અમદાવાદ, તા. ૨૮ઃ બોગસ પાસપોર્ટના આધારે અમદાવાદથી નાઈરોબી અને મોરક્કો થઇને કેનેડા પહોંચવા માગતા મહેસાણાના દંપતીને અમદાવાદ ઈમિગ્રેશન વિભાગે ઝડપી લીધું છે. દંપતીએ આ બોગસ પાસપોર્ટ બનાવવા માટે મુંબઈના એજન્ટને રૂ. ૭૦ લાખ ચૂકવ્યા હતા.
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટના ઈમિગ્રેશન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહેસાણાના કાલાભાઈ પટેલ (૩૦) અને વર્ષાબેન પટેલ (૨૫) ૨૭ મેના રોજ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. અધિકારીઓએ બંનેના પાસપોર્ટ જોતા તેમાં દક્ષિણ ભારતીયોના નામ જોવા મળતાં અધિકારીઓને શંકા ગઈ હતી. આથી પાસપોર્ટ તપાસતા બંને પાસપોર્ટ બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી દંપતીની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યાં હતાં.
તેમણે જણાવ્યું હતું કે, કલોલના હાર્દિકભાઈ નામના એક વ્યક્તિએ મુંબઈના એજન્ટની મુલાકાત કરાવી હતી. આ એજન્ટે બોગસ પાસપોર્ટ બનાવી આપ્યો હતો જેના આધારે તેઓ નાઈરોબી અને મોરક્કો થઇને કેનેડા પહોંચવાના હતા. આ માટે દંપતીએ રૂ. ૭૦ લાખ મુંબઈના એજન્ટને ચૂકવ્યાં હોવાનું બહાર આવ્યું છે.
