કિંગ્સટનઃ યુનુસ ખાન ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર રન પૂરા કરનાર પાકિસ્તાનનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. તેણે વેસ્ટ ઇન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન ૨૩મો રન કરતાં જ આ સિદ્ધિ પોતાના નામે કરી હતી. યુનુસ આવી સિદ્ધિ મેળવનાર વિશ્વનો ૧૩મો ક્રિકેટર બન્યો છે. આવી સિદ્ધિ સૌપ્રથમ ભારતના દિગ્ગજ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે ૩૦ વર્ષ પહેલા ૧૯૮૭માં મેળવી હતી. ભારતના કુલ ત્રણ બેટ્સમેનોએ ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર અથવા તેના કરતા વધારે રન બનાવ્યા છે. આ સાથે જ પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં સાતમો એવો દેશ બન્યો છે જેના તરફથી ઓછામાં ઓછા એક બેટ્સમેને ૧૦,૦૦૦ રન પુરા કર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી એલન બોર્ડર, વિન્ડીઝ તરફથી લારા, આફ્રિકા તરફથી કાલિસ, શ્રીલંકા તરફથી મહેલા જયવર્દને, ઇંગ્લેન્ડ તરફથી એલિસ્ટર કૂકે સિદ્ધિ પ્રથમ વખત મેળવી હતી.

