ઓકલેન્ડઃ ઉંમર તો માત્ર આંકડાની રમત છે એવું જો ચંદીગઢના વતની મનકૌર કહે તો આપણે સહુએ તેને ગંભીરતાથી લેવું જ રહ્યું. તેમણે ૧૦૧ની વર્ષની વયે વિશ્વવિક્રમ સર્જીને આ શબ્દોને સાર્થક કરી દેખાડ્યા છે. મનકૌરે વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સમાં સોમવારે ૧૦૦ મીટર રેસમાં ગોલ્ડ જીત્યો છે. ૧૦૦ પ્લસના વયજૂથમાં તે એકમાત્ર એથ્લીટ હતાં, પરંતુ તેમણે ૧ મિનિટ ૧૪ સેકન્ડમાં રેસ પૂરી કરીને અમેરિકાની ઈડા કિલિંગનો રેકોર્ડ તોડ્યો. કિલિંગે ગયા વર્ષે ૧ મિનિટ ૧૭ સેકન્ડનો રેકોર્ડ બનાવ્યો હતો.
વર્લ્ડ માસ્ટર્સ ગેમ્સ ઓલિમ્પિક્સની જેમ દર ચાર વર્ષે યોજાય છે. હાલમાં તેની નવમી સિઝન ચાલે છે. ૨૧ એપ્રિલથી શરૂ થયેલી અને ૩૦ એપ્રિલ સુધી ચાલનારા આ રમતોત્સવમાં ૩૫ વર્ષથી વધુ વયના ૨૫ હજાર ખેલાડીઓ જુદી જુદી ૨૮ રમતોમાં ભાગ લઈ રહ્યા છે.
મનકૌર બાળપણથી જ રમતગમત ક્ષેત્રે રસ ધરાવતા પ્રતિભાશાળી ખેલાડી છે એવું પણ નથી. તેમને જિંદગીના નવ દસકા પછી તો રમતગમતમાં રસ પડ્યો. માત્ર ૮ વર્ષ પહેલાં એથ્લેટિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. પુત્ર ગુરુદેવ સિંહે તેમને ઈન્ટરનેશનલ માસ્ટર્સ ગેમ્સમાં ભાગ લેવાનું સૂચન કર્યું. મનકૌર અત્યાર સુધીમાં અંદાજે ૧૨ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યાં છે અને ૧૭ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી ચૂક્યાં છે.
જોકે મનકૌરને રમતગમતના મેદાનમાં પોતાના પ્રદાનથી હજુ સંતોષ નથી. તેમણે ૧૦૦ મીટર રેસમાં ભલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો, પરંતુ હજુ તેઓ શોટ પુટ, જ્વેલિન થ્રો અને ૨૦૦ મીટર રેસમાં ઉતરવાના છે. મનકૌરનો ઇરાદો આ વર્ષે પોતાના મેડલની સંખ્યા ૨૦ કરવાનો છે. આથી જ તેઓ ટુર્નામેન્ટમાં વધુ ત્રણ સ્પર્ધામાં ભાગ લેવા સજ્જ થઇ રહ્યા છે.

