બ્રિટનમાં હે ફીવરની સીઝન આ વખતે ૧૦ દિવસ વહેલી શરૂ થવાની ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે અને લાખો લોકોએ ઓછામાં ઓછાં એક મહિના સુધી તેની તકલીફમાંથી પસાર થવું પડશે. હે ફીવર એક પ્રકારની ઘાસ, છોડવા અને વૃક્ષોની પરાગરજ (pollen)ની એલર્જી છે. જે લોકો ઈસ્ટરની રજાઓ માણવા ગયાં હશે તેમને વાતાવરણમાં લહેરાતાં પરાગરજ અથવા પોલનની સમસ્યા વધુ નડી હશે. મે મહિનામાં ઘાસની રજ કે પોલનની સીઝન શરૂ થતી હોય છે. હવાનું પ્રદુષણ પણ આ એલર્જીમાં આગવી ભૂમિકા ભજવે છે.
આ પરાગરજના કારણે લોકોના નાકની અંદરની દીવાલને અસર થાય છે, આંખો બળતરા અને ગળામાં સોજો પેદા થાય છે. પોલનમાં રહેલા ખાસ પ્રકારના પ્રોટીન તત્વની એલર્જીના કારણે છીંકાછીંક શરૂ થાય છે અને નાક-આંખમાંથી પાણી વહેવાનું શરૂ થાય છે. સાઉથ અને મિડલેન્ડ્સમાં બર્ચ અથવા ભૂર્જવૃક્ષોની સીઝન પૂરબહારમાં છે અને ઉત્તરના વિસ્તારોમાં તેનું આક્રમણ ટુંક સમયમાં શરૂ થઈ જશે. આ વર્ષે પ્રમાણમાં હુંફાળા શિયાળા અને વસંત ઋતુનાં વહેલાં આગમનના કારણે હે ફીવરની સીઝન વહેલી શરૂ થશે.
બ્રિટનમાં ૧૮ મિલિયન લોકો હે ફીવરથી પીડાતા હોય છે અને તેમાંના ચોથા ભાગના લોકોને બર્ચ વૃક્ષોની પોલનની એલર્જી હોવાનું કહેવાય છે. આ એલર્જીનો કોઈ ઉપચાર નથી પરંતુ, એન્ટિહિસ્ટામાઈન્સ અને સ્ટેરોઈડ જેવી સારવારથી તેના લક્ષણો પર કાબુ મેળવી શકાય છે. જોકે, આવી સારવાર પણ તબીબી ન દેખરેખ હેઠળ જ થવી જોઈએ. ડોક્ટરો આવી એલર્જી ધરાવતાં લોકોને ઘરની અંદર જ વધુ સમય વીતાવવા અને પરાગરજનું પ્રમાણ વધારે હોય તેવા ગાળામાં બારીઓ બંધ રાખવા સલાહ આપે છે. પિલ્સ અથવા ઈન્જેક્શનો લેવાની ત્રણ વર્ષની ઈમ્યુનોથેરાપી ઘણી અસરકારક હોવાનું સંશોધકો જણાવે છે.

