મુંબઈ/નવી દિલ્હી: અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપ (એડીએજી) ગ્રૂપની રિલાયન્સ કોમ્યુનિકેશનની નાણાકીય સ્થિતિ ક્રેડિટ રેટિંગ એજન્સીઓની ધારણા કરતાં વધુ ગંભીર છે. એડીએજી ગ્રૂપની મોબાઇલ કંપની ૧૦થી વધારે સ્થાનિક બેન્કોની લોન ચૂકવવામાં નિષ્ફળ ગઈ છે. કેટલીક બેન્કોએ આ એક્સ્પોઝરને પોતાની એસેટ બુકમાં ‘સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ’ (એસએમએ) તરીકે સ્થાન આપ્યું છે.
એસએમએ એસેટ્સ એવી લોન હોય છે જ્યાં ઋણધારક માટે વ્યાજની ચૂકવણી બાકી હોય. રકમ ભરવાની બાકી હોય તેના ૩૦ દિવસની અંદર લોન ચૂકવવામાં આવે તો તેને એસએમએ-૧માં મૂકાય છે અને ૬૦ દિવસ સુધી ન ચૂકવાય તો એસએમએ-૨માં મૂકાય છે. જો વ્યાજની ચુકવણી ૯૦ દિવસ સુધી ન કરાય તો આવી લોન એનપીએ બને છે. એટલે કે આ રકમ માટે બેન્કે વ્યવસ્થા કરવી પડે છે અને તેની નફાકારકતા પર એટલો ફટકો પડે છે. એક બેન્કના અધિકારીએ જણાવ્યું કે ઓછામાં ઓછી ૧૦ સ્થાનિક બેન્કોએ આરકોમને આપેલી લોનને એસએમએ-૧ અથવા એસએમએ-૨માં મૂકી છે.
રેટિંગ એજન્સીઓ ઇકરા અને કેરે આરકોમના બોન્ડને ડાઉનગ્રેડ કર્યા બાદ છેલ્લાં બે સપ્તાહમાં આરકોમનો શેર ૨૦ ટકાથી વધારે ઘટ્યો છે. ભારતીય ટેલિકોમ બજારમાં દબાણ છે અને કંપનીઓ દેવાના ડુંગર હેઠળ દબાયેલી છે.

