મિત્રોનું બિલ ચૂકવવા એકાઉન્ટન્ટે હોટલના નાણાંની ઉચાપત કરી

Monday 29th May 2017 09:28 EDT
 
 

લંડનઃ રીજન્ટ્સ પાર્ક નજીક ફોર સ્ટાર દાનુબીયસ હોટલમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા ૪૨ વર્ષીય નાસીર અહેમદને તે જ હોટલમાં પોતાના મિત્રો અને તેમના પરિવારોના રોકાણ માટે હોટલના એક એકાઉન્ટમાંથી ૧૧૦,૦૦૦ પાઉન્ડની ચોરી કરવા બદલ ગુનેગાર ઠેરવવામાં આવ્યો હતો. સાઉથ વોર્ક ક્રાઉન કોર્ટના જજ માઈકલ ગ્લેડહિલે આગામી ૨૮ જૂને તેને સજા સંભળાવતા અગાઉ જામીન પર છોડ્યો હતો.

અહેમદે મિત્રોના બીલની ચૂકવણી માટે કોમ્પ્યુટર સિસ્ટમ હેક કરીને આ ફોર સ્ટાર હોટલના એક ખાતામાંથી નાણાં ડાઈવર્ટ કર્યા હતા. સેન્ટ જહોન વુડની લોજ રોડની આ હોટલમાં બે મહિના સુધી રોકાયેલા એક સંબંધીને ક્રેડિટ કાર્ડથી ૪૭૫ પાઉન્ડનું રીફંડ અપાયું હતું તે ૨૦૧૩માં ઓડિટરના ધ્યાન પર આવતા અહેમદનો ગોટાળો ઝડપાયો હતો. તપાસમાં જણાયું હતું કે અહેમદે ક્રેડિટ કાર્ડથી ૨૩,૧૮૧ પાઉન્ડ, કેશથી ૪૮,૧૨૬ પાઉન્ડ, બેંક કાર્ડ ટ્રાન્ઝેક્શનથી ૪૪,૮૬૨ પાઉન્ડ અને ૩૨૫૫ પાઉન્ડ રીસેપ્શન કેશ રીફંડ પેટે આપ્યા હતા.

ડોલીસ હિલના ચેપ્ટર રોડ ખાતે રહેતા અહેમદે અગાઉ ઓલ્ડ બેલી કોર્ટમાં દાવો કર્યો હતો કે તે સહકર્મીઓના રંગદ્વેષી ષડયંત્રનો ભોગ બન્યો હતો. તે ૨૦૦૧માં હોટલના એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જોડાયો હતો અને પાછળથી ફાઈનાન્સિયસ કન્ટ્રોલર તરીકે તે હોટલની કોમ્પ્યુટર સિસ્ટમ ઓપરેટ કરી શકતો હતો.

હોટલમાં રોકાયેલા ગેસ્ટ દ્વારા બ્રેકફાસ્ટ માટે ચૂકવાયેલી રકમ અલગ ખાતામાં રખાઈ હતી. તેના પર કોઈનું ધ્યાન ન હતું. તે અહેમદની નજરે ચડ્યું હતું અને તેમાં મોટી રકમ હતી, જે તેણે મિત્રોના રોકાણના બીલ પેમેન્ટ માટે ડાઈવર્ટ કરી હતી.

અહેમદે હોદ્દાના દુરુપયોગથી છેતરપિંડીના ત્રણ કાઉન્ટ અને ખોટા એકાઉન્ટિંગનો એક કાઉન્ટ કબૂલ કર્યો હતો.


comments powered by Disqus