બ્રિટિશ પોલીસને ૧૯ વર્ષ સુધી થાપ આપનાર ચોર અમેરિકાથી ઝડપાયો

Monday 29th May 2017 06:03 EDT
 

લંડનઃ ૧૯૯૩માં બ્રિટનમાં ૧.૬ મિલિયન ડોલરનીચોરી કરીને ફરાર થઈને ૧૯ વર્ષ સુધી તપાસ એજન્સીઓને થાપ આપનાર એડી માર તેના પુત્ર અને પુત્રવધુના કારણે ૧૯ વર્ષ પછી ઝડપાઈ ગયો હતો. હકીકતે, ચોરી કર્યા પછી એડી અમેરિકા જતો રહ્યો હતો અને ત્યાં નામ બદલીને રહેતો હતો. વર્ષો પછી એડીની પુત્રવધુએ અટક પરથી ઈન્ટરનેટ પર સર્ચ કરીને તેના ગુનાની માહિતી મેળવીને તેને પોલીસના હવાલે કર્યો હતો. ૨૦૧૨માં એડીને પાંચ વર્ષની જેલ થઈ હતી.

એડી ઈંગ્લેન્ડમાં પ્રાઈવેટ બ્રિટિશ સિક્યુરિટી એજન્સીમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. જાન્યુઆરી ૧૯૯૩માં એક બેંકની ૧.૬ મિલિયન ડોલરની રકમ લઈને તે વાન સાથે ફરાર થઈ ગયો હતો. આ રકમનું અત્યારનું મૂલ્ય ૧૦ કરોડ રૂપિયા જેટલું થાય છે. પોલીસે એડીની ઘણી જગ્યાએ શોધખોળ કરી હતી. પરંતુ, તે હાથ લાગ્યો ન હતો. પોલીસે તેના માથે ૧.૩ લાખ ડોલર (૮૪ લાખ રૂપિયા)નું ઈનામ પણ જાહેર કર્યું હતું.

એડી અમેરિકામાં રહેતો હતો. તેણે તેના પુત્ર લીને સત્ય, નિષ્ઠા અને ઈમાનદારી પાઠ ભણાવ્યા હતા. જોકે, તે મોટો થયો ત્યારે તેણે એડીના કરતૂતોની વાત પોતાની પત્ની જેસિકાને કરીઅને તેણે એડીને જેલભેગો કરાવ્યો હતો. તાજેતરમાં જ એડીની આત્મકથા પ્રસિદ્ધ થઈ છે જે લોકોને ખૂબ ગમી હતી.

નાણાં લઈને અમેરિકા ફરાર

એડી બ્રિટનથી લૂંટેલા નાણાં લઈને અમેરિકા ભાગી ગયો હતો. તેનું માનવું હતું કે અમેરિકા મોટો દેશ છે અને ત્યાં નવી વ્યક્તિની બહુ પૂછપરછ થતી નથી. તેણે પત્ની ડેબી અને પુત્ર લીને અગાઉ જ અમેરિકા મોકલી દીધા હતા. ૧૯૯૭માં બીજા પુત્રનો જન્મ થયો. તેનું નામ માર્ક રખાયું હતું.

પુત્રવધુએ પોલીસને માહિતી આપી

પુત્ર લી મોટો થતા તેના લગ્ન જેસિકા સાથે થયા હતા. એક દિવસ લીએ તેની પત્નીને જણાવ્યું હતું કે તેના પિતા એક ભાગેડુ ગુનેગાર હોય તેવું તેને લાગે છે. લી તેના પિતાથી અલગ પોતાની મૂળ અટક જ લખતો હતો. તે અટકથી ઈન્ટરનેટ પર સર્ચ કરતા જેસિકાને ઈંગ્લેન્ડની બેંકની લૂંટ અને એડીના માથે રખાયેલા ઈનામની માહિતી મળી હતી. જેસિકા ૬ ફેબ્રુઆરી ૨૦૧૨ના રોજ ઓઝાર્ક પોલીસ સ્ટેશને ગઈ અને જણાવ્યું કે તે બ્રિટિશ બેંક લૂંટનારા ભાગેડુને જાણે છે. જોકે, એડીએ આ વખતે ક્યાંય નહીં ભાગવાનું નક્કી કર્યું હતું. તેમણે પોતાના પુત્રોની હાજરીમાં પોતાની ઓળખ છતી કરી હતી. એડીએ જણાવ્યું હતું,‘ મારું નામ એડી છે અને તમારી માતાનું નામ સારા નહીં પણ ડેબી છે.’

એડીને જુલાઈ ૨૦૧૨માં બ્રિટન લવાયો હતો. આઠ મહિના પછી તેને ચોરીના ગુનામાં પાંચ વર્ષની સજા ફરમાવાઈ હતી. પરંતુ, જાન્યુઆરી,૨૦૧૫માં જ તેને છોડી મૂકવામાં આવ્યો હતો.


comments powered by Disqus