આમિર ખાનની ‘દંગલ’ ચીનમાં નવા નામ સાથે રિલીઝ થવા જઈ રહી છે અને રિલીઝ પહેલાં ૭મા ઇન્ટરનેશનલ બિજિંગ ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો પ્રિવ્યૂ શો તાજેતરમાં યોજાયો હતો. આ શો હાઉસફુલ હતો. ‘દંગલ’ ફિલ્મ ચીનમાં ‘શૂઆઇજિયો બાબા’ નામે રિલીઝ થઈ છે. જેનો અર્થ ‘ચાલો કુસ્તી કરીએ પપ્પા...’ એવો થાય છે. આમિર ખાન પહેલો એવો ભારતીય એક્ટર છે જેને ચીનમાં આટલી બધી પ્રસિદ્ધિ મળે છે. આ અગાઉ તેની ‘થ્રિ ઇડિયટ્સ’, ‘પી.કે.’ અને ‘ધૂમ-૩’ પણ ચીનમાં રિલીઝ થઈ હતી. ‘દંગલ’નું ચાઇનીઝ ભાષામાં સ્ક્રીનિંગ થયું ત્યારે પ્રખ્યાત ચીની એક્ટર વૂ ગાંગ સહિત ઘણા કલાકારો હાજર રહ્યા હતા. આમિરની ફિલ્મનો પહેલો પ્રિવ્યૂ શો થયો ત્યારે તેની ટિકિટનો એટલો ઉપાડ થયો કે આમિર પણ તેના મહેમાનો માટે ટિકિટ લઈ શક્યો નહોતો. આમિર ખાન હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે ચીનમાં છે અને તેની સાથે ‘દંગલ’ના ડાયરેક્ટર નીતિશ તિવારી છે. તેઓ શાંઘાઈ અને ચેંગડુ પણ જવાના છે. ‘દંગલ’ ૬ઠ્ઠી મેએ ચીનના થિયેટરોમાં રિલીઝ થવાની છે.

