છેલ્લાં ૩૦ વર્ષથી ગીત-સંગીતના માધ્યમથી યુરોપ, અમેરિકા, કેનેડા સહિત ૩૦થી વધુ દેશોમાં ૩૦૦૦થી વધુ કાર્યક્રમો રજૂ કરી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરી રહેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગાયક શ્રી વિનોદ પટેલ પાંચ સપ્તાહ માટે યુકેના પ્રવાસે પધારેલ છે.
જાપાન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં જનારા તેઓ પ્રથમ ગુજરાતી ગાયક હતા. ભજન, કિર્તન, ગુજરાતી ગીત, ગઝલ, લોકગીત, દોહા-છંદ ઉપરાંત હિન્દી ભક્તિ સંગીત દ્વારા તેમણે ભારે લોકચાહના મેળવી છે. તેમના કંઠે સ્વામિનારાયણ કિર્તન, વૈષ્ણવ કિર્તન, જૈન, ભાવના, સોળ સંસ્કાર, શ્રી રામ ગાન, ગુજરાતી ગીત - ગઝલ અને વિવેકાનંદ સંગીત કાર્યક્રમ સાંભળવો એ પણ એક લ્હાવો છે. અત્યાર સુધીમાં તેમની ૭૫ ડીવીડી-સીડી રજૂ થઈ છે.
તેમણે અમદાવાદના ગાંધર્વ મહાવિદ્યાલયમાંથી સંગીત વિશારદ તથા સંગીત શિક્ષાવિશારદ (ગાયન)માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તેઓ ગુજરાતી વિષય સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એમ.એ થયેલા છે. તેઓ આકાશવાણી, રાજકોટના ‘એ’ ગ્રેડના લોકસંગીત કલાકાર છે. દેશ-વિદેશમાં ૧૫ જેટલાં એવોર્ડથી તેમનું સન્માન થયેલ છે. તાજેતરમાં વિનોદ પટેલને ગુજરાત સરકાર દ્વારા રત્નાકર એવોર્ડથી સન્માનિત કરાયા હતા. અગાઉ ૨૦૧૩માં તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ પણ એનાયત કરાયો હતો.
સંપર્ક. 07440 061 307.

