ભારતની સમસ્યા -

Monday 24th July 2017 11:00 EDT
 

ભારતની સમસ્યા

તા.૧૫-૭-૧૭ના ગુજરાત સમાચારનો અંક મળ્યો. પાન નં.૧૦ પર લાલુપ્રસાદ કાનૂની સકંજામાં સમાચાર વાંચ્યા. ભારતમાં તો આવા નેતાઓની કોઈ ખોટ નથી. ભારતમાં વીજળી ફાજલ હોવા છતાં તેની અછત છે. તેનું કારણ પુષ્કળ પ્રમાણમાં થતી વીજચોરી છે.

કર્ણાટક રાજ્ય તેના સ્વતંત્ર ધ્વજની માગણી કરે છે.સરદાર વલ્લભભાઈ પટેલે ભારતને જોડ્યું અને અત્યારે અમુક રાજકારણીઓ ભારતને તોડવાની વાતો કરે છે.

ભારતમાં તોફાનોને લીધે દેશને રોજ કરોડો રૂપિયાનું નુક્સાન થાય છે.ત્યારે આપણે ચેરિટીથી પેનીઓ ભેગી કરીને ત્યાં મોકલવાના પ્રોગ્રામ કરીએ છીએ, તો આપણે તેના વિશે વિચારવાની જરૂર નથી ?

બીજી વાત, પ્રજાની વફાદારી અને દેશભક્તિ - ભારતમાં દેખાય છે ? જાપાન જુઓ અને વિચારો.

- રજનીકાંત એમ પટેલ, હેરોગેટ

ભારતના ૧૪મા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

આપણા ગુજરાત સમાચારના તા ૨૨ જુલાઈ ના અંકના પ્રથમ પાને ભારતના રાષ્ટ્રપતિના વિસ્તૃત સમાચાર વાંચીને જણાવવાનું કે રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાનમાં એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદ ભારે બહુમતીથી ચૂંટાયા.વિપક્ષના સુશ્રી મીરાંકુમારનો પરાજય થયો.કોંગ્રેસ ના સોનિયાગાંધીના વલણને લીધે આ ચૂંટણી થઈ. જો કે વિપક્ષ પાસે જીતી શકાય તેટલા મત ન હોવા છતાં વિપક્ષે રાષ્ટ્રપતિને બિનહરીફ ચૂંટાવા દીધા નહીં, જે ખૂબ દુઃખદાયક છે. સોનિયા ગાંધીની રણનીતિ નિષ્ફળ રહી. આગામી પાંચ ઓગસ્ટ ના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુ સામે વિપક્ષે ગાંધીજીના પૌત્ર અને બંગાળ ના ભૂતપૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને ઉભા રાખ્યા છે.

૫મીઓગસ્ટે પણ એનડીએના વેંકૈયા નાયડુ ચૂંટાશે અને ભારતમાં ત્રણેય સર્વોચ્ચ હોદા પર એનડીએના હોદેદારો બિરાજમાન થશે જે ભારતના હવે પછીના ઇતિહાસમાં ગર્વ લેવા જેવું બનશે.

હાલ ગુજરાત સહિત ભારતમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. આ વર્ષ ખુબ જ શુકનિયાળ સાબિત થશે. ખેડૂતોની નારાજગી દૂર થશે અને ભારતમાં જીએસટી ઐતિહાસિક રીતે અમલી બનવાથી સમય જતા તેને પ્રસિદ્ધિ મળશે, તેમાં કોઈ શંકા નથી.

ભરત સચાણીયા, લંડન

મંદિર વિરુદ્ધ શૌચાલય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી હાકલ કરી કે મંદિર નહીં, ટોઈલેટ બનાવો. તેની પાછળ પ્રભુસેવા કરતા જનસેવા કરવાનો બુલંદ સંદેશ છે. પ્રભુ કહે છે, હું દરેક મનુષ્યના આત્મામાં વસુ છું. તેમની સેવા તે મારી જ સેવા છે. મગનો માસ્ટર મેકવાન થઈ ગયો. તેની પાછળ હિંદુઓ અનુકંપા નહીં પણ ઉપહાસ કરે. મગનભાઈને હિંદુઓએ અવગણ્યો પણ પાદરી બાવાએ તેને ઉગાર્યા. પંડિતો દૂધ દહીંથી મૂર્તિપૂજા કરે તેમને બહાર ઉભેલા ગરીબો દેખાય નહીં.મનુષ્ય સેવાથી હિંદુઓ ક્રિશ્ચિયન થયા. આજે પણ દલિતો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. મંદિરો, પૂજા પાઠમાં અઢળક નાણા-સમયની બરબાદી થાય અને સમાજ કલ્યાણો સામે અવરોધ પણથાય છે. આજની ભીડભાડમાં રસ્તા વચ્ચે આવતું મંદિર ન તોડાય પણ કરોડોના ખર્ચા કરીને રસ્તાને વાંકોચૂકો કરીને અકસ્માતને આવકારે, વિકાસ રોકે. આ અંધશ્રદ્ધાનું નિવારણ જ્ઞાન છે, જે ૬૫ ટકા પ્રજા પાસે નથી. ધનવાન લોકો કાળા નાણા આપી આશીર્વાદ ખરીદવા જાય છે.

- મનુભાઈ પટેલ, સરે


    comments powered by Disqus