ખુશીની સાચી ચાવી સેક્સ અને ઊંઘ

Wednesday 27th September 2017 07:31 EDT
 
 

લંડનઃ લોકો જીવનમાં ખુશી મેળવવાની ઈચ્છાથી ભલે ધનવાન થવા માટે તનતોડ મહેનત કરતા હોય પરંતુ આમ તો કહેવાતું આવ્યું જ છે કે નાણાથી ખુશી મળતી નથી. જોકે, માનવીને સાચી ખુશી આપતી હોય તે બે બાબત સેક્સ અને ઊંઘ હોવાનું સંશોધકો જણાવે છે. આ માટે સંશોધકોએ ૮,૨૫૦ પુખ્ત વ્યક્તિનો સર્વે કર્યો હતો.

ઓક્સફર્ડ ઈકોનોમિક્સના સંશોધકો દ્વારા ‘ધ લિવિંગ વેલ ઈન્ડેક્સ’ને વિકસાવાયું છે. આ ઈન્ડેક્સ થકી સંશોધકોને જણાયું છે કે તમારી આવકને ચાર ગણી વધારવામાં વીતાવેલા સમય કરતા બેડરુમમાં સંતોષજનક સમય વીતાવવો વધુ નોંધપાત્ર હોય છે. ‘ધ લિવિંગ વેલ ઈન્ડેક્સ’માં સંતોષપ્રદ જાતીયજીવન માટે સાત પોઈન્ટનો જ્યારે, પરિવારની આવક ૧૨,૫૦૦ પાઉન્ડથી વધારી ૫૦,૦૦૦ પાઉન્ડ સુધી લઈ જવાની મહેનત માટે માત્ર બે પોઈન્ટનો વધારો મળ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ દ્વારા કરાયેલા પોલનાં તારણ જણાવે છે કે આખી રાત ઊંઘ લાવવાની મથામણ કરતાં લોકોની સરખામણીએ આરામ ફરમાવીને તાજા થયેલાં લોકોએ આ ઈન્ડેક્સ પર વધુ ૧૫ ટકા સ્કોર હાંસલ કર્યો હતો.

વિશ્લેષણના તારણો અનુસાર યુવાન પરિવારો સૌથી વધુ ખુશ ગ્રૂપ છે. હજુ પણ કાર્યરત ‘બેબી બૂમર્સ’ જૂથ નોકરીની સારી સુરક્ષા અને ઊંચા જીવનધોરણના કારણે બીજા ક્રમે છે.ખુશી અને ઘરમાં બાળક હોવાં વચ્ચે મજબૂત સંબંધ જણાયો છે. બાળકો નહિ ધરાવતાં ત્રીસી અને ચાળીસીના વયજૂથના લોકો સૌથી ઓછાં ખુશ હોય છે કારણકે તેમની ‘નબળી સપોર્ટ નેટવર્ક્સ’ હોવાં સાથે તેમના જાતીયજીવનમાં સંતોષનું સ્તર નીચું હોય છે.


    comments powered by Disqus