લંડનઃ કેગિસો રબાડા, વેઇન પાર્નેલે તરખાટ મચાવતા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વન-ડેમાં પ્રવાસી સાઉથ આફ્રિકાનો સાત વિકેટે આસાન વિજય થયો હતો. પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડની ટીમ ૧૫૩માં ખખડી ગઇ હતી. આફ્રિકાએ આ લક્ષ્યાંકને ૨૮.૫ ઓવરમાં ૩ વિકેટના ભોગે વટાવીને વિજય મેળવ્યો હતો. આમ ઇંગ્લેન્ડે શ્રેણી ૨-૧થી જીતી હતી.
આફ્રિકાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો હતો. ઇંગ્લેન્ડ માટે દુ:સ્વપ્ન સમાન શરૂઆત રહી હતી અને એક તબક્કે તેનો સ્કોર માત્ર ૨૦ રનમાં ૬ વિકેટ હતો. બાદમાં બેરિસ્તો અને લોઅર ઓર્ડર બેટ્સમેનોની સહાયથી ઇંગ્લેન્ડ કંઇક અંશે સન્માનજનક સ્કોરે પહોંચી શક્યું હતું. આફ્રિકાએ ઇંગ્લેન્ડ સામે લોર્ડસમાં પ્રથમ વાર વન-ડે વિજય મેળવ્યો છે.
અગાઉ સાઉથટમ્પનમાં રવિવારે રમાયેલી બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડે બે રને રોમાંચક વિજય મેળવ્યો હતો. સ્ટોક્સની (૧૦૧) સદી, બટલરના અણનમ ૬૫ અને વુડની અંતિમ ઓવરમાં ચુસ્ત બોલિંગની મદદથી ઇંગ્લેન્ડે આફ્રિકા સામેની બીજી વન-ડેમાં બે રને રોમાંચક વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં ૨-૦થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.

