‘સચિન અ બિલિયન ડ્રીમ’ એક સ-રસ ડોક્યુમેન્ટરી

Wednesday 31st May 2017 09:27 EDT
 
 

ભારતના માસ્ટરબ્લાસ્ટર સચિન તેન્ડુલકરના જીવનકવનને રજૂ કરતી આ ફિલ્મ ભલે ‘અઝહર’ કે ‘એમ. એસ. ધોની’ જેવી બાયોપિક ન હોય, પરંતુ રસપ્રદ ડોક્યુમેન્ટરી તો છે જ. ફિલ્મ દિગ્દર્શક જેમ્સ એટકિન્સને આ ડોક્યુમેન્ટરીમાં રિઅલ ફૂટેજ દ્વારા સ્ક્રિપ્ટમાં પ્રાણ પૂરવાની કોશિશ કરી છે અને એટલે તમને મજાય એવી જ આવશે. ફિલ્મમાં સચિનના પરિશ્રમને હાઈલાઈટ કરતાં સંદેશ અપાયો છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. સચિનની લાડકવાયી દીકરી સારાહથી ડોક્યુમેન્ટરી શરૂ થાય છે. સચિને નવજાત સારાને હાથમાં લીધી છે. ત્યારબાદ કથા સચિનના બાળપણ તરફ આગળ વધે છે. નટખટ સચિનની ધમાલમસ્તીના ફૂટેજ સુંદર રીતે રજૂ થયા છે. સચિનના બાળપણના વીડિયો ફૂટેજ અને ફોટોગ્રાફ્સનો ઉપયોગ થયો છે તો સચિનને જ મુખ્ય સૂત્રધાર બનાવાયો છે. આ ઉપરાંત પત્ની અંજલિ, દિગ્ગજ ક્રિકેટરો સુનિલ ગાવસ્કર, કપિલ દેવ અને રવિ શાસ્ત્રીના ઈન્ટરવ્યુ દ્વારા સચિનની કથાના પ્લોટને રસપ્રદ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. કથામાં સદીના મહાનાયક ‘બીગ બી’નો પણ ઈન્ટરવ્યુ છે. તેઓ કહે છે કે સચિન જબ ફિલ્ડ પે આતે હૈ તો સબ કી ઉમ્મીદે બઢ જાતી થી... આ પછી ૧૯૮૩ના વર્લ્ડ કપના ફૂટેજ માસ્ટર બ્લાસ્ટર સચિનના જીવનમાં કઇ રીતે વળાંક લાવે છે તેની વાત છે. ૧૯૮૩ના વર્લ્ડ કપ પછી સચિન વર્લ્ડ કપ જીતવાનું સ્વપ્ન જૂએ છે. અલગ અલગ લોકો દ્વારા ડોક્યુમેન્ટરીની કથા આગળ વધે છે અને એ જ પ્રેક્ષકોને જકડી રાખે છે.
ડોક્યુમેન્ટરીમાં સિનિયર પ્લેયર અઝહરુદ્દીન સાથે ખટખટ બહુ સારી રીતે દેખાડવામાં આવી છે.
રિઅલ ફૂટેજમાં માસ્ટર બ્લાસ્ટર સચિન પોતાના ફેન્સને ઓટોગ્રાફ આપી રહ્યા છે અને બાજુમાં અઝહરુદ્દીન બેઠો છે. સાથે સાથે રવિ શાસ્ત્રીની કોમેન્ટરી જ્યાં તે ઈશારામાં કહી રહ્યા છે કે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કેવી રીતે લાઈમલાઈટ બદલાઈ રહી છે.
બાહુબલીથી માંડી શાહરુખ, સલમાન, આમિર જેવા સ્ટાર્સની ફિલ્મો વચ્ચે આ ફિલ્મ છે જેમાં ક્રિકેટનો સ્ટાર સ્વયં હીરો છે અને તે પણ અભિનય કર્યા વિના. આ એક નવી જ શૈલી છે જેમાં કથા કહેવાય છે, પણ દસ્તાવેજી ફિલ્મની શૈલી સાથે.


comments powered by Disqus