૨૧મી એપ્રિલની રાતે સોમનાથના પ્રાંગણમાં ઈતિહાસ અને આસ્થાનું સંધાન કરતી દૃશ્ય અને શ્રાવ્ય પ્રસ્તુતિ નવા સ્વરૂપે આકાર પામી અને તેનો પ્રારંભ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કર્યો ત્યારે દૂરદર્શનમાંથી મિત્ર પાટડીયાનો ફોન આવ્યો. એ સમયે હું માંડવી નજીક મસ્કાથી થોડેક દૂર ‘ક્રાંતિ તીર્થ’માં હતો, તેથી તેમને નવાઈ લાગી. સોમનાથના આ નૂતન આયોજનમાં તેની પટકથા મેં લખી હતી એટલે સમાચાર અહેવાલમાં અભિપ્રાય જરૂરી લાગ્યો હશે. હું સોમનાથના આ પ્રસંગમાં હોઈશ એવી તેમની ધારણા ખોટી નહોતી.
થોડાક દિવસ પૂર્વે મુખ્યમંત્રીને ગાંધીનગરમાં મળવાનું થયું ત્યારે તેમણે પણ અપેક્ષા રાખી હતી, પણ કચ્છની શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટી અને તેમના ઉત્સાહી કુલપતિ ડો. જાડેજાએ ક્યારની તૈયારી કરી રાખી હતી અને બરાબર ૨૧મીએ અભિવાદન કાર્યક્રમ નિશ્ચિત કરી દીધો હતો. તેમણે એ વાતનીયે યાદ આપી કે દેશવ્યાપી એકમાત્ર ‘ક્રાંતિ તીર્થ’ના નિર્માણમાં તમારું યોગદાન પણ પદ્મશ્રી સન્માનનું ઉજ્જવળ કારણ છે... અને કચ્છ પોતાના જ માનેલા પદ્મશ્રીનું સન્માન કરવામાં આગળ રહે તેવી સહુની ઈચ્છા છે.
મારે માટે તો આ બન્ને નિમિત્ત ગુજરાતની જીવનશૈલીના એકસમાન કેન્દ્ર છે. સોમનાથ, લોથલ કે કચ્છ... સર્વત્ર વિસર્જનથી સર્જન અને વિનાશથી નિર્માણની પ્રકૃતિનો અંદાજ મળે એ જ છે અસ્મિતા - ભાવ. સોમનાથનું તેમાં વિશેષ મહત્વ છે. તેના પરની વારંવારની ભીષણ ચડાઈ, લૂંટ, ખૂંખાર યુદ્ધ, આસ્થા પરના મજહબી ઝનૂનના પ્રહારો અને વિનાશ... આ બધું તો અહીંની માટીના દરેક કણમાં પડ્યા છે. પણ એ ઉપરાંત સ્થાનિક પ્રજા. પાટણના શાસકો, હેમચન્દ્ર આચાર્ય અને સનાતની બૃહસ્પતિ સાથે મળીને કરાવેલો જીર્ણોદ્ધાર, હમીરજી ગોહિલની યુદ્ધમાં આહુતિ પૂર્વે વેગડા ભીલની કન્યા સાથેનો નાત-જાત-વર્ણનો છેદ ઉડાડીને પ્રણય તેમજ લગ્ન, અને તે પછી યુદ્ધભૂમિમાં બન્નેના બલિદાન, ઘેલા સોમનાથ સુધી શિવલિંગ બચાવવા ઘેલાશાહ વણિક અને મુસ્લિમ સુલતાનની બેટીની સફર અને સમાધિની કથા, સોમનાથના મોરચે મહમ્મદ બેગડાના આક્રમણ વખતે સ્થાનિક મુસ્લિમોએ તેની સામે સોમનાથની સુરક્ષા કાજે શહિદી, છેક ઇન્દોરથી આવીને અહલ્યાબાઈ હોલકરે કરાવેલો જીર્ણોદ્ધાર અને સ્વાધીનતા પ્રાપ્તિ પછી ૧૯૪૭માં કેન્દ્ર સરકારના નાયબ વડા પ્રધાન સરદાર પટેલે નૂતન ભવ્ય સોમનાથના જીર્ણોદ્ધારનો કરેલો સંકલ્પ એ એવા પડાવો છે કે તેનાથી સમગ્ર ભારતનો ઈતિહાસ જો સમજવો હોય તો સમજાઈ જાય. આ ‘તો’ આપણા બૌદ્ધિક સંપ્રદાયને માટે વાપરવો પડતો શબ્દ છે.
