું પાસું પલટી નાખ્યું હતું.
ફક્ત ૪૯ રનમાં ફીંડલું
કોલકાતા નાઇટ રાઇડર્સે ૨૩ એપ્રિલે ઘરઆંગણે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ૮૨ રને હરાવી હતી. જીતવા માટે ૧૩૨ રનનાં લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી રોયલ ચેલેન્જર્સ ટીમ ૪૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે આઈપીએલ ઇતિહાસમાં સૌથી નિમ્ન સ્કોર છે. આ પહેલાં આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના નામે હતો, જે ૫૮ રનમાં ઓલઆઉટ થઈ હતી. રોયલ ચેલેન્જર્સનો કોઈ પણ બેટ્સમેન ડબલ ફિગરના સ્કોરે પહોંચી શક્યો નહોતો. કોલકતા તરફથી મેન ઓફ ધ મેચ બનેલા કુલ્ટર-નાઈલ તેમજ વોક્સ અને ગ્રાન્ડહોમે ત્રણ-ત્રણ તથા ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી. આઈપીએલની મેચમાં બંને ટીમો ઓલઆઉટ થઈ હોય તેવો આ માત્ર બીજો પ્રસંગ હતો. આ જીત સાથે કેકેઆર પોઇન્ટ ટેબલ પર બીજા સ્થાને પહોંચી છે.
કિંગ્સ સામે લાયન્સ હાર્યા
કિંગ્સ ઇલેવન પંજાબે ૨૩ એપ્રિલે રમાયેલી મેચમાં ગુજરાત લાયન્સને ૨૬ રને હરાવીને ઘર બહાર પ્રથમ વિજય મેળવ્યો હતો. રાજકોટમાં રમાયેલી મેચમાં ટોસ ગુમાવ્યા બાદ પ્રથમ બેટિંગ કરનાર પંજાબની ટીમે સાત વિકેટે ૧૮૮ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જવાબમાં ગુજરાતની ટીમ દિનેશ કાર્તિકે અણનમ ૫૮ રનની ઇનિંગ્સ રમી હોવા છતાં સાત વિકેટે ૧૬૨ રન બનાવી શકી હતી. પંજાબે સાત મેચમાં આ ત્રીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ ગુજરાતનો આ પાંચમો પરાજય છે. હશિમ અમલા મેન ઓફ ધ મેચ થયો હતો. ૧૮૯ રનના લક્ષ્યાંકને ચેઝ કરવા મેદાને પડેલી લાયન્સની ટીમે ૧૦૦ રનમાં ચાર વિકેટ ગુમાવી દેતાં મેચમાં પરત ફરવું તેના માટે મુશ્કેલ બન્યું હતું.
‘કેપ્ટન કૂલ’ની બાઉન્ડ્રી
પ્લેયર ઓફ મેચ તથા 'મિસ્ટર ફિનિશર' ધોનીના અણનમ ૬૧ તથા ઓપનર રાહુલ ત્રિપાઠીના ૫૯ રનની મદદથી પૂણેએ ઘરઆંગણે રમાયેલી મેચમાં હૈદરાબાદને હરાવીને ત્રીજો વિજય મેળવ્યો હતો. બીજી તરફ હૈદરાબાદનો સાત મેચમાં ત્રીજો પરાજય છે. ધોની પોતાના જૂના રંગમાં હતો અને સ્લોગ ઓવર્સમાં રન બનાવવાની પોતાની અનોખી સ્ટાઇલમાં રનનો વરસાદ વરસાવ્યો હતો. તેણે મેચના છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. હૈદરાબાદે ત્રણ વિકેટે ૧૭૬ રન કર્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર પૂણેએ ચાર વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ધોની અને તિવારીએ ૩.૫ ઓવરમાં ત્રીજી વિકેટ માટે ૧૫.૧૩ના રનરેટથી ૫૮ રનની ભાગીદારી નોંધાવીને પૂણેનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. મેચની અંતિમ ઓવરમાં પૂણેને ૧૧ રનની જરૂર હતી અને ધોનીએ છેલ્લા બોલે ઝમકદાર બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે ૩૪ બોલમાં ૫ બાઉન્ડ્રી, ૩ સિક્સર ફટકારી હતી.
મુંબઈનો છઠ્ઠો વિજય
છેલ્લી ઓવર સુધી રસપ્રદ બનેલી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હી ડેરડેવિલ્સને ૧૪ રનથી પરાજય આપીને ટૂર્નામેન્ટમાં છઠ્ઠો વિજય મેળવ્યો હતો. ૨૨ એપ્રિલે રમાયેલી મેચમાં મુંબઇએ આઠ વિકેટે ૧૪૨ રન કર્યા હતા. જવાબમાં પ્રથમ ફિલ્ડિંગ કરનાર દિલ્હીની ટીમ સાત વિકેટે ૧૨૮ રન બનાવી શકી હતી. દિલ્હી ટીમ માટે રબાડાએ ૪૪ તથા મોરિસે અણનમ ૫૨ રન બનાવ્યા હતા. મેક્લેનહાને ૨૪ રનમાં ત્રણ તથા બુમરાહે બે વિકેટ ખેરવી હતી.


comments powered by Disqus