ઓસ્કારની વિદેશી ફિલ્મોની કેટેગરીમાં ભારતીય ‘ન્યૂટન’

Wednesday 27th September 2017 06:56 EDT
 
 

અમિત મસૂકરે દિગ્દર્શિત અને રાજકુમાર રાવ અભિનિત ‘ન્યૂટન’ આ વર્ષે ઓસ્કાર એવોર્ડ્સમાં દુનિયાભરની ટોચની ફિલ્મો સાથે મુકાબલો કરશે.
નૂતનકુમારમાંથી ‘ન્યૂટન’ બનીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાં ચૂંટણી કરાવવાની જવાબદારી લેનાર વ્યક્તિની વાર્તા પર આ ફિલ્મ છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ઓસ્કારની વિદેશી ફિલ્મોની કેટેગરીમાં સ્પર્ધા માટે ‘ન્યૂટન’ને ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મોકલી છે.
ઇન્ડિયન ફિલ્મ ફેડરેશનને આ વખતે ઓસ્કારમાં વિદેશી ફિલ્મોની કેટેગરીમાં નોમિનેશન માટે આશરે ૨૬ ફિલ્મનાં નામ આવ્યાં હતાં, જેમાંથી ‘ન્યૂટન’ પસંદ કરાઈ હતી. ૯૦મો ઓસ્કાર એવોર્ડ ચોથી માર્ચ, ૨૦૧૮ના રોજ લોસ એન્જેલસમાં યોજાશે.
આ ઓસ્કારમાં ‘ન્યૂટન’ને પહેલી પાંચ ફિલ્મોમાં પહોંચવા માટે પાકિસ્તાનની ફિલ્મ ‘સાવન’, કમ્બોડિયાની ‘ફર્સ્ટ ડે કિલ્ડ માય ફાધર’, સ્વિડનની ‘ધ સ્કવેર’ અને જર્મનીની ‘ઈન ધ ફેડ’નો સામનો કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે છેલ્લે ૨૦૦૧માં આશુતોષ ગોવારીકરની ‘લગાન’ ઓસ્કારની વિદેશી ફિલ્મો કેટેગરીમાં અંતિમ પાંચમાં સ્થાન મેળવી શકી હતી. આ પહેલાં ‘મધર ઇન્ડિયા’ (૧૯૫૮) અને ‘સલામ બોમ્બે’ (૧૯૮૯) બે અન્ય ભારતીય ફિલ્મો આ કેટેગરીમાં અંતિમ પાંચમાં સમાવિષ્ટ થઈ હતી.


comments powered by Disqus