દેશમાં એક વર્ષોથી ચાલી આવતી જમાત છે, જેનું લક્ષ્ય ડાબેરી અને ભારતીયતાવિરોધી નજરે ઈતિહાસ આલેખવાનું રહ્યું છે. ભારત વિભાજીત જ હતું, તેની પોતાની કોઈ એક સંસ્કૃતિ નહોતી, આર્ય પ્રજા બહારથી આવી હતી, અંગ્રેજોએ જ દેશને બદલાવ્યો... આ અને આવા ‘સંશોધનો’ કરવા માટે યુરોપીયન વિદ્વાનો અને ભારતમાં બૌદ્ધિક વર્ગનું અનુકરણ - આ બે પરિબળો કામે લાગ્યા. દુર્ગા ભાગવત નામે નખશીખ ભારતીય સંશોધકે તેમના લેખોમાં અને મારી સાથેની અંગત વાતચીતમાં એવા એક વિદ્વાનનું - વેરિયર એલ્વિન-નું કામ અને નામની ચર્ચા કરી છે. નેહરુ તેમનાથી ખાસ્સા પ્રભાવિત હતા એટલે સ્વતંત્ર ભારતમાં આજે પણ કોલેજોમાં તેનાથી મુગ્ધ અધ્યાપકો તેનું ગુણકીર્તન કરતા રહ્યા છે. વાસ્તવમાં આ વિદ્વાનનું મુખ્ય પ્રયોજન પૂર્વોત્તર ભારતની પ્રજામાં વંશીય સંશોધનના નામે અલગાવ પેદા કરવાનું હતું. આવા બીજા ઘણા ઉદાહરણો મળી આવશે.
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અધ્યાપકોના એક વર્ગે હમણાં એક પુસ્તક પ્રકાશિત કર્યું છે તેમાં ‘રાષ્ટ્રીયતા’ની નિંદા એ ચર્ચાનો મુખ્ય વિષય છે અને કેવી રાષ્ટ્રીયતા હોવી જોઈએ એનો પાનાં ભરીને આગ્રહ છે. આમાં કન્હૈયાઓ જેવા વિદ્યાર્થીઓ પેદા ન થાય તો જ નવાઈ. ખરેખર તો ભારત કોઈ એક દેશ છે જ નહિ એવા માનસિક - રાષ્ટ્રીય - પ્રાદેશિક - વર્ણ અને જાતિગત અલગાવને પેદા કરવાનું આ ‘પ્રગતિશીલ’ કારખાનું છે.
રોમિલા થાપર અહીંના વિદ્વાન ઇતિહાસકાર ગણાય છે. સોમનાથ પરના તેમના પુસ્તકને જો ઊંડાણથી - બિટવીન ધ લાઈન - વાંચવામાં આવે તો જ અંદાજ આવે કે થોડાંક ‘નક્કી કરી રાખેલા’ પુસ્તકો અને દસ્તાવેજોના આધારે સોમનાથ પરના મહમૂદ ગઝનવીના આક્રમણની તસ્વીર બદલાવવાનો ચતુરાઈપૂર્વકનો પ્રયાસ કરાયો છે. દિલ્હીમાં બેસીને સગવડતાપૂર્વકની અધ્યાપકીય જિંદગી જીવીને તેમણે પોતાની ડાબેરી કે પ્રગતિશીલ ‘પ્રતિબદ્ધતા’ સ્થાપિત કરવાનું કામ કર્યું છે. સૌરાષ્ટ્રમાં લોકમાન્યતા, લોકગીત, કથા - ઉપકથા, ત્યાંના પ્રત્યેક સ્થાનો, લખાણો આ બધાનો તેમાં અભાવ અને અનુપસ્થિતિ છે.
અરે એકલા નરોત્તમ પલાણ કે ગઢવી બારોટોએ રચેલા કવિત કે સોમનાથ અને તેની આસપાસના સ્થાનોની મુલાકાત યા હરિપ્રસાદ શાસ્ત્રી કે શંભુપ્રસાદ દેસાઈની સાથે બેસીને વિગતો મેળવી હોત તો? પણ આ પ્રકારના સંશોધકો પોતાના સિવાય અને પોતાની માન્યતામાં સંમત થનારા સિવાયના કોઈને મહત્વ આપતા જ હોતા નથી...
સોમનાથ દેવાલયના પ્રાંગણમાં દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિ દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને માટે સમગ્ર સોમનાથના અતીતથી આજ સુધીની યાત્રા કરાવતી રહી છે. બે વર્ષ પહેલા સોમનાથ ટ્રસ્ટની એક બેઠક દિલ્હીમાં થઇ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈતિહાસ બોધ આ કેન્દ્રની સાથે એક સંપૂર્ણ ભારતીય તરીકે જોડાયેલો રહ્યો છે. લાલ કૃષ્ણ અડવાણીએ તો રથયાત્રાનો પ્રારંભ જ અહીંથી કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટના મોભી પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ છે. સોમનાથ જ્યોતિર્લીંગ પ્રાણ-પ્રતિષ્ઠાની સુવર્ણ જયંતિ ૩૧ ઓક્ટોબર ૨૦૦૧ ના ઉજવવામાં આવી ત્યારે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ ઉપસ્થિત રહીને કહ્યું હતું કે ‘સોમનાથ આપણી સનાતન સંસ્કૃતિનું, શાશ્વત ધર્મનું અને ઇતિહાસમાં નિરંતર આવતા પરિવર્તનનું પ્રતિક છે, રાષ્ટ્રીય પ્રાર્થનાનું પણ એ પ્રતિક છે...’
