UKIPના મેનિફેસ્ટોમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે બુરખા પર પ્રતિબંધ

Saturday 27th May 2017 08:28 EDT
 

લંડનઃ યુકે ઈન્ડિપેન્ડન્ટ પાર્ટી (UKIP)એ આગામી ૮મી જૂને યોજાનારી સામાન્ય ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો હતો. તેમાં જણાવાયું હતું કે તેમનો પક્ષ સત્તા ઉપર આવશે તો જાહેરમાં બુરખો પહેરવા પર પ્રતિબંધ મૂકશે. તેના કારણમાં જણાવાયું હતું કે બુરખાને લીધે મહિલાઓને વિટામિન ડી મળતું નથી અને તેમનામાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે.

વધુમાં, બુરખો સમાજની એકતા માટે અને એકબીજા વચ્ચે સીધા સંવાદમાં અંતરાય ઉભો કરે છે. બુરખાના કારણે ઓળખ પણ સ્પષ્ટ ન થતી હોવાની સમસ્યા સર્જાય છે. બુરખા ઉપર પ્રતિબંધ મૂકીને નવી શરૂઆતની વાત મેનિફેસ્ટોમાં કરવામાં આવી હતી.

UKIP ના વડા પોલ નાતાલે ઘોષણા પત્રમાં જણાવ્યું હતું કે બુરખાના કારણે કોઈ ઘરેલું હિંસા થઈ હોવાના પૂરાવા મળતા નથી. મહિલાઓને સમાન હક્ક આપવાના ઉદ્દેશ્યથી બુરખા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે.

UKIPએ ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરવાની સાથે રશિયાની સરકાર સાથે સંબંધ મજબૂત બનાવવાનો પણ મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કર્યો હતો.


comments powered by Disqus