વોશિંગ્ટન, તા. ૨૦ઃ યુએસ કોર્ટે અમદાવાદમાંથી દોરીસંચાર થતા કરોડો રૂપિયાના કોલ સેન્ટર કૌભાંડમાં મોન્ટુ બારોટ (૩૦) અને નીલેશ પંડ્યા (૫૪)ને દોષી ઠેરવ્યા છે. અમેરિકી સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના જણાવ્યા પ્રમાણે કૌભાંડમાં અત્યાર સુધીમાં ૫૪ આરોપી દોષિત ઠર્યા છે, જેમાં મોટા ભાગના ગુજરાતી છે. મોન્ટુ બારોટ થોડાક સમય પહેલાં જ ભારતથી અમેરિકા આવ્યો છે જ્યારે નીલેશ પંડ્યા ટેક્સાસનો રહેવાસી છે. કૌભાંડમાં કુલ પાંચ કોલ સેન્ટર સંડોવણી બહાર આવી છે.
કોર્ટમાં રજૂ થયેલા આરોપનામા મુજબ મોન્ટુ બારોટ અને નીલેશ પંડ્યા તથા અન્ય આરોપીઓએ મળીને અમેરિકનોને ફસાવવા માટે વ્યવસ્થિત ઢબની યોજના બનાવી હતી. અમદાવાદથી દોરીસંચાર થતા કૌભાંડમાં આરોપીઓ આઇઆરએસ તથા યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસના અધિકારી હોવાનો ડોળ કરીને અમેરિકનો પાસેથી ડૉલર ખંખેરી લેતા હતા. અમેરિકાભરમાં ફેલાયેલા લોકોનો ટેલિફોન દ્વારા સંપર્ક સાધીને ફસાવવામાં આવતા હતા. માટે અમેરિકામાં વસતા અનેક ગુજરાતીઓની પણ મદદ લેવામાં આવી હતી. અમેરિકામાં વસતા ગુજરાતીઓ હવાલા મારફતે નાણાં ભારત મોકલવાનું કામ પણ કરતા હતા.
અગાઉ દોષી ઠરેલા અન્ય ગુજરાતીઓ
કોલ સેન્ટર કૌભાંડમાં એપ્રિલ અને જુલાઇમાં અમેરિકી કોર્ટે સહ-આરોપીઓ ભરત પટેલ, અશ્વિન ચૌધરી, હર્ષ પટેલ, નીલમ પરીખ, હાર્દિક પટેલ, રાજુભાઈ પટેલ, વિરાજ પટેલ, દિલીપ એ.પટેલ, ફહાદ અલી, ભાવેશ પટેલ અને અસ્મિતાબેન પટેલને દોષી ઠેરવ્યાં હતાં.
‘રનર્સ’ના નેટવર્કમાં અનેક ગુજરાતી
કોલ સેન્ટર કૌભાંડ પાર પાડવા માટે અમેરિકાસ્થિત રનર્સની મહત્વની ભૂમિકા રહેતી. ભારતસ્થિત કોલ સેન્ટર દ્વારા ધાકધમકી આપીને જે અમેરિકનો પાસેથી નાણાં ખંખેરવામાં આવતા તેનો વહીવટ રનર્સ દ્વારા કરવામાં આવતો. નાણાં કેશકાર્ડ તથા અન્ય માધ્યમથી મેળવવામાં આવતા. રનર્સનું કામ નાણાં જે-તે બેન્ક ખાતામાં જમા કરાવવાનું તથા ભારત પૈસા મોકલવાનું રહેતું. હાલમાં દોષી ઠરેલો મોન્ટુ બારોટ રનર તરીકે કામ કરતો હતો.