સોમનાથ ટ્રસ્ટના એક નિર્ણય પ્રમાણે દૃશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિને ભવ્ય થ્રી-ડી સાથે આકાર આપવાનું નક્કી કરાયું એટલે તેની કથા આલેખન માટે ત્રણ સભ્યોની સમિતિ નિયુક્ત કરવામાં આવી. બીજા બે મિત્રો અન્ય કાર્યમાં વ્યસ્ત હતા એટલે છેવટે જવાબદારી મારા પર આવી. એકાદ કલાકમાં સમગ્ર સોમનાથ તેના અત્યંત પ્રાચીન વૈભવ અને ઉપાસના સાથે અર્વાચીન સુધી કઈ રીતે અડગ અને અડીખમ છે તે શબ્દસ્થ કરવા માટે તમામ દસ્તાવેજો, પુરાણ અને પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ, અર્વાચીન સંશોધક ઈતિહાસકારોના પુસ્તકો અને સોરઠની ધરતી સાથે જોડાયેલી આ સ્થાન વિશેષની કથા-ઉપકથાઓની આરપાર જવાનું થયું. અને તેને એક કલાકમાં સમેટીને પ્રસ્તુત કરવાની પ્રક્રિયા ચાલી.
ટ્રસ્ટના સક્રિય સભ્ય અને પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણભાઈ લહેરીએ સતત આગ્રહ રાખ્યો, પ્રવાસન વિભાગના શ્રી હૈદર અને નિત્યાનંદ શ્રીવાસ્તવ પણ આ કાર્ય સરસ રીતે પૂરું થાય તેમ ઇચ્છતા હતા. પછી પ્રસ્તુતિની તકનીકી ટીમ સાથે વારંવાર બેઠકો થઇ. બધાનો આગ્રહ અમિતાભ બચ્ચનના અવાજ માટેનો! પ્રયત્ન શરૂ થયો અને તેમાં સફળતા મળી. મુંબઈસ્થિત તેમના વિશાળ નિવાસસ્થાન-કાર્યાલય ‘જલસા’માં મળવાનું થયું. સમયના પાબંદ અમિતાભ એકદમ વિનમ્ર છે, સૌજન્યશીલ પણ છે, અને તેની સાથે જ સંપૂર્ણતાના આગ્રહી પણ. સ્ક્રિપ્ટ વાંચતા જ્યાં ક્યાય જરૂરી હતા તે સુધારાની અમે ચર્ચા કરી. એક બાબતમાં તેમની દ્વિધા એવી હતી કે આ કૃષ્ણ, મહાદેવ, કે અન્ય નામો હું બોલું છું ત્યારે તેની માનવાચક સંજ્ઞા હોય તો વધુ સારું!
‘તમે ઇતિહાસકાર છો, છેવટનો અભિપ્રાય તમારો’ એવું અમિતાભ બચ્ચન જ કહી શકે. બીજી વારની મુલાકાત દરમિયાન ‘કચ્છ નહીં દેખા તો.... કુછ નહી દેખા!’ ઉક્તિથી જગજાણીતા આ નાયકને ‘લંડનમાં ઇન્ડીયન સોશીયોલોજીસ્ટ’ પુસ્તક ભેટ આપતા મેં માંડવી કચ્છના પંડિત શ્યામજી કૃષ્ણવર્માનો પરિચય આપ્યો અને ઉમેર્યું કે તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિયેનામાંથી જાતે અસ્થિકુંભ લાવ્યા અને ભવ્ય સ્મારક ‘ક્રાંતિ તીર્થ’ નિર્માણ કર્યું છે તો આશ્ચર્યવત કહે: ‘અરે મેં તો માંડવી ગયા થા...’ તેમના ચહેરા પર અફસોસ હતો કે આવી મહાન જગ્યાએ પોતે ગયા નહીં. મને કહેવામાં આવ્યું હોત તો જરૂર ગયો હોત તેમ પણ જણાવ્યું તેના પ્રત્યુત્તરમાં મેં કહ્યું કે ફરી વાર કચ્છની મુલાકાત લો ત્યારે જજો. તેમને સ્મિત સાથે આ વાત સ્વીકારી.
સોમનાથ રાતે ખુલ્લા આકાશે ચન્દ્ર હોય કે અમાસનું અંધારું... દશ્ય-શ્રવ્યનો આધુનિક અંદાજ તમને દૂર સુધીના આપણા અતીત સુધી લઇ જશે.